ઇઝરાયેલની લેબનોન પર 10થી વધુ એર સ્ટ્રાઇક : સીરિયા સાથેનો ક્રોસિંગ કટ
- બૈરુત ગાઝાની જેમ કાટમાળ બનવાની અણી પર
- 23 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં અઢી લાખ સીરિયન અને એક લાખ લેબનીઝ નાગરિકોએ દેશ છોડયો
તેલઅવીવ : ઇઝરેયાલે લેબનોન પર એરસ્ટ્રાઇક જારી રાખતા ૧૦થી પણ વધુ ભીષણ હવાઈ હુમલા કર્યા છે. તેના પરિણામે લેબનોન અને સીરિયા વચ્ચેનો મહત્ત્વનો ક્રોસિંગ કપાઈ ગયો છે. લેબનોનમાં બૈરુત પર ઇઝરાયેલના અવિરત બોમ્બમારાના લીધે તે કાટમાળમાં પરિવર્તીત થઈ રહ્યુ છે. ઇઝરાયેલના લશ્કરે બૈરુતના પરામાં કરેલો હુમલો કોને ટાર્ગેટ કરીને કરાયો તેના અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
ઇઝરાયેલના લશ્કરે શુક્રવારે જણાવ્યું હતું કે તેણે અગાઉના દિવસે કરેલા હુમલામાં હીઝબુલ્લાહના કમ્યુનિકેશન ડિવિઝનનો હેડ મોહમ્મદ રશીદ સ્કાફી માર્યો ગયો હતો. તે ૨૦૦૦થી હીઝબુલ્લાહનું કમ્યુનિકેશન યુનિટ સંભાળતો હતો. તે હીઝબુલ્લાહના ટોચના અધિકારીઓ સાથે ગાઢ રીતે સંકળાયેલો હતો.
આ ઉપરાંત ગુરુવારના હુમલાના લીધે લેબનોન-સીરિયા બોર્ડરનો અત્યંત વ્યસ્ત માસના બોર્ડર ક્રોસિંગ ખતમ થઈ ગયો હતો. ઇઝરાયેલે જણાવ્યું હતું કે તેણે આ ક્રોસિંગને ટાર્ગેટ કર્યુ હતુ કેમકે હીઝબુલ્લાહને આ જ બોર્ડરથી લશ્કરી સરંજામ મળે છે. ઇઝરાયેલના ફાઇટર જેટ્સે ઇરાનથી અને અન્ય પ્રોક્સીથી લેબનોન મોકલાતા શસ્ત્રોની હેરફેર માટે ઉપયોગમાં લેવાતી ટનલ નષ્ટ કરી છે.
એપીના વિડીયો ફૂટેજ દર્શાવે છે કે આ હુમલાના લીધે રોડની બંને બાજુએ ખાડા પડી ગયા છે. તેના લીથે હવે કાર લઈને આવતા લોકો માટે સરહદ વાહન સાથે ઓળંગવી અશક્ય બની ગઈ છે. તેઓએ હવે પગે ચાલતા જ સરહદ ઓળંગવી પડશે. ઇઝરાયેલે લેબનોન પર હુમલા શરૂ કર્યા પછી ૨૩ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં એટલે કે દસ દિવસમાં ૨.૫૬ લાખ સીરિયન નાગરિકો અને લગભગ એક લાખ લેબનીઝ નાગરિકો દેશ છોડી ચૂક્યા છે. ઇઝરાયેલના હુમલાનો વ્યાપ વધવાની સાથે-સાથે આ રીતે દેશ છોડનારાઓનો અને વિસ્થાપિતોનો આંકડો સતત વધતો જશે તેમ મનાય છે.