ડેમ પર હુમલા બાદ વધુ વિસ્તારો જળબંબાકાર: પીવાના પાણીની ભારે કટોકટી સર્જાઈ
- પૂરગ્રસ્ત વિસ્તારોમાં પીવાનું પાણી પૂરુ પાડવા પગલાં લેવાશે: ઝેલેન્સ્કી
- નાટોએ રશિયા જોડે અચાનક સંઘર્ષમાં ઉતરવું પડે તો તેના માટે અત્યાર સુધીની સૌથી મોટી કવાયત આદરી
કીવ : યુક્રેનના બંધ પરના હુમલા બાદ વધુ વિસ્તારો જળબંબાકાર થતાં પીવાના પાણીની ભારે કટોકટી સર્જાઈ છે. રશિયા સાથે ૧૫ મહિનાથી ચાલતા યુદ્ધના લીધે આ નદીના પાણી પર આધાર રાખતો દક્ષિણ યુક્રેનનો હિસ્સાએ હવે પાણીની કટોકટીનો સામનો કરવો પડ તેમ છે. રશિયા અને યુક્રેનના અંકુશવાળા વિસ્તારમાંથી કુલ ૨,૭૦૦થી વધુને ખાલી કરાવાયું છે.
જો કે આ સ્થિતિ પણ હજી સ્પષ્ટ નથી. બંધના વિસ્તારમાં ૬૦,૦૦૦થી વધુ લોકો રહે છે. કેખોવ્કા હાઇડ્રોઇલેક્ટ્રોનિક ડેમ અને બંધ દક્ષિણ યુક્રેનમાં પીવાના પાણીની સગવડ પૂરી પાડતો મહત્વનો સ્ત્રોત હતો. તેનો અમુક હિસ્સો રશિયાએ કબ્જે કરેલા ખેરસન વિસ્તારમાં આવે છે.
આ બંધ ૨૦૧૪માં રશિયાએ કબ્જે કરેલા ક્રીમિયાને પણ પીવાનું પાણી પૂરુ પાડતો હતો. યુક્રેન નીપર નદીના પશ્ચિમ કાંઠે છે તો રશિયા પૂર્વ કાંઠે છે. પૂર્વકાંઠાવાળો વિસ્તાર વધારે નીચો છે અને તેથી રશિયાના અંકુશવાળા વિસ્તારો પૂરનો ભોગ બને તેવી સંભાવના વધારે છે.
રશિયાના અંકુશવાળા વિસ્તારમાં કેટલાક લોકો છત પર ઊભા રહીને મદદ માંગતા જોવા મળ્યા છે. બંને પક્ષો બંધ પરના હુમલા માટે એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પૂરના લીધે આ સીઝનનો બધો પાક ધોવાઈ જશે.
રશિયાના અંકુશવાળા વિસ્તારના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે તેમના કુલ ૪૦,૦૦૦ લોકોની અસર થઈ છે અને ૧,૩૦૦થી વધુ લોકોનું સ્થળ ખાલી કરાવવું પડયું છે.
જર્મની નાટોના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી લશ્કરી કવાયત હાથ ધરવા જઈ રહ્યુ છે. તેનો હેતુ સહયોગીઓને સાવધ કરવાનો અને રશિયા સાથેના મોરચે સ્થિતિ કથળે તો યુરોપીયન દળો ઊંઘતા ન ઝડપાય તે જોવાનો છે, એમ જર્મન સત્તાવાળાઓએ જણાવ્યું હતું.