મોહમ્મદ યુનુસે બનાવી વચગાળાની સરકાર, BNPએ કરી ચૂંટણીની માગઃ બાંગ્લાદેશ સંકટ પર 10 અપડેટ્સ
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં હિંસક આંદોલન બાદ શેખ હસીનાએ દેશ છોડ્યો છે ત્યારે બાંગ્લાદેશની સેનાના સમર્થનથી નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે હવે દેશની કમાન સંભાળી છે. બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની સ્થાપના કરવામાં આવી છે જેમાં મોહમ્મદ યુનુસ મુખ્ય ભૂમિકા નિભાવશે. ગુરુવારે તેમણે શપથ લીધા છે. વચગાળાની સરકારના ગઠન વચ્ચે ઢાકા અને અન્ય શહેરોમાં હિંસાની કેટલીક ઘટનાઓ સામે આવી છે. આ દરમિયાન બાંગ્લાદેશથી ભારતમાં ઘુસણખોરી થતી અટકાવવા માટે ભારતીય સરહદો પર સુરક્ષા પણ વધારવામાં આવી છે.
બાંગ્લાદેશ સંકટ પર 10 મોટા અપડેટ્સ :-
1. બાંગ્લાદેશમાં વચગાળાની સરકારે શપથ લીધા
સેના તરફથી સરકાર બનાવવા સમર્થન મળ્યા બાદ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ ગુરુવારે બપોરે 2.30 વાગ્યે પેરિસથી ઢાકા પહોંચ્યા હતા. તેમણે રાત્રે 8:30 વાગ્યે વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા. આ સરકારમાં યુનુસની સાથે 16 સલાહકારોને પણ સામેલ કરવામાં આવ્યા છે. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન 13 સલાહકારોએ શપથ લીધા છે. 3 સભ્યોની શપથવિધિ બાદમાં થવાની છે.
આ પણ વાંચોઃ જાણો, એક બીજાના પ્રશંસક મોહમ્મદ યુનુસ અને શેખ હસીના વચ્ચે વેરના 'બીજ' કેવી રીતે રોપાયા ?
2. ઢાકામાં ઘણી જગ્યાએ હિંસક ઘટનાઓ બની
મીડિયા અહેવાલ મુજબ, શેખ હસીનાના દેશ છોડ્યા બાદથી તેમના સમર્થકો વિરુદ્ધ હિંસાની ઘટનાઓમાં વધારો થયો છે. ઢાકામાં દેખાવકારો ઘણી જગ્યાએ તોડફોડ કરી રહ્યા છે. તોફાનીઓએ કેટલીક જગ્યાએ આગચંપી કરી હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.
3. હસીના ક્યાં જશે?
5 ઓગસ્ટે હિંસા ઉગ્ર બનતા શેખ હસીના ઢાકા છોડીને ભારત આવ્યા હતા. તેમનું હેલિકોપ્ટર ગાઝિયાબાદ નજીક હિંડોન એરબેઝ પર લેન્ડ થયું હતું. ત્યારથી હસીનાના આગામી પગલા અંગે વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. આ વચ્ચે શેખ હસીનાના પુત્રએ સાંકેતિક રૂપે જણાવ્યું છે કે, બાંગ્લાદેશમાં કાયદાકીય વ્યવસ્થા પુનઃ સ્થાપિત થતાં શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે.
4. હસીનાની દીકરીએ દુઃખ વ્યક્ત કર્યો
બાંગ્લાદેશ છોડ્યા બાદ શેખ હસીના ગાઝિયાબાદના સેફ હાઉસમાં છે. તેમની પુત્રી સાયમા વાજેદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) માં પ્રાદેશિક નિર્દેશક છે અને હાલમાં દિલ્હીમાં પોસ્ટેડ છે. જો કે, તે હજુ સુધી તેની માતાને મળી શકી નથી. આ અંગે સાયમા વાજેદે X પર પોસ્ટ કરી કહ્યું કે, "હું દુઃખી છું કે હું મારી માતાને જોઈ શકતી નથી, તેમને ગળે લગાવી શકતી નથી."
આ પણ વાંચોઃ બાંગ્લાદેશની રાજકીય અસ્થિરતા ભારત માટે બન્યું સંકટ, આ 5 પોઈન્ટથી સમજો સંપૂર્ણ મામલો
5. BSFએ 500 બાંગ્લાદેશીઓને ઘૂસણખોરી કરતા રોક્યા
બુધવારે 500 જેટલા બાંગ્લાદેશીઓએ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ તેમને અટકાવ્યા હતા અને બાંગ્લાદેશ સેનાને સોંપ્યા હતા. ઉત્તર બંગાળ ફ્રન્ટિયરના જણાવ્યા અનુસાર, આ લોકોએ બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓના હુમલાના ડરથી ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયોસ કર્યો હતો.
6. ખાલિદા ઝિયાને નવો પાસપોર્ટ મળ્યો
શેખ હસીનાએ દેશ છોડતાની સાથે જ ભ્રષ્ટાચારના કેસમાં 2018થી જેલમાં બંધ બાંગ્લાદેશની પૂર્વ પીએમ ખાલિદા ઝિયાને પણ મુક્ત કરી દેવામાં આવી છે. તેને નવો પાસપોર્ટ પણ આપવામાં આવ્યો છે.
7. BNPએ 3 મહિનામાં ચૂંટણીની માગ કરી
પૂર્વ PM ખાલિદા ઝિયાની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ દેશમાં 3 મહિનામાં ચૂંટણી કરાવવાની માગ કરી છે. બુધવારે યોજાયેલી રેલીમાં બીએનપીના નેતાઓએ માગ કરતાં કહ્યું કે, દેશમાં જનતા દ્વારા ચૂંટાયેલી સરકાર જ સત્તામાં આવવી જોઈએ. આ માટે ચૂંટણીની જરૂર છે.
8. મેઘાલય બોર્ડર પર તમામ બજારો બંધ
બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા અને રાજકીય સંકટ વચ્ચે મેઘાલય સરકારે સરહદ પરના બજારોને બંધ રાખવાનો આદેશ આપ્યો છે અને જ્યાં સુધી સ્થિતિ સ્થિર નહીં થાય ત્યાં સુધી બજારો બંધ રાખવા જણાવ્યું છે.
9. બાંગ્લાદેશી અભિનેતા અને તેના પિતાની હત્યા
હિંસા વચ્ચે બાંગ્લાદેશી અભિનેતા શાંતો ખાન અને તેના ફિલ્મ નિર્માતા પિતા સેલિમ ખાનની ટોળાએ માર મારી હત્યા કરી છે. નોંધનીય છે કે, સેલીમ ખાને શેખ હસીનાના પિતા બંગબંધુ શેખ મુજીરબુર રહેમાન પર ફિલ્મ બનાવી હતી. જે કારણસર તોફાનીઓએ તેમને નિશાન બનાવ્યું હતું. શાંતો ખાને 2019માં ફિલ્મ 'પ્રેમ ચોર'થી ડેબ્યૂ કર્યું હતું. તેણે 2021માં 'પિયા રે', 2023માં 'બુબુજાન' અને 2024માં 'અંતો નગર' જેવી બાંગ્લાદેશી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
10. હિંસક ટોળા વિરૂદ્ધ કકડ કાર્યવાહીનો આદેશ
બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને પોલીસને હિંસા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિમાં દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી સૌથી મહત્વપૂર્ણ બાબત છે.