મોહમ્મદ યુનુસને કમાન્ડ મળ્યો કે તુર્ત જ બાંગ્લાદેશમાં પાકિસ્તાન સક્રિય બની ગયું

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
મોહમ્મદ યુનુસને કમાન્ડ મળ્યો કે તુર્ત જ બાંગ્લાદેશમાં પાકિસ્તાન સક્રિય બની ગયું 1 - image


- બાંગ્લાદેશમાં તોફાનો પાછળ પાકનો હાથ હોવાની આશંકા

- શેખ હસીના વડાપ્રધાન હતા ત્યાં સુધી ભાગ્યે જ પાક. તેમની સાથે ચર્ચા કરતું હતું : હવે તુર્ત જ મંત્રણાઓ શરૂ કરી દીધી છે

નવી દિલ્હી : મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશમાં વડાપ્રધાન બન્યા પછી તુર્ત જ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે તુર્ત જ તેઓની સાથે ફોન ઉપર વાતચીત કરી હતી. એવું પણ કહેવાય છે કે શેખ હસીના વડાપ્રધાન હતાં ત્યારે બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે ભાગ્યે જ વાતચીત થતી હતી.

આથી સીધા સંકેતો મળે છે કે, પાકિસ્તાન હવે બાંગ્લાદેશમાં વધુ ને વધુ સક્રિય બની રહ્યું છે. તેવી પણ માહિતી મળી છે કે ઢાકામાં પાકિસ્તાનના હાઇકમિશનર અને યુનુસની વચગાળાની સરકારના સભ્યો વચ્ચે બેઠકો ચાલે છે. મહત્વની વાત તો છે કે બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં પાકિસ્તાનની પણ સંદિગ્ધ ભૂમિકા હોવાની આશંકા તીવ્ર બની રહી છે. પછી ભલે સત્તાવાર રીતે કશું કહેવાયું ન હોય.

ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અત્યારે તો ભારતમાં છે. પ્રાપ્ય માહિતી અનુસાર પાકિસ્તાનના દૂતાવાસે પૂર રાહત સહિત, સ્ટુડન્સ- એક્ષચેંજ પ્રોગ્રામ વગેરે વિષયો ઉપર ઢાકા સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે મંત્રણા શરૂ કરી દીધી છે. તે માહિતી તેણે સોશ્યલ મીડીયા ઉપર પણ પ્રસારિત કરી છે.

વાસ્તવમાં તે સમયે પૂર્વ પાકિસ્તાન કહેવાતા તે પ્રદેશમાં ૧૯૭૧ના યુદ્ધમાં અને તે પૂર્વે પાકિસ્તાનના સૈનિકોએ કરેલા અમાનુષી અત્યાચારો માટે પાકિસ્તાને હજી સુધી માફી માગી નથી. તે પછી ૧૯૭૧ના યુદ્ધમાં બંગ-વાહીની ને ભારતના સૈન્યે સાથ આપી નવા રાષ્ટ્ર બાંગ્લાદેનું સર્જન કરાવ્યું.

શેખ મુજીબ ઉર રહેમાન બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા. તેઓના નિધન પછી તેઓના પુત્રી શેખ હસીના વડાપ્રધાન બન્યા. ત્યારથી (શેખ મુજીબના સમયથી) પાકિસ્તાન અને બાંગ્લાદેશના સંબંધો ઠંડા પડી ગયા હતા. ૨૦૧૮ની સંસદીય ચૂંટણીમાં પાકિસ્તાનના હાઇ કમિશને વિપક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપીના) ઉમેદવારોને શેખ હસીનાની આવામી લીગના ઉમેદવારો સામે સમર્થન આપ્યું હતું.

રવિવારે પાકિસ્તાનના હાઈ કમિશનર અંતરિમ સરકારના સલાહકારો સાથે બેઠક યોજી હતી. તેમાં મોહમ્મદ નાહિદ ઇસ્લામ અને આસિફ મોહમ્મદ શોએબે અગ્રીમ ભૂમિકા ભજવી હતી.

ગત શુક્રવારે જ પાકિસ્તાનના વડાપ્રધાને બાંગ્લાદેશના વડાપ્રધાનને સત્તાવાર પત્ર લખી ત્યાંની પૂરની પરિસ્થિતિ વિષે તમામ સહાયની ખાતરી આપવા સાથે સ્ટુડન્ટ એક્ષચેંજની પણ વાત કરી હતી. આમ મોહમ્મદ યુનુસ સત્તાધીશ થતાં પાકિસ્તાન સક્રિય બની ગયું છે. આ પૂર્વે પાકિસ્તાનના વિદેશ સચિવે બાંગ્લાદેશના વિદેશ બાબતો અંગે સલાહકાર સાથે પણ મંત્રણા કરી હતી.


Google NewsGoogle News