Get The App

ન્યૂયોર્કમાં મોદી-ઝેલેન્સ્કી મુલાકાત : મોદીએ શાંતિ પ્રયાસોમાં સંપૂર્ણ સહાયની ખાતરી આપી

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
ન્યૂયોર્કમાં મોદી-ઝેલેન્સ્કી મુલાકાત : મોદીએ શાંતિ પ્રયાસોમાં સંપૂર્ણ સહાયની ખાતરી આપી 1 - image


- વિશ્વને આશા છે કે મોદી જ આ વિવાદ ઉકેલી શકશે : વિશ્લેષકો

- મોદીએ ફરી એકવાર કહ્યું : ભારત હંમેશાં વિવાદોને રાજદ્વારી રીતે તેમજ મંત્રણા દ્વારા ઉકેલવાનો સતત આગ્રહ પહેલેથી જ રાખે છે

ન્યુયોર્ક : યુક્રેનના પ્રમુખ વ્લાદોમીર ઝેલેન્સ્કી સાથે સોમવારે અહીં યોજાયેલી મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝેલેન્સ્કીને કહ્યું હતું કે, ભારત હંમેશા વિવાદોને રાજદ્વારી રીતે તેમજ મંત્રણા દ્વારા ઉકેલવાનો પહેલેથી જ સતત આગ્રહ  રાખે છે.

યુએનની સમિટ ઓફ ધ ફ્યુચરમાં ભાગ લેવા અહીં આવી પહોંચેલા બંને નેતાઓ વચ્ચે સોમવારે સઘન ચર્ચા થઈ હતી. આ અંગે વિશ્લેષકોનું કહેવું છે કે ભારત સ્વતંત્ર થયું પછી ૧૯૫૩ થી (સ્ટાલીનનાં નિધન પછીથી) તો રશિયા સાથે સતત ગાઢ સંબંધો રાખી રહ્યું છે. અત્યારે પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ પુતિન વચ્ચે મૈત્રીક સંબંધો છે. તેમ છતાં ઝેલેન્સ્કી રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ રાખે છે. તે જ મોદીની સૌથી મોટી સફળતા છે. નહીં તો ઝેલેન્સ્કી મોદીને મળવા તૈયાર જ ન થયા હોત.

આ મંત્રણા અંગે વિગતો આપતાં વિદેશ મંત્રાલયની વેબસાઇટમાં જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદીએ ઝેલેન્સ્કીને જણાવ્યું હતું કે, ભારત હંમેશાં વિવાદોનો ઉકેલ રાજદ્વારી પદ્ધતિએ અને મંત્રણા દ્વારા લાવવાના મતનું રહ્યું છે.

યુએનની સમીટ ઓફ ધ ફયુચર મિટિંગમાં હાજરી આપવા ત્રણ દિવસ (૨૧-૨૨-૨૩) ની મુલાકાતે અહીં આવી પહોંચેલા વડાપ્રધાને, ઝેલેન્સ્કી સાથેની મુલાકાતમાં જે કંઈ કહ્યું હતું તે જ તે સમિટ ઓફ ધ ફ્યુચરમાં કહ્યું હતું.

ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી પણ મોદીની સાથે ન્યૂયોર્ક ગયા હતા. તેઓએ ૨૧મી સપ્ટેમ્બરે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં એક પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે, અમે દરેક મધ્યસ્થીઓ સાથે સતત મંત્રણામાં વ્યસ્ત છીએ. સહજ છે કે તેમાં ઘણું કાર્ય થયું છે છતાં હજી ઘણું કરવાનું બાકી રહ્યું છે.

સોમવારે અહી યોજાયેલી મોદી-ઝેલેન્સ્કી મંત્રણા દરમિયાન ઓગસ્ટ ૨૩મીએ મોદીની યુક્રેન મુલાકાત વેળાએ બંને વચ્ચે થયેલી ચર્ચાની પણ મોદીએ, ઝેલેન્સ્કીને યાદ આપી હતી.

મોદી-ઝેલેન્સ્કી મંત્રણા પૂર્વે મોદી-પુતિન મંત્રણા પણ થઈ હતી. પુતિન તેમજ ઝેલેન્સ્કી બંને મોદીમાં વિશ્વાસ રાખે છે, તે પરથી વિશ્લેષકો કહે છે કે, વિશ્વને આશા છે કે મોદી જ આ વિવાદ ઉકેલી શકશે.


Google NewsGoogle News