મોદી-ટ્રમ્પની આજે બેઠક : ભારતની વિદેશનીતિનો લિટમસ ટેસ્ટ
- વ્યાપાર સિવાયના મામલે પણ ભારતને સીધી અને નકારાત્મક અસરનો સામનો કરવો પડી શકે છે
- 'ભાઈચારા'ની લાગણી વચ્ચે ટેરિફ, ઈરાન ઉપર પ્રતિબંધ, ગેરકાયદે નાગરિકોને પરત મોકલવા સહિતના વિકરાળ પડકારો
- એચવનબી વિઝાની સંખ્યા જેટલી સાંકડી દ્રષ્ટિએ બેઠકની સફળતા આંકવી જોઈએ નહીં
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે શિખર મંત્રણાનો તખતો તૈયાર છે. રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પના ૨૦૧૭-૨૦૨૧ના પ્રથમ કાર્યકાળ દરમિયાન બન્ને નેતાઓ વચ્ચે ગાઢ મિત્રતાના સંબંધો જોવા મળેલા. અત્યારે પણ વ્યક્તિગત રીતે બન્ને વચ્ચેની કેમેસ્ટ્રીમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે એ નિશ્ચિત છે. જોકે, ટ્રમ્પનો નવો કાર્યકાળ અલગ છે. એમના કેટલાક નિર્ણયોની ભારત પર સીધી અને પરોક્ષ રીતે નકારાત્મક અસર જોવા મળી શકે છે. આ સ્થિતિમાં બંને દેશની વિદેશ નીતિ કસોટી ઉપર છે. ફ્રાંસમાં આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ ઉપરનું સંમેલન પતાવી મોદી વોશિંગ્ટન માટે રવાના થઇ ગયા છે અને ગુરુવારે બન્ને દેશના વડા બેઠક કરશે. બેઠકની ફલશ્રુતિ વિશ્વની બે સૌથી મોટી લોકશાહી (ભારત અને અમેરિકા)ના સંબધોની ભવિષ્યની દિશા નક્કી કરશે. બંને દેશ વચ્ચે સ્પેસ ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્રે મહત્વની ભાગીદારી છે. ભારત માટે અમેરિકા એક મહત્વનું વ્યાપાર ભાગીદાર છે પણ અમેરિકાની દ્રષ્ટિએ તે અલ્પ છે. આ બન્ને નેતાઓ વચ્ચેની ચર્ચામાં એચવનબી વિઝાની સંખ્યામાં વધારો એ એક સામાન્ય બાબત છે એટલે તેને માત્ર એ નજરથી જોવું જોઈએ નહી.
ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી તેમણે અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા વિદેશીઓને હાંક કાઢવા માટે અભિયાન ચલાવ્યું છે. આ અભિયાનમાં ૧૦૪ ભારતીયોને મીલીટરી પ્લેનમાં, હાથકડી અને પગમાં બેડી પહેરાવી પરત મોકલ્યા તેનો ભારતમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ઉપરાંત, જન્મથી અમેરિકાની નાગરિકતા મળે એ કાયદો હટાવી દેવામા આવ્યો છે. અમેરિકાએ સ્ટીલ અને એલ્યુમિનીયમની આયાત ઉપર ૨૫ ટકા ટેરિફ સોમવારે અમલી કર્યા હતા. મોદી અને ટ્રમ્પ મળે એ પહેલા અમેરિકા પરસ્પર ટેરિફ લાદે એવી શક્યતા છે. આ વ્યવસ્થામાં અમેરિકન ચીજો ઉપર જે દેશ જેટલો ટેક્સ વસૂલે એટલો ટેક્સ અમેરિકા પણ વસૂલશે. શક્ય છે કે આમાં ભારતની કેટલી ચીજો હશે એ અત્યારે ખ્યાલ નથી. પરંતુ, ભારત માટે અમેરિકા સૌથી મોટું વ્યાપાર કેન્દ્ર છે. વર્ષ ૨૦૨૩-૨૪માં ભારતની કુલ અમેરિકા થતી નિકાસ ૭૭.૫ અબજ ડોલર હતી. આ દેશની કુલ નિકાસનો ૧૮ ટકા છે. બીજું, ભારત અમેરિકામાં જેટલી નિકાસ કરે છે તેનાથી આયાત ઓછી કરે છે. ટ્રમ્પ ઈચ્છે છે કે ભારત પોતાની અમેરિકાથી આવતી આયાત વધારે. અમેરિકાથી શસ્ત્રો ખરીદે, ઓટોમોબાઈલ્સ અને ટેકનોલોજી પણ ખરીદે.
ટ્રમ્પ સાથેના સંબંધોને ધ્યાનમાં લઇ ભારતે પ્રથમ પગલું લઇ લીધું છે. તા. ૧ ફેબ્રુઆરીએ બજેટમાં મોટરસાયકલ અને લકઝરી કાર ઉપરની કસ્ટમ ડયુટી ઘટાડી છે. બન્ને દેશો વ્યાપારના મામલે સાથે મળી વધારે તાલમેલથી કામ કરશે એવો ટ્રમ્પ સાથે ટેલીફોનીક ચર્ચા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંકેત પણ આપેલો. જોકે, વ્યાપાર સિવાયના મામલે પણ ભારતને સીધી અને નકારાત્મક અસરનો સામનો કરવો પડી શકે છે.
ગાઝા અને પેલેસ્ટાઇન અંગે ટ્રમ્પના સૂચનનો દુનિયાએ વિરોધ કર્યો છે પણ ભારત અત્યારે મૌન રહ્યું છે. ભારતે પેલેસ્ટાઈનને દેશ તરીકે દાયકાઓથી સ્વીકારેલો છે એ અલગ વાત છે. યુક્રેન અને રશિયાનું યુદ્ધ અટકે તે માટે ભારત મધ્યસ્થી કરવાના સંકેત આપી ચુક્યો છે પણ ટ્રમ્પ આ વિવાદનું અલગ રીતે નિરાકરણ કરવા મથી રહ્યા છે અને તેમાં ભારતની કોઈ ભૂમિકા નથી. ભારત માટે બ્રિકસ (બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચીન) દેશના સમુહમાં હવે અન્ય દેશો ઉમેરાયા છે. બ્રિકસ પોતાનું ચલણ શરૂ કરી ડોલરને પડકાર ફેંકશે અને અમેરિકા બધા દેશો ઉપર જંગી ટેરિફ લાદશે એવી ટ્રમ્પ ચમકી વારંવાર ઉચ્ચારી રહ્યા છે.
ભારત અને ઈરાન વચ્ચે હમેશા સારા સંબંધો રહ્યા છે પણ ટ્રમ્પ ઈરાનના પરમાણુ કાર્યક્રમને તોડી પાડવા તહેરાન ઉપર ભારે આર્થિક દબાણ ઉભું કરી રહ્યા છે. ભારત માટે આ સ્ટ્રેટેજીક અને ટ્રેડ બંનેની દ્રષ્ટિએ એક મોટો પડકાર છે. ઈરાનનું ચાબહાર બંદર ચલાવવા અને તેના વિકાસ માટે ભારતે ૨૦૨૪માં ૧૦ વર્ષના કરાર કરેલા છે. ઈરાન ઉપર પ્રથમ ટર્મમાં ટ્રમ્પે પ્રતિબંધ મૂક્યા ત્યારે આ બંદરને મુક્તિ મળી હતી. પરંતુ, તા.૪ ફેબ્રુઆરીની અમેરિકાની નવી જાહેરાત અનુસાર હવે ચાબહાર બંદરની મુક્તિ પણ દૂર કરવામાં આવે તેવી શક્યતા છે. એટલું જ નહી ઈરાન સાથે અને આ બંદર સાથે જોડાયેલી કંપની ઉપર પ્રતિબંધ આવે, ભારતને પણ મુક્તિ મળે નહીં તેવી શક્યતા છે.
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (વિશ્વ વ્યાપાર સંગઠન)માંથી નીકળી જવા અમેરિકા તૈયારી કરી રહ્યું છે. ટ્રમ્પે સત્તા ઉપર આવતા જ જળવાયુ પરિવર્તનની પેરિસ સંધિમાંથી નીકળી જવાની, વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુ એચ ઓ)ને અમેરિકાની સહાય અને તેનું સભ્યપદ રદ કર્યા બાદ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (વિશ્વ વ્યાપાર સંગઠન)માંથી નીકળી જવા અમેરિકા તૈયારી કરી રહ્યું છે. ભારતની આ બધા સંગઠનમાં એક વૈશ્વિક સતા અને વિશ્વના અગ્રણી અર્થતંત્ર તરીકે મહત્વની ભૂમિકા છે આ સ્થિતિમાં તે અંગે આગામી દિવસોમાં બન્ને દેશ વચ્ચે શું ચર્ચા થાય છે, બંને દેશ કેવી રીતે માર્ગ કાઢી પોતાના સંબંધો જાળવી રાખે છે તે જોવાનું રહ્યું.