જિનપિંગ જેવા 'દુશ્મન' ને બોલાવ્યા પણ PM મોદીને નહીં! સપ્ટેમ્બરની મુલાકાત ટાળતાં આમંત્રણ ન આપ્યાની અટકળો
Donald Trump and PM Modi News | અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે અમેરિકાના 48મા પ્રમુખ તરીકે શપથ લઈ રહ્યા છે. તેમના શપથ સમારંભમાં પહેલી વખત ટ્રમ્પના કહેવાતા દુશ્મન ચીનના પ્રમુખ શી જિનપિંગ સહિત વિશ્વના અનેક નેતાઓને આમંત્રણ અપાયું છે, પરંતુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ અપાયું નથી, જે હવે વિવાદનો મુદ્દો બની રહ્યો છે. રાજકીય પંડિતોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર 2024માં અમેરિકાની મુલાકાતે હતા ત્યારે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને મળવાનું ટાળ્યું હતું. આ કારણે હવે ડોનાલ્ડ ટ્રમ્પે તેમના શપથ સમારંભમાં તેમના 'ખાસ મિત્ર' નરેન્દ્ર મોદીને આમંત્રણ નહીં આપીને બદલો લીધો છે.
અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે યોજાનારા શપથ સમારંભ માટે વોશિંગ્ટન ડીસી પહોંચી ગયા છે. ચાર વર્ષ પહેલાં જાન્યુઆરી 2021માં વિદાય લઈ રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ યુએસ કેપિટોલ હિલ પર હુમલો કરતાં આખી દુનિયા ચોંકી ઉઠી હતી. એ જ કેપિટોલ હિલ પર ચાર વર્ષ પછી ફરી એક વખત ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે પ્રમુખપદના શપથ લેવાના છે.
અમેરિકામાં સત્તા પરિવર્તન માટેના પારંપરિક કાર્યક્રમો શનિવારથી જ શરૂ થઈ ગયા છે. ચાર વર્ષ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પના વર્તનથી તદ્ન વિપરિત જો બાઈડેન લોકશાહીના હસ્તાંતરણના સૌથી શક્તિશાળી પ્રતિકોમાંના એકને વળગી રહેશે. તેઓ વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પને આવકારશે તથા તેઓ પ્રમુખપદના શપથ ગ્રહણ કરે તે પહેલાં કેપિટોલ હિલ સુધીની સવારીમાં તેમની સાથે જોડાશે.
જોકે, આ બધા વચ્ચે હાલ વિશ્વમાં વિશેષરૂપે ભારતમાં સૌથી વધુ ચર્ચા ટ્રમ્પના શપથ સમારંભમાં તેમના 'ખાસ મિત્ર' પીએમ નરેન્દ્ર મોદીને આમંત્રણ અપાયું છે કે નહીં તેની થઈ રહી છે. સૂત્રો મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના શપથ સમારંભમાં દુનિયાના અનેક દેશોના વડાઓ અને નેતાઓને આમંત્રણ આપ્યું છે. ત્યાં સુધી કે તેમના દુશ્મન કહેવાતા ચીનના પ્રમુખ શી જિનપિંગને પણ આમંત્રણ આપ્યું છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું નથી. ટ્રમ્પના શપથ સમારંભમાં ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર કરવાના છે.
રાજકીય પંડિતોનું માનવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાના પ્રવાસે હતા. આ સમયે અમેરિકામાં પ્રમુખપદ માટેનો પ્રચાર ચરમ પર હતો. રિપબ્લિક નેતા ડોનાલ્ડ ટ્રમ્પે મિશિગનમાં ચૂંટણી રેલીમાં જાહેરાત કરી હતી કે નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે અમેરિકા આવી રહ્યા છે. પીએમ મોદી શાનદાર માણસ છે. તેઓ તેમને મળશે. જોકે, ભારતે સત્તાવાર રીતે ટ્રમ્પ સાથે બેઠકને પુષ્ટી આપી નહોતી.
બીજીબાજુ આ સમયે પ્રમુખપદની રેસમાં ટ્રમ્પ કરતાં ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ આગળ હોવાનું મનાતું હતું. પરિણામે પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાનું ટાળ્યું હતું. જોકે, હવે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખપદના શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે તેમણે આ બાબતનો બદલો લેવા માટે તેમના શપથ સમારંભમાં પીએમ મોદીને આમંત્રણ આપ્યું નથી.