ઇસ્લામિક મેગેઝિનના કવર પર મોદી, ભાજપના આઠ નેતાઓ નિશાના પર
- એજન્સીઓના રિપોર્ટ બાદ બિહાર પોલીસ એલર્ટ કરાઇ
- વોઇસ ઓફ ખુરાસનની મેગેઝિનમાં હુમલાનો ઉલ્લેખ, ભારતીય મુસ્લિમોને ભડકાવવાનો પ્રયાસ હોવાના અહેવાલ
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહાર અને ઝારખંડની મુલાકાતે ગયા હતા ત્યારે તેઓ આતંકીઓના નિશાના પર હતા આ વાતનો દાવો એજન્સીઓને મળેલા કેટલાક પુરાવાના આધારે કરવામાં આવ્યો છે. એટલુ જ નહીં ઇસ્લામિક સ્ટેટના આતંકીઓના નિશાના પર ભાજપના આઠ જેટલા નેતાઓ પણ છે તેમ એજન્સીઓએ જણાવ્યું હતું. પોતાના નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહેતા નેતાઓ નિશાના પર છે.
ભાજપના ગિરિરાજસિંહ, અશ્વિની ચૌબે, હરિભૂષણ ઠાકુર, સંજીવ ચૌરસિયા સહિત આઠ નેતાઓ આઇએસના આતંકીઓના નિશાના પર હોવાના અહેવાલો છે.
આ જાણકારી એક અધિકારીએ મીડિયાને આપી હતી. બીજી તરફ તેના કેટલાક પુરાવા પણ મળી આવ્યા છે. અહેવાલો મુજબ ઇસ્લામિક મેગેઝિનમાં ભાજપના નેતાઓ પર હુમલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી ગુપ્ત એજન્સીઓએ બિહાર પોલીસને એલર્ટ કરી દીધી છે.
પોલીસને એલર્ટ કરતા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ધ ખુરાસન ડાયરીએ ટ્વીટ કરીને કહ્યું છે કે ઇસ્લામિક સ્ટેટ ખુરાસન પ્રાંત(આઇએસકેપી)ના કવર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર પણ છે.
વોઇસ ઓફ ખુરાસનની આ પત્રિકામાં ભારતના નેતાઓ પર હુમલાનો ઉલ્લેખ સામે આવ્યો છે. આ ઉપરાંત ટેલીગ્રામ ચેનલ દ્વારા અંસાર ગજવાતુલ હિંદના નવા કમાંડર અમીર ગાઝી ખાલિદે પણ ખતરનાક નિવેદન જારી કર્યું છે. જેમાં ભારતીય મુસ્લિમોના યુવા વર્ગને ભડકાવવાનો પ્રયાસ કરાયો છે. બીજી તરફ પટનાના પીએફઆઇ અને એસડીપીઆઇની આડમાં સંચાલિત દેશ વિરોધીઓમાં સામેલ અતહર પરવેઝની પાસેથી જપ્ત મોબાઇલમાં ભાજપના સસ્પેન્ડ કરાયેલા નેતા નૂપુર શર્માનું સરનામુ અને મોબાઇલ નંબર પણ મળી આવ્યા છે. તે નૂપુરના દિલ્હી સ્થિત ઘરની રેકી પણ કરી ચુક્યો હતો. જેમાં સિમીના કેટલાક સભ્યો પણ સામેલ છે. બિહાર અને ઝારખંડમાં સ્લીપર સેલ એક્ટિવ થઇ ગયુ હોવાથી પોલીસ પણ એલર્ટ થઇ ગઇ છે.