સં.રા. મહાસભા પૂર્વે મોદી પેલેસ્ટાઇનના પ્રમુખને મળ્યા : ત્યાંની પરિસ્થિતિ અંગે ઘેરી ચિંતા દર્શાવી
- ગાઝાપટ્ટી, વેસ્ટ બેન્કમાં શાંતિ, સ્થિરતા ફરી સ્થાપવામાં ભારતનો સંપૂર્ણ ટેકો છે : વડાપ્રધાને હૃદયથી કહ્યું
ન્યુયોર્ક, સંયુક્ત રાષ્ટ્રો : સંયુક્ત રાષ્ટ્રોની મહાસભા પૂર્વે વડાપ્રધાન મોદી કેટલાએ દેશોના અગ્રણીઓને રવિવારે મળ્યા. પેલેસ્ટાઇનના પ્રમુખ મહમુદ અબ્બાસને પણ મળ્યા હતા. તેઓ વચ્ચે ન્યૂયોર્કમાં લંબાણ મંત્રણાઓ પણ યોજાઈ હતી. જે દરમિયાન વડાપ્રધાન મોદીએ ગાઝાપટ્ટી અને વેસ્ટબેન્ક વિસ્તારની પરિસ્થિતિ અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે તે વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા સ્થપાઈ રહે, તે માટે તમામ પ્રયત્નો કરવાની અને તે પ્રયત્નોમાં ભારતનો પૂરેપૂરો ટેકો હોવાની મોદીએ મહમુદ અબ્બાસને ખાતરી આપી હતી.
આ અંગે તેઓએ 'ટ' પર કરેલા પોસ્ટમાં લખ્યું હતું કે, 'ન્યૂયોર્કમાં પ્રમુખ મહેમુદ અબ્બાસને મળ્યો અને તે પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા વહેલામાં વહેલી તકે સ્થપાઈ રહે તે અંગે તમામ પ્રયાસો કરવામાં ભારતનો સંપૂર્ણ ટેકો છે, તેમ પણ જણાવ્યું હતું.'
વડાપ્રધાન મોદી અત્યારે ન્યૂયોર્કમાં છે. સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં હાજરી આપવા રવિવારે જ આવી પહોંચ્યા હતા, તે દરમિયાન તેઓ અમેરિકાના ટોપ એક્ઝિક્યુટીવ્સને મળ્યા હતા, અને ભારતમાં નિવેશ કરવા અને વધારવા તેઓને આમંત્રણ આપ્યું હતું. તેઓ અમેરિકા સ્થિત હજારો ઈંડીયન ડાયસ્પોરાને પણ રવિવારે સાંજે મળ્યા હતા, તે કાર્યક્રમનું નામ રખાયું હતું. 'મોદી એન્ડ યુ.એસ.'