ભારત-ચીનના સંબંધો સુધારવા મોદી અને જિનપિંગની મુલાકાત જરૂરી : ડ્રેગન
- કઝાનની બેઠકે દ્વિપક્ષીય સંબંધોને વિકાસના માર્ગે પાછા લાવવાની પહેલ કરી
- ડ્રેગન દ્વિપક્ષીય સંબંધોને રણનીતિ ઉંચાઈએ લઈ જવા માટે લાંબાગાળાના પરિપ્રેક્ષ્યથી ભારત સાથે કામ કરવા તૈયાર : ચીન
બેઈજિંગ : રશિયાના કઝાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગની બ્રિક્સ શિખર મંત્રણા વચ્ચે યોજાયેલી બેઠકને મહત્વપૂર્ણ ગણાવતા ચીને કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધુ સારા બનાવવા માટે આ પ્રકારની બેઠક અત્યંત જરૂરી છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું કે, બંને દેશના વડાઓએ દ્વિપક્ષીય સંબંધોને વિકાસના માર્ગે પાછા લાવવાની પહેલ કરી છે.
બ્રિકસ શિખર મંત્રણા દરમિયાન પીએમ મોદી અને પ્રમુખ શી જિનપિંગ વચ્ચેની બેઠકના પરિણામોને બેઈજિંગ કેવી રીતે જૂએ છે તેવા એક સવાલના જવાબમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિઆને કહ્યું કે, ચીન દ્વિપક્ષીય સંબંધોને રણનીતિક ઊંચાઈ અને લાંબાગાળાના પરિપ્રેક્ષ્યથી જોવા અને સંભાળવા માટે ભારત સાથે કામ કરવા માટે તૈયાર છે. લિને કહ્યું કે, ચીન સંચાર અને સહયોગને વધારવા, પારસ્પરિક વ્યૂહાત્મક વિશ્વાસ વધારવા, મતભેદોનું સારી રીતે સંચાલન કરવા અને દ્વિપક્ષીય સંબંધોને વહેલામાં વહેલા સ્થિર વિકાસના માર્ગે પાછા લાવવા માટે પણ તૈયાર છે. ભારત અને ચીન વચ્ચે પૂર્વીય લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર પેટ્રોલિંગ અને આમને-સામને રહેલા સૈનિકોને પાછા ખેંચવા માટે સમજૂતી થયા પછી પીએમ મોદી અને પ્રમુખ જિનપિંગ વચ્ચે કઝાનમાં બ્રિક્સ શિખર સંમેલનની સાથે દ્વિ-પક્ષીય બેઠક મળી હતી, જેમાં તેમણે આ સમજૂતીનું સમર્થન કર્યું હતું. ત્યાર પછી વિવિધ દ્વિપક્ષીય વાટાઘાટો ફરી એક વખત શરૂ કરવાનો નિર્દેશ અપાયો હતો. હકીકતમાં વર્ષ ૨૦૨૦માં ભારત અને ચીનના સૈન્ય વચ્ચે જૂનમાં ગલવાનમાં હિંસક અથડામણ પછી બંને દેશના સંબંધો કથળ્યા હતા.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લીને કહ્યું કે, બંને પક્ષોનું માનવું હતું કે આ બેઠક રચનાત્મક છે અને તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ ચીન-ભારત સંબંધોને રણનીતિક ઊંચાઈ અને લાંબાગાળાના પરીપ્રેક્ષ્યથી જોવા માટે સહમત છે. બંને દેશના વિદેશ મંત્રીઓ અને અધિકારીઓ વચ્ચે વિવિધ સ્તર ોપર વાતચીત મારફત પારસ્પરિક વિશ્વાસ વધારવા પણ બંને દેશના વડા સહમત થયા હતા, જેથી સંબંધોને ઝડપથી વિકાસના માર્ગે પાછા લાવી શકાય.
તેમણે કહ્યું કે, બંને નેતાઓએ સરહદીય વિવાદોના ઉકેલ માટે વિશેષ પ્રતિનિધિ તંત્રનો સારો ઉપયોગ કરવા, સરહદીય ક્ષેત્રોમાં શાંતિ અને સૌહાર્દ સુનિશ્ચિત કરવા, નિષ્પક્ષ અને યોગ્ય સમાધાન શોધવા, બહુપક્ષીય મંચો પર સંચાર અને સહયોગ વધારવા અને વિકાસશીલ દેશોના સંયુક્ત હિતોના રક્ષણ પર પણ સહમતિ વ્યક્ત કરી છે.'
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીના અધ્યક્ષપદે વિશેષ પ્રતિનિધિ તંત્રે ભૂતકાળમાં બંને દેશોના સંબંધો સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વિશેષ પ્રતિનિધિ તંત્રની રચના ૨૦૦૩માં કરવામાં આવી હતી. સરહદીય મુદ્દાઓના ઉકેલ માટે વિશેષ પ્રતિનિધિ તંત્રની ૨૨ બેઠકો મળી હતી. છેલ્લે વર્ષ ૨૦૧૯માં ડોભાલ અને વાંગ વચ્ચે બેઠક યોજાઈ હતી. આગામી સમયમાં બંને દેશ દરેક મોરચા પર સંબંધોમાં સુધારા માટે ઉચ્ચ સ્તરીય મુલાકાતની અપેક્ષા રાખી રહ્યા છે.