Get The App

લદ્દાખ વિવાદ પછી મોદી-જિનપિંગ વચ્ચે આજે પહેલી વખત દ્વિપક્ષીય બેઠક

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
લદ્દાખ વિવાદ પછી મોદી-જિનપિંગ વચ્ચે આજે પહેલી વખત દ્વિપક્ષીય બેઠક 1 - image


- પીએમ મોદી અને ચીનના પ્રમુખ જિનપિંગ બ્રિક્સ શિખર મંત્રણામાં જોડાશે

- પુતિન સાથે દ્વિપક્ષીય મંત્રણામાં પીએમ મોદીએ યુક્રેન યુદ્ધમાં શાંતિ વાટાઘાટો માટે શક્ય તમામ મદદની દરખાસ્ત કરી

- કઝાન સાથે ભારતના ઐતિહાસિક સંબંધો, નવું વાણિજ્ય દૂતાવાસ ખોલશે : પીએમ મોદી

કઝાન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬મી બ્રિક્સ શિખર મંત્રણા માટે મંગળવારે રશિયાના કઝાન પહોંચ્યા હતા. આ બેઠકમાં ભાગ લેવા માટે ચીનના પ્રમુખ શી જિનપિંગ પણ કઝાનમાં છે. આવા સમયે પીએમ મોદી બ્રિક્સ બેઠકની સાથે શી જિનપિંગ સાથે દ્વિ-પક્ષીય વાટાઘાટો કરશે તેમ વિદેશ સચિવ વિક્રમ મિસરીએ મંગળવારે જણાવ્યું હતું. મે ૨૦૨૦માં પૂર્વીય લદ્દાખમાં પેંગોંગ સરોવર પર ઘર્ષણ અને જૂન ૨૦૨૦માં ગલવાન હિંસા પછી પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે પહેલી વખત દ્વિપક્ષીય બેઠક યોજાશે. બીજીબાજુ પીએમ મોદીએ મંગળવારે પુતિન સાથે બેઠક કરતાં રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિ માટે મદદની ઓફર કરી હતી.

પૂર્વીય લદ્દાખમાં એપ્રિલ ૨૦૨૦ પછી ભારત અને ચીન વચ્ચે શરૂ થયેલા વર્તમાન તણાવપૂર્ણ સંબંધોમાં ફરી એક વખત સુધારાની સંભાવનાઓ જોવા મળી રહી છે. લગભગ ચાર વર્ષ પછી લદ્દાખ સરહદે ડેમચોક અને દેપસાંગમાંથી ભારત અને ચીન તેમના સૈન્યને પાછા હટાવવા અને વિસ્તારમાં ફરીથી વર્ષ ૨૦૨૦ની જેમ પેટ્રોલિંગ શરૂ કરવા માટે સહમત થયા છે અને આ માટે તેમણે કરાર કર્યા હતા. આ કરારને ચીને પણ મંગળવારે પુષ્ટી આપી છે. આવા સમયે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે બ્રિક્સ શિખર મંત્રણા વચ્ચે પહેલી વખત દ્વિપક્ષીય બેઠક થશે.

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, બ્રિક્સ શિખર મંત્રણાના પ્રસંગે બુધવારે બંને દેશના વડા મળશે. આ બેઠક દરમિયાન જ પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે દ્વિ-પક્ષીય બેઠક થશે, જેનો સમય આવતીકાલે જ નિશ્ચિત થઈ શકશે. તેમણે ઉમેર્યું હતું કે, પૂર્વીય લદ્દાખમાં બંને દેશના સૈનિકોને પાછા બોલાવવાની પ્રક્રિયા આગામી દિવસોમાં શરૂ થઈ જશે. બંને દેશના સૈન્યએ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. ચીને પણ એલએસી પર તણાવ ઘટાડવા માટે ભારત સાથે થયેલા સૈન્ય કરારની પુષ્ટી કરી હતી.

પૂર્વીય લદ્દાખમાં ૧૫-૧૬ જૂન, ૨૦૨૦ના રોજ ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં ભારતના ૨૦ જવાન શહીદ થયા હતા જ્યારે ચીનના ૪૦થી વધુ સૈનિકોનાં મોત નીપજ્યાં હતાં. જોકે, પીપલ્સ લિબરેશન આર્મીએ તેના સૈનિકોના મોતની સત્તાવાર પુષ્ટી કરી નથી. આ પહેલાં એપ્રિલ-મે ૨૦૨૦થી પેંગોંગ સરોવર પર બંને દેશના સૈન્યો આમને-સામને આવી ગયા પછી ચીન સાથે ભારતના સંબંધો કથળ્યા હતા.

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ શિખર મંત્રણામાં ભાગ લેવા માટે મંગળવારે રશિયાના કઝાન પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ મંગળવારે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ સમયે તેમણે યુક્રેન યુદ્ધનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, હું રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધ અંગે સતત પ્રમુખ પુતિનના સંપર્કમાં છું. ભારત માને છે કે સંઘર્ષનું સમાધાન શાંતિપૂર્ણ હોવું જોઈએ. અમે માનવતા માટે શાંતિ અને સ્થિરતાનું સમર્થન કરીએ છીએ. તેના માટે ભારત શક્ય તમામ મદદ કરવા તૈયાર છે.

પ્રમુખ પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક પછી પીએમ મોદીએ કહ્યું કે, કઝાન શહેર સાથે ભારતના ઐતિહાસિક સંબંધો છે. ભારત અહીં નવું વાણિજ્ય દૂતાવાસ ખોલી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનામાં હું બીજી વખત રશિયા આવ્યો છું. જુલાઈમાં મોસ્કોમાં પ્રમુખ પુતિન સાથે મુલાકાત થઈ હતી. વ્લાદિમિર પુતિને કહ્યું કે, કઝાનમાં વાણિજ્ય દુતાવાસ ખોલવાનો પીએમ મોદીનો નિર્ણય આવકારદાયક છે. ભારતની નીતિઓથી બંને દેશોના સંબંધો અને ભાગીદારી વધ્યા છે.

અમારા સંબંધો એટલા મજબૂત કે ટ્રાન્સલેટરની જરૂર નથી : પુતિન

કઝાન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬મી બ્રિક્સ શિખર મંત્રણામાં ભાગ લેવા માટે રશિયાના બે દિવસના પ્રવાસે કઝાન પહોંચ્યા છે. બ્રિક્સ શિખર મંત્રણા બુધવાર અને ગુરુવારે થવાની છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ બેઠક સમયે પ્રમુખ પુતિને ઉમળકાભેર પીએમ મોદીને આવકાર્યા હતા. બંને નેતા એકબીજાને ગળે મળ્યા હતા. દ્વિ-પક્ષીય બેઠકમાં પીએમ મોદી હિન્દી અને પ્રમુખ પુતિન હિન્દીમાં વાત કરી રહ્યા હતા. બંને નેતાઓની સાથે તેમના ટ્રાન્સલેટર પણ હાજર હતા. આ સમયે પુતિને મોદીને સંબોધન કરતા કહ્યું કે, ભારત અને રશિયાના સંબંધો એટલા ગાઢ છે કે મને લાગે છે કે તમે ટ્રાન્સલેટરની મદદ વિન ામારી વાતો સમજી શકો છો. પુતિનની આ ટીપ્પણી સાંભળી મોદી પણ ખડખડાટ હસી પડયા હતા. પીએમ મોદીએ પણ પુતિન સાથે જુલાઈમાં થયેલી બેઠકને યાદ કરી હતી. તેમણે કહ્યું છેલ્લા ત્રણ મહિનામાં અમારી આ બીજી મુલાકાત છે, જે બંને દેશો વચ્ચે ગાઢ મિત્રતા દર્શાવે છે.


Google NewsGoogle News