અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરને મોદીએ ખુલ્લુ મુક્યું
- હું મા ભારતીનો સૌથી મોટો પુજારી, 140 કરોડ દેશવાસી મારા આરાધ્ય : વડાપ્રધાન
- 700 કરોડમાં તૈયાર કરાયેલા આ મંદિરમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી સહિત તમામ ધર્મોની સંસ્કૃતિનો સમાવેશ કરાયો
- મંદિર માટે મુસ્લિમે જમીન દાન કરી, પારસી ગ્રુપ કંપની દ્વારા નિર્માણ, આર્કિટેક્ટ ખ્રિસ્તી, પ્રોજેક્ટ મેનેજર શીખ, ફાઉન્ડેશનની ડિઝાઇન એક બૌદ્ધે તૈયાર કરી
- મંદિરમાં ભગવાન રામ, શિવ, વિષ્ણુ, કૃષ્ણની સાથે સ્વામીનારાયણની મુર્તિની સ્થાપના, કુરાનનો પણ ઉલ્લેખ
અબુ ધાબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ યુએઇની મુલાકાતે છે, આ દરમિયાન તેમણે યુએઇની રાજધાની અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરીને લોકો માટે ખુલ્લુ મુક્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાયેલા આ મંદિરની ઘણી વિશેષતાઓ પણ છે. આ મંદિરને બનાવવા માટે મુસ્લિમ શાસકની જમીન અને ખ્રિસ્તી આર્કિટેક્ટનો ઉપયોગ કરાયો છે. તેથી સર્વધર્મ સમભાવની ભાવના પણ આ મંદિર સાથે જોડાયેલી છે. મંદિરના નિર્માણ પાછળ આશરે ૭૦૦ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. દરમિયાન વડાપ્રધાન મોદીએ લોકોને સંબોધતા કહ્યું હતું કે મારા માટે આ સૌભાગ્યની વાત છે કે હું પહેલા અયોધ્યામાં રામ મંદિર અને હવે યુએઇમાં આ મંદિરનો સાક્ષી બન્યો છું. મોદીએ પોતાને મા ભારતીના પુજારી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે હાલમાં જ મને મારા મિત્ર કહી રહ્યા હતા કે હું તો સૌથી મોટો પુજારી છું.
મોદીએ કહ્યું હતું કે હું એ નથી જાણતો કે મંદિરના પુજારીઓ જેટલી હું યોગ્યતા ધરાવું છું કે નહીં પણ મને એ વાતનું ગૌરવ છે કે હું મા ભારતીનો પુજારી છું. આ ભવ્ય મંદિરને પુરી માનવતાને સમર્પિત કરુ છું, પૂરી પૃથ્વી જ આપણો પરિવાર છે, વિશ્વ શાંતિ માટે ભારત પ્રતિબદ્ધ છે, સૌનો સાથ સૌનો વિકાસમાં વિશ્વાસ રાખીએ છીએ. આ સમય ભારતના અમૃતકાળનો છે, મારા શરીરના કણ-કણ મારા દેશને સમર્પિત છે. આ મંદિરમાં દરેક ધર્મનો અહેસાસ થશે, હિન્દુ ધર્મની સાથે સાથે કુરાનની વાર્તાઓ પણ જોવા મળશે. મંદિરમાં પ્રવેશ કરતા જ મને વોલ ઓફ હાર્મનીના દર્શન થયા હતા.
વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે મંદિરમાં ઇંપ્રેસિવ થ્રી ડીનો અનુભવ થશે જેને પારસી સમાજે શરૂ કરાવ્યો, લંગરની જવાબદારી શીખ ભાઇઓએ લીધી છે. મંદિરના નિર્માણમાં દરેક ધર્મના લોકોએ કામ કર્યું છે. મંદિરની સાત મીનારો યુએઇના ૭ અમીરાતોંનું પ્રતિક છે. આ જ ભારતીયોનો સ્વભાવ છે, અમે જ્યાં પણ જઇએ છીએ ત્યાંની સંસ્કૃતિનું સન્માન કરીએ છીએ. દરેકનું સન્માન કરવાનો આ ભાવ શેખ મોહમ્મદના જીવનમાં પણ જોવા મળે છે. નોંધનીય છે કે યુએઇના અબુ ધાબીમાં આ પ્રથમ હિન્દુ મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિરમાં ૪૦૨ સ્તંભ છે, મંદિરને તૈયાર કરવા માટે ૨૫૦૦૦ પથ્થરોના ટુકડાનો ઉપયોગ કરાયો છે. આ મંદિરની જમીન એક મુસ્લિમ શાસકની માલિકીની હતી, જેને તેઓએ મંદિર માટે દાન કરી દીધી હતી. આ મંદિરના ચીફ આર્કિટેક્ટ કેથોલિક ખ્રિસ્તી, પ્રોજેક્ટ મેનેજર એક શીખ છે જ્યારે ફાઉંડેશનલ ડિઝાઇનર એક બૌદ્ધ છે. મંદિરનું નિર્માણ જે કંપનીએ કર્યું તે એક પારસી ગ્રુપ છે જ્યારે તેના ડાયરેક્ટર જૈન ધર્મ સાથે સંકળાયેલા છે. આમ તમામ ધર્મોને ધ્યાનમાં રાખીને આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરમાં સાત શીખર તૈયાર કરાયા છે. જેમાં ભગવાન રામ, શિવ, જગન્નાથ, કૃષ્ણ, તિરુપતિ બાલાજી અને ભગવાન અયપ્પાની મુર્તીઓ સ્થાપિત કરાઇ છે. સાથે જ સ્વામીનારાયણનો પણ સમાવેશ કરાયો છે. મંદિરમાં રામાયણ અને મહાભારત સહિત ભારતની ૧૫ વાર્તાઓ ઉપરાંત માયા, એજટેક, મિસ્ર, અરબી, યૂરોપીય, ચીની અને આફ્રિકી સભ્યતાઓની વાર્તાઓ પણ દર્શાવવામાં આવી છે. મંદિરમાં શાંતિ અને સૌહાર્દનું ગુંબજ પણ સ્થાપિત કરવામાં આવ્યું છે.
મંદિરની વિશેષતાઓ
- અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદે મંદિર નિર્માણ માટે ૨૬ એકર જમીન દાન કરી.
- ૧૦૮ ફૂટની ઉંચાઇ ધરાવતા આ મંદિરમાં ભારતીય પશુ પક્ષીઓની સાથે યુએઇના રાષ્ટ્રીય પક્ષી બાઝને પણ ડિઝાઇનમાં સ્થાન અપાયું.
- મંદિરના માર્ગની ચારેય બાજુ ૯૬ જેટલી ઘંટડીઓ અને ગૌમુખ સ્થાપિત કરાયા છે.
- મંદિરમાં નૈનો સ્ટાઇલ્સનો ઉપયોગ કરાયો છે, જે ગરમીમાં પણ શ્રદ્ધાળુઓને આરામનો અહેસાસ કરાવશે. મંદિરમાં ૧૮ લાખ ઇંટોની સાથે સાથે સંગમરમરનો પણ ઉપયોગ કરાયો છે.