મોદી 3 : ચીન, પાક. અને UNSCમાં કાયમી સભ્યપદ, મુખ્ય મુદ્દાઓ છે : ડો. એસ. જયશંકર
- વિશ્વબંધુ ભારત શાંતિ, પ્રગતિ અને સૌની સમૃદ્ધિ ઇચ્છે છે
- ગ્લોબલ સાઉથના પ્રવકતા તરીકે ભારત 'દક્ષિણ'માં બહુમાનિત છે : આફ્રિકન યુનિયનને જી-20માં સામેલ કરાતાં ભારતનો પ્રભાવ ઘણો વધ્યો છે
નવી દિલ્હી : રાષ્ટ્રના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર શપથ વિધિ સમારોહ પછી સોમવારે પોતાનો કાર્યભાર સંભાળવા પોતાના કાર્યાલયે પહોંચ્યા ત્યારે તેઓના કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ પ્રકારનું સ્વાગત સામાન્યત: પરંપરાગત જ હોય છે. પરંતુ દુનિયા આખી આ મેઘાવી વિદેશમંત્રીની પ્રતિભાને જાણે છે. તે રીતે કાર્યાલયના અધિકારીઓ પણ તેઓને જાણે છે તેથી સ્વાગતનો ઉમળકો જ જુદો હતો.
તેઓએ પોતાનો કાર્યભાર સંભાળ્યો તે પછી પત્રકારોએ મોદી-૩ સરકારનાં મુખ્ય ધ્યેયો વિષે પૂછતાં તેઓએ કહ્યું કે અત્યારે ભારત સમક્ષ મુખ્ય ત્રણ મુદ્દાઓ છે : (૧) ચીન (૨) પાકિસ્તાન અને (૩) સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં કાયમી સ્થાન અને તેમાં કોઇ શંકા નથી કે મોદી સરકાર આ ત્રણે બાબતો હલ કરી જ શકશે. આપણે જાણીએ જ છીએ કે ભારતનો પ્રભાવ વધી જ રહ્યો છે. માત્ર આપણે જ નહીં સમગ્ર દુનિયા તે જાણે છે.
વૈશ્વિક દક્ષિણ તો સમજે જ છે કે ભારત-ગ્લોબલ સાઉથનું પ્રવકતા છે. જી-૨૦ની પરિષદ સમયે આફ્રિકન યુનિયનને પણ તેમાં સ્થાન આપ્યા પછી વૈશ્વિક દક્ષિણમાં ભારત બહુમાનિત બન્યું છે. અને આપણી ઉપર જે જવાબદારી આવી છે, તે આપણે સારી રીતે નિભાવીશું તેની દુનિયાને ખાતરી થઇ ગઇ છે. આ સાથે તેઓએ કહ્યું : કોઇ પણ દેશમાં વિશેષત: લોકશાહી દેશમાં કોઇ પણ પક્ષ માટે સતત ત્રીજી વાર ચૂંટાવું તે મહત્વની સિદ્ધિ છે. દુનિયાને લાગે જ છે કે ભારતમાં ઘણી રાજકીય સ્થિરતા છે.
ચીન અને પાકિસ્તાન અંગે તેઓએ કહ્યું કે, તે બંને અંગે પ્રશ્નો અલગ છે. ચીન સાથે સરહદી વિવાદ છે. જેનો ઉકેલ શોધવાનો છે. જયારે પાકિસ્તાન સાથે સરહદને પેલે પારથી આવતા ત્રાસવાદનો પ્રશ્ન છે અને તે વિવાદ તો વર્ષો જૂનો છે. તેનો ઉકેલ શોધવાનો છે.
તેઓએ વધુમાં કહ્યું કે વિશ્વબંધુ તરીકે ભારતનું માન વધ્યું છે. આ અશાંત, વિભાજિત અને સંઘર્ષ ભરેલા વિશ્વમાં તણાવો ભરેલા વિશ્વમાં અનકે દેશો આપણામાં વિશ્વાસ રાખે છે કે તેઓના હિતોને ભારત હંમેશા આગળ કરશે.
શપથ વિધિ પછી નરેન્દ્ર મોદી વિશ્વના અનેક નેતાઓને મળ્યા હતા. તે પૈકી ગ્લોબલ સાઉથના નેતાઓને વિશ્વાસ બેસી ગયો કે તેઓ આંતરરાષ્ટ્રીય મંચ ઉપર તેઓની રજૂઆત કરશે જ. તેમાં પણ નેબરહૂડ-ફર્સ્ટ ની નીતિ સાથે, નરેન્દ્ર મોદી, વિશ્વમાં શાંતિ, પ્રગતિ અને સૌની સમૃદ્ધિ ઇચ્છે છે. તેની દુનિયાના દેશોને વિશેષત: ગ્લોબલ સાઉથ દેશોને ખાતરી થઈ ગઈ છે.