પાકિસ્તાનમાં મતદાન વચ્ચે મોબાઈલ સર્વિસ સસ્પેન્ડ, ઈન્ટરનેટ બંધ, ઈમરાન ખાને જેલમાંથી કર્યું મતદાન
- ચૂંટણીના દિવસે આવા પ્રતિબંધોના કારણે ઈમરાન ખાન સહિત વિપક્ષી પાર્ટીઓ રોષ ઠાલવી રહ્યા છે
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 08 ફેબ્રુઆરી 2024, ગુરૂવાર
આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં નવી સરકાર માટે મતદાન ચાલી રહ્યું છે. પાડોશી દેશમાં સામાન્ય ચૂંટણી માટે ચાલી રહેલા મતદાન વચ્ચે સમગ્ર દેશમાં મોબાઈલ સર્વિસ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. ઘણા વિસ્તારોમાં મોબાઈલ ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ચૂંટણીના દિવસે આવા પ્રતિબંધોના કારણે ઈમરાન ખાન સહિત વિપક્ષી પાર્ટીઓ રોષ ઠાલવી રહ્યા છે. વિપક્ષે તેને ડિજિટલ સેન્સરશિપ ગણાવી છે.
અમારી સરકાર ઈન્ટરનેટ પર નિર્ભર નથી
એક અહેવાલ પ્રમાણે ડિજિટલ સેન્સરશિપના મુદ્દે પાકિસ્તાનના મુખ્ય ચૂંટણી કમિશનર સિકંદર સુલ્તાન રાજાએ કહ્યું કે, આશા છે કે, ચૂંટણી પ્રક્રિયા સ્વતંત્ર અને નિષ્પક્ષ થશે. તેમણે ભાર મૂકતા કહ્યું કે, ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓને બંધ કરવું અથવા પરવાનગી આપવી એ ચૂંટણી આયોગના અધિકાર ક્ષેત્રની બહાર છે. તેમણે કહ્યુ કે, અમારી સરકાર ઈન્ટરનેટ પર નિર્ભર નથી. તેનાથી અમારી તૈયારીઓ પર કોઈ અસર નહીં પડશે.
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, ચૂંટણી પંચે ગૃહ મંત્રાલયને ઈન્ટરનેટ સર્વિસના સબંધે કોઈ આદેશ નથી આપ્યો. આ નિર્ણય કાયદો અને વ્યવસ્થા સંભાળતી એજન્સીઓ દ્વારા લેવામાં આવ્યો છે. જો કે, તેમણે આ નિર્ણયને ટેકો આપતા કહ્યું કે જો ચૂંટણી પંચ ઈન્ટરનેટ અને મોબાઈલ સેવા શરૂ કરવાનું કહે અને કોઈ ઘટના બને તો તેના માટે કોણ જવાબદાર રહેશે?
મોબાઈલ સર્વિસ બંધ કરવી એ નાગરિકોના અધિકારોનું દમન
આ વચ્ચે ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)એ દેશભરમાં મોબાઈલ સર્વિસ સસ્પેન્ડ કરવાને વિશ્વાસઘાત ગણાવ્યો છે. એક દિવસ પહેલા જ આવેલા સરકારના નિવેદનનો હવાલો આપતા કહ્યું કે અચાનક મોબાઈલ સર્વિસ બંધ કરવી એ નાગરિકોના અધિકારોનું દમન છે.
આ નેતાઓએ મેઈલ કર્યો વોટ
જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને અદિયાલા જેલમાંથી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું છે. તેમના સિવાય પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચૌધરી પરવેઝ ઈલાહી, અવામી મુસ્લિમ લીગના વડા શેખ રાશિદ અને પૂર્વ સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ મેઈલ દ્વારા મતદાન કર્યું છે. જો કે, ઈમરાન ખાનની પત્ની બુશરા બીબી મતદાનમાં ભાગ નહોતી લઈ શકીકારણ કે પોસ્ટલ વોટિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને દોષિત ઠેરવવીને ધરપકડ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે પાકિસ્તાનના ઈસ્લામાબાદની NA48 બેઠક પર મતદારોને બિરયાની વહેંચવામાં આવી રહી છે.