દે લાત, દે મુક્કા... વિધાનસભા બની અખાડો, પાકિસ્તાનમાં ધારાસભ્યો ભાન ભૂલ્યાં, જુઓ VIDEO
Fight between MLAs in Pakistan Assembly : પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનખ્વા વિધાનસભામાં ધારાસભ્યો અને સમર્થકો વચ્ચે જોરદાર મારામારી થઇ છે. હાલમાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં ધારાસભ્યો વચ્ચે જોરદાર લાતો અને મુક્કાબાજી ચાલી રહી છે. પીટીઆઈના એક ધારાસભ્યએ કેબિનેટ મંત્રી પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યો હતો. જેથી મંત્રીના સમર્થકોને આ વાત ગુસ્સો આવી ગયો હતો. ત્યાર બાદ સદનમાં હંગામો મચી ગયો હતો. બંને પક્ષના ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ જોરદાર મારપીટ થઈ હતી. જાણે કોઈ અખાડો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
લાત અને મુક્કાબાજી કરીને કપડાં પણ ફાટી નાખ્યા
ગુલામ અબ્બાસ શાહે ધારાસભ્યો વચ્ચેની લડાઈનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો છે. તેમણે પોસ્ટની કેપ્શનમાં લખ્યું હતું કે, 'પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા એસેમ્બલીમાં સરકાર અને વિપક્ષના સભ્યો વચ્ચે અથડામણ થઈ હતી. નવાઈની વાત એ છે કે, પાકિસ્તાનના આ ધારાસભ્યો ભાન જ ભૂલી ગયા હતા અને સદનમાં બંને પક્ષો વચ્ચે લાત અને મુક્કાબાજી કરીને કપડાં પણ ફાટી નાખ્યા હતા.'
In the Pakistan's Khyber Pakhtunkhwa Assembly, clashes broke out between government and opposition members, with both sides resorting to kicks and punches, resulting in torn clothes. pic.twitter.com/NnYSlRe6kq
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) October 8, 2024
ઉલ્લેખનીય છે કે, ગત મંગળવારે ખૈબર પખ્તુનખ્વા વિધાનસભામાં વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. સત્ર દરમિયાન રાહત બાબતોના વિશેષ સહાયક નેક મોહમ્મદ દાવરના સમર્થકોએ દક્ષિણ વઝીરિસ્તાનના પીટીઆઈ ધારાસભ્ય ઈકબાલ વઝીર વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. તેના બે દિવસ પહેલા જ મોહમ્મદ દાવર અને ઈકબાલ વજીર વચ્ચે ભ્રષ્ટાચારના આરોપોને લઈને થોડી ચર્ચા થઈ હતી. એ પછી બંનેના સમર્થકો અંદરો- અંદર એકબીજા સાથે જોરદાર રીતે બાખડ્યા હતા.
વિધાનસભા અધ્યક્ષ ગૃહમાંથી બહાર નીકળ્યા બાદ બની આ ઘટના
વિધાનસભામાં હાજર સુરક્ષા દળોએ બંને પક્ષોને શાંત કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓ કોઈની વાત સાંભળવા તૈયાર નહોતા. આ હોબાળો લાંબા સમય સુધી ચાલતો રહ્યો. આખરે તેમને શાંત કર્યા હતા. વિધાનસભા અધ્યક્ષ ગૃહમાંથી બહાર નીકળ્યા કે તરત જ ઉગ્ર બોલાચાલી બાદ મારામારીની આ ઘટના બની હતી.