ગ્રીસના વડાપ્રધાનને મળવા જતા ઝેલેન્સ્કીને રશિયાની મિસાઈલે બનાવ્યાં નિશાન, માંડ-માંડ બચ્યાં
રશિયા-યુક્રેન ચાલી રહેલા ભીષણ યુદ્ધને ગયા મહિને જ બે વર્ષ પૂરા થયા હતા
ઘણા પ્રયત્નો છતાં બંને દેશો વચ્ચે હજુ સુધી શાંતિ સ્થાપિત થઈ શકી નથી
Image : IANS |
Russia Ukraine War : રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષ કરતા પણ વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં અનેક લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ગ્રીસના વડાપ્રધાનને મળવા જતા હતા તે દરમિયાન તેના કાફલાની ખૂબ નજીક રશિયાની મિસાઈલે હુમલો કર્યો હતો, જેમાં ઝેલેન્સ્કી માંડ-માંડ બચ્યાં હતા.
ગયા મહિને જ રશિયા-યુક્રેન યુદ્ધના બે વર્ષ પૂરા થયા
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, યુક્રેનના રાષ્ટ્રપતિ અને ગ્રીસના વડાપ્રધાન ઓડેસામાં મળવાના હતા. પરંતુ જ્યારે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો કાફલો ગ્રીક એમ્બેસી પહોંચ્યો ત્યારે લગભગ 100 મીટરના અંતરે મિસાઈલ હુમલો થયો હતો. નોંધનીય છે કે રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને ગયા મહિને જ બે વર્ષ પૂરા થયા હતા. ઘણા પ્રયત્નો છતાં બંને દેશો વચ્ચે હજુ સુધી શાંતિ સ્થાપિત થઈ શકી નથી. થોડા-થોડા દિવસે સતત ડ્રોન હુમલા અને મિસાઈલ હુમલાના અહેવાલો આવતા રહે છે.
રશિયા-યુક્રેન યુદ્ધ વિશે યુરોપ શું વિચારે છે
આ યુદ્ધને લઈને યુરોપિયન કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સના સરવેમાં ખૂબ જ રસપ્રદ વાત કહેવામાં આવી છે, જેમાં યુરોપના મોટાભાગના લોકો રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનને સમર્થન આપે છે. જો કે, 10માંથી માત્ર એક જ માને છે કે યુદ્ધમાં યુક્રેન જીતી શકે છે, જ્યારે મોટાભાગના લોકો માને છે કે આ યુદ્ધ માત્ર કરાર દ્વારા જ સમાપ્ત થઈ શકે છે. બીજી તરફ કેટલાક લોકો એવા પણ છે જે યુક્રેન અને રશિયા વચ્ચે મંત્રણાને બદલે જવાબી કાર્યવાહીનું સમર્થન કરે છે.