100માંથી 25 કિશોરીઓ પોતાના જ પાર્ટનરની હિંસાનો શિકાર બને છે: WHOના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા
Image:Freepik
Violence on Teenage girls from their partners :WHOના સર્વેમાં ઘરેલુ હિંસા અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. આ સર્વેના પરિણામો અનુસાર, વિશ્વમાં 25% ટીનેજ એટલેકે કિશોર વયની છોકરીઓને તેમના પોતાના પાર્ટનર દ્વારા જ ત્રાસ આપવામાં આવે છે. ઘરેલુ હિંસાનો ભોગ માત્ર મહિલાઓ જ નથી બનતી. 20 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ પર થતી હિંસા અંગે આ રિપોર્ટ WHOએ બહાર પાડ્યો છે.
રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, 100માંથી 25 છોકરીઓ પોતાના જ પાર્ટનરની હિંસાનો શિકાર બને છે. કિશોરીઓને તેમના પાર્ટનર્સ દ્વારા હેરાન કરવામાં આવે છે. લેન્સેટ મેડિકલ જર્નલમાં પ્રકાશિત WHOનો આ રિપોર્ટ 154 દેશોની 15થી 19 વર્ષની વયની હજારો-લાખો કિશોરીઓના સર્વે પર આધારિત છે.
મંગળવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, જે છોકરીઓ રિલેશનશિપમાં રહી છે તેમાંથી લગભગ 33%ને શારીરિક અથવા જાતીય હિંસાનો સામનો કરવો પડ્યો છે. 24% કિશોરીઓ ઓછામાં ઓછા એક વખત પોતાના પાર્ટનર દ્વારા હિંસાનો ભોગ બની છે. ચોંકાવનારી વાત એ છે કે ગત વર્ષે આ આંકડો 16% જ હતો.
આ રિપોર્ટના લેખક ડૉ. લિનમેરી સરડિન્હાએ કહ્યું કે, આ સર્વે એટલા માટે કરવામાં આવ્યો કે છોકરીઓ સતત હિંસાનો શિકાર બની રહી છે અને આ આંકડાઓ વધી રહ્યા છે. સરકાર સહિત અનેક સંસ્થાઓને આ અંગે સજાગ કરવા અને સ્થિતિનો તાગ મેળવવા કરાયો છે. મહત્વની એક વાત એ પણ છે કે છોકરીઓ અને મહિલાઓની શિક્ષિત હતી તેવા રાજ્યો-દેશોમાં હિંસામાં થોડો ઘટાડો થયો છે. ઓશિનિયા પ્રદેશમાં હિંસાનો દર સૌથી વધુ હતો. આફ્રિકા અને પાપુઆ ન્યુ ગિનીમાં 49% છોકરીઓને તેમના પાર્ટનર્સે માર માર્યો હતો. સૌથી ઓછો દર યુરોપમાં હતો જ્યાં 10% લોકોએ આવી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો.