સાઉદી અરબમાં ગરમીથી લાખો હજયાત્રીઓ પરેશાન, લૂ થી જોર્ડનના ૧૯ યાત્રીના મોત
૧૮ લાખ કરતા પણ વધુ લોકો હજ માટે સાઉદી અરબ પહોંચ્યા
હીટ સ્ટ્રેસ અને સન સ્ટ્રોકના ૨૭૬૦ કેસ ધ્યાનમાં આવ્યા હતા.
રિયાધ,૧૭ જૂન,૨૦૨૪,સોમવાર
ભીષણ ગરમીના કહેરથી ભારત જ નહી દુનિયાના અનેક દેશો પરેશાન છે. હજયાત્રા પર સાઉદી અરબ ગયેલા ૧૯ લોકોના લૂ લાગવાથી મોત થયા છે જયારે ૧૭ લાપતા થયા છે. લૂ થી મરનારા તમામ જોર્ડનના નાગરિકો હોવાનું બહાર આવ્યું છે. જોર્ડનના વિદેશમંત્રાલયના જણાવ્યા અનુસાર મૃતકોને દફનાવવા અથવા તો જોર્ડન પાછા લાવવા માટે સઉદી અધિકારીઓના સંપર્ક કરી રહયા છીએ. આ ઉપરાંત ઇરાની રેડ ક્રિસેંટને પણ પાંચ ઇરાની યાત્રીઓના મોત થયાની પુષ્ટી કરી છે.
મક્કામાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર કરી ગયું છે જે વધીને ૪૫ થી ૪૭ સુધી પહોંચે તેવી શકયતા છે. સઉદી અરબમાં ભીષણ ગરમીનો અનુભવ થઇ રહયો છે પરંતુ ગરમીથી મોત થવા અંગે સાઉદીના અધિકારીઓ દ્વારા કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તપતી ગરમીની વચ્ચે વિશ્વ ભરમાંથી ૧૮ લાખ કરતા પણ વધુ લોકો હજ માટે મક્કા પહોંચ્યા છે. હજયાત્રીઓનો પ્રવાહ જોતા આ વર્ષે ૨૦ લાખથી વધુ લોકો ભાગ લે તેવી શકયતા છે.
કોરોના મહામારી પછી હજયાત્રીઓની સંખ્યામાં જે ઘટાડો થયો હતો તેના સ્થાને આ વર્ષે હાઇએસ્ટ સંખ્યામાં યાત્રાળુઓ જોવા મળે છે. જો કે ૨૦૧૯માં ૨૪ લાખ લોકોએ હજયાત્રા કરી હતી. સઉદી અરબના આરોગ્ય મંત્રાલયના પ્રવકતા મોહમ્મદ અલ અબ્દુલાલીના જણાવ્યા અનુસાર રવીવારે હીટ સ્ટ્રેસ અને સન સ્ટ્રોકના ૨૭૬૦ કેસ ધ્યાનમાં આવ્યા હતા. ગરમીનું ઉંચું પ્રમાણ જોતા હજુ વધુ લોકો ભોગ બની શકે છે. હજયાત્રાળુઓને ગરમીથી બચવાની અને સતત પાણી પીતા રહેવાની સલાહ આપવામાં આવી છે.