ઈરાન-ઈઝરાયલની તંગદિલી વચ્ચે ઈરાકના બે સૈન્ય ઠેકાણે 'રહસ્યમય' હવાઈ હુમલા, મધ્ય-પૂર્વમાં ટેન્શન
Israel vs iran news | ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તંગદિલી અને સામ-સામે સીધા હુમલા બાદ હવે વધુ એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યાં છે. તાજેતરની માહિતી અનુસાર હવે ઈરાકના બે સૈન્ય ઠેકાણાઓ પર જબરદસ્ત હવાઈ હુમલા કરવામાં આવ્યા છે.
ક્યાં થયો હુમલો?
આ હુમલો બગદાદના દક્ષિણમાં બાબિલ પ્રાંતમાં અડધી રાતે એક અજાણ્યા વિમાન કે ડ્રોન દ્વારા કરાયા હતા જેમાં બે ઈરાકી સૈન્ય ઠેકાણે બોમ્બમારો કરાયો હતો. માહિતી અનુસાર આ હુમલા ઈરાકના પોપ્યુલર મોબિલાઈઝેશન ફોર્સિઝ તરફથી ઉપયોગમાં લેવાતા સૈન્ય મથકે કરાયા હતા. હુમલામાં એકનું મોત તથા 8 લોકો ઘાયલ થયાની માહિતી છે.
વિસ્ફોટક અને દારૂગોળાનો ગોડાઉન નષ્ટ
સૂત્રોએ જણાવ્યું કે ઈરાકમાં અર્ધસૈનિક દળ હશદ અલ સહાબીને નિશાન બનાવી બાબિલ પ્રાંતમાં આ હુમલા કરાયા હતા. હુમલામાં બે સૈન્ય ઠેકાણાને નિશાન બનાવી હુમલા કરાયા જેમાં દારૂગોળા તથા વિસ્ફોટકના ગોડાઉન નષ્ટ થઇ ગયા હતા. જ્યારે બીજો હુમલો ટેન્કના હેડક્વાર્ટર પર કરાયો હતો.
અમેરિકા અને ઈઝરાયલે હુમલા કર્યાનો ઈનકાર કર્યો
ઈરાક પર હુમલા અંગે અમેરિકા અને ઈઝરાયલે ઈનકાર કરી દીધો છે. બંને દેશોએ કહ્યું કે અમારો આ હુમલામાં કોઈ હાથ નથી. અગાઉ અમેરિકાએ એન અલ અસદ એરપોર્ટ પર એક હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. અહીં અમેરિકા અને અન્ય દેશોના સૈન્યદળોની હાજરી છે. જોકે પોપ્યુલર મોબિલાઈઝેશન ફોર્સિઝને ઈરાન દ્વારા સમર્થન અપાય છે. જેમાં એક લાખથી વધુ લડાકૂઓ સામેલ છે. સીરિયા પર આ સંગઠને અનેકવાર હુમલા કર્યા છે અને અમેરિકા તથા ઈઝરાયલને પણ અનેકવાર ધમકી આપી ચૂક્યું છે.