સીરિયા પર ઈઝરાયલના તાબડતોબ હુમલા: ત્રણ એરબેઝ તબાહ, બફર ઝોનમાં ઘૂસી વિમાન-હેલિકોપ્ટરમાં કર્યું નુકસાન
Syria Civil War: રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડીને પલાયન કરતાં જ ઈઝરાયલે સીરિયા પર હુમલા કરવાનું શરૂ કરી દીધા છે. મીડિયા સૂત્રો મુજબ ઈઝરાયલે હવાઈ હુમલામાં સીરિયન આર્મીના ત્રણ મોટા એરબેઝને નિશાન બનાવ્યા છે. બોમ્બ ધડાકામાં ડઝનબંધ હેલિકોપ્ટર અને જેટ વિમાનોને નુકસાન પહોંચ્યું છે.
ઉત્તર-પૂર્વ સીરિયામાં કમિશ્લી એરપોર્ટ, હોમ્સના ગ્રામીણ વિસ્તારોમાં શિનશર એરપોર્ટ અને રાજધાની દમિષ્કના દક્ષિણ-પશ્ચિમમાં અકરબા એરબેઝને નિશાન બનાવ્યા છે. આ સિવાય રાજધાની દમિષ્કની બહાર સ્થિત એક રિસર્ચ સેન્ટર અને સઈદા ઝૈનબ વિસ્તારમાં એક ઈલેક્ટ્રોનિક યુદ્ધ કેન્દ્ર પર પણ હુમલો કર્યો હતો.
તમામ વ્યૂહાત્મક શસ્ત્રો નષ્ટ કરશે
ઇઝરાયલના અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે ઇઝરાયલ સીરિયાના અદ્યતન શસ્ત્રોના ભંડાર પર હવાઈ હુમલા વધારશે અને બશર અલ-અસદની સત્તા ઉથલાવી નાખ્યા પછી ઉદ્ભવતા કોઈપણ જોખમને રોકવા માટે જમીન પર મર્યાદિત લશ્કરી હાજરી જાળવી રાખશે.
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેમના કાર્યાલયમાં મોડી રાત્રે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે સીરિયામાં નવી સ્થિતિને પગલે અમે અમારી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લઈશું.
આ પણ વાંચોઃ ટ્રમ્પ સરકારમાં વધુ એક મૂળ ભારતીયની એન્ટ્રી, હરમીત ઢિલ્લોંને સોંપાઈ મોટી જવાબદારી
મિસાઈલો તોડી પાડશે
ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે કહ્યું કે સૈન્ય સમગ્ર સીરિયામાં ભારે વ્યૂહાત્મક હથિયારોનો નાશ કરશે. સરફેસ ટુ એર મિસાઈલ, એર ડિફેન્સ સિસ્ટમ, સરફેસ ટુ સરફેસ મિસાઈલ, ક્રુઝ મિસાઈલ, લોન્ગ રેન્જ રોકેટ અને કોસ્ટલ મિસાઈલોનો પણ નાશ કરવામાં આવશે.
અમે અમારા નાગરિકોની સુરક્ષા મુદ્દે ચિંતિંત
ઈઝરાયલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આગામી દિવસોમાં હવાઈ હુમલા ચાલુ રહેશે. ઈઝરાયલના વિદેશ મંત્રી ગિદોન સારએ જણાવ્યું હતું કે, ઈઝરાયલને સીરિયાની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવામાં કોઈ રસ નથી અને તે માત્ર તેના નાગરિકોની સુરક્ષા સાથે ચિંતિત છે. અમે વ્યૂહાત્મક શસ્ત્ર પ્રણાલી અને બાકીના કેમિકલ વેપન અને લાંબા અંતરની મિસાઇલો અને રોકેટોને નષ્ટ કરી રહ્યા છીએ. આ પગલું લેવા પાછળનું કારણ ખતરનાક હથિયારો બળવાખોરોના હાથમાં ન આવે તે સુનિશ્ચિત કરવાનું છે. ઇઝરાયલની સેનાએ ગોલાન હાઇટ્સ પર સીરિયાની સરહદ પર લેન્ડ માઇન હટાવી દીધી છે અને સીરિયાના બફર ઝોનમાં ઘૂસી છે.