નેતન્યાહૂના ઘરે હુમલાથી ભડક્યું ઈઝરાયલ, હિઝબુલ્લાહ-હમાસ પર વર્તાવ્યો કહેર, 100થી વધુનાં મોત
Israel vs Hezbollah War Updates | મધ્યપૂર્વમાં ઈઝરાયલ અને ઘણાં દેશો વચ્ચે હાલમાં યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે હિઝબુલ્લાહ અને હમાસ એક સાથે ઇઝરાયલનો સામનો કરી રહ્યા છે. જ્યારે બીજી બાજુ ઈઝરાયલ અમેરિકાની મદદથી આ લોકોનો સામનો કરી રહ્યું છે. શનિવારે હિઝબુલ્લાહે વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુના પર્સનલ મકાનને જ નિશાને લેતા મોટો હુમલો કર્યો હતો. આ હુમલો ડ્રોન હુમલો હતો. જેનાથી આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો હતો.
ગાઝામાં 100થી વધુનાં મોત
જોકે સદભાગ્યે નેતન્યાહૂ આ હુમલામાં બચી ગયા હતા. હવે ઇઝરાયલના સૈન્યએ હિઝબુલ્લાહ સામે જવાબી કાર્યવાહી કરી અને બેરૂતમાં હિઝબુલ્લાહના હથિયારોના ઠેકાણાઓને નિશાન બનાવ્યાનો દાવો કરતાં બેફામ બોમ્બમારો કર્યો હતો. જ્યારે બીજી બાજુ ગાઝામાં પણ ભયાનક બોમ્બમારા અને હવાઈ હુમલામાં100થી વધુ લોકો માર્યા ગયાના અહેવાલ છે.
ઈઝરાયલ ઈરાનથી બદલો લેવાની તૈયારીમાં!
જ્યારે નેતન્યાહૂના ઘર પર હુમલો થયો ત્યારે તેઓ ઘરે હાજર ન હતા. ઈઝરાયેલે કહ્યું કે ઈરાન સમર્થિત હિઝબુલ્લાહે નેતન્યાહૂના ઘર પર હુમલો કરીને મોટી ભૂલ કરી છે. અહેવાલ એવા પણ છે કે ઇઝરાયલ આ મહિનાની શરૂઆતમાં ઇરાની મિસાઇલ હુમલાનો બદલો લેવાની તૈયારીમાં છે.
હમાસ હવે ગાઝા પર શાસન નહીં કરે
ઈઝરાયલે ગાઝામાં હમાસ વિરુદ્ધ પણ હુમલા તેજ કર્યા હતા. હમાસના મીડિયાએ જણાવ્યું હતું કે ગાઝાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઇઝરાયલના બોમ્બમારામાં 100 થી વધુ લોકો માર્યા ગયા છે અને ત્રણ હોસ્પિટલોની આસપાસ ઘેરાબંધી કરવામાં આવી છે. શનિવારે ઇઝરાયલના વિમાનોએ દક્ષિણ ગાઝા પર સિનવારના ફોટા અને સંદેશ સાથે પત્રિકાઓ ફેંકી હતી કે હમાસ ગાઝા પર હવે શાસન નહીં કરે. હમાસના મીડિયાએ જણાવ્યું હતું કે શનિવારે ઉત્તર ગાઝા શહેરના બેત લાહિયામાં એક બહુમાળી ઈમારત પર ઈઝરાયલના હુમલામાં ઓછામાં ઓછા 73 લોકો માર્યા ગયા અને ડઝનેક લોકો ઘાયલ થયા.