Israel-Hamas war | ઈઝરાયલનો ગાઝામાં બોમ્બમારો યથાવત્, ખાન યુનિસમાં હુમલામાં 22ના મોત
યુદ્ધમાં ગાઝામાં અત્યાર સુધીમાં 22,722 લોકોએ જીવ ગુમાવ્યા
Israel-Hamas War : ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા ત્રણ મહિના કરતા પણ વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે જે ફરી એકવાર ઉગ્ર બની રહ્યું છે. આ વચ્ચે લેબનોન સરહદ (Lebanon border) પર ઈઝરાયેલી દળો અને હિઝબુલ્લાહ વચ્ચેની જંગ તેજ થઈ ગઈ છે ત્યારે ગાઝાના ખાન યુનિસમાં ઈઝરાયલ દ્વારા બોમ્બમારામાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ખાન યુનિસમાં ઈઝરાયલ દ્વારા ભયાનક બોમ્બમારામાં લગભગ 22 લોકોના મોત
ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલી સેના અને હિઝબુલ્લાહ વચ્ચેની ( israel-hezbollah) લડાઈ વધુ ઉગ્ર બની ગઈ છે અને ગઈકાલે હિઝબુલ્લાહ દ્વારા લેબનોનથી ઇઝરાયેલના વિસ્તારમાં 40 રોકેટ છોડ્યા હતા. હાલના સમયે દક્ષિણ ગાઝાના ખાન યુનિસ શહેરમાં ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે અને અહીં અલ-અમાલ હોસ્પિટલ નજીક ઇઝરાયેલી સેના સતત હુમલા કરી રહી છે ત્યારે ગાઝામાં ખાન યુનિસમાં ઈઝરાયલ દ્વારા ભયાનક બોમ્બમારામાં લગભગ 22 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સરહદ પર પણ બંને તરફથી ફાયરિંગ થઈ રહી હોવાના અહેવાલ છે. ઇઝરાયલે જણાવ્યું હતું કે હિઝબુલ્લાએ 40 રોકેટ વડે હુમલો કર્યો હતો, જો કે કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી. આ હુમલાના જવાબમાં ઇઝરાયેલના વિમાનોએ લેબનોનમાં હિઝબુલ્લાહના સ્થાનો પર બોમ્બમારો કર્યો હતો જેમાં હિઝબુલ્લાહના પાંચ લડવૈયા માર્યા ગયા હતા.
ગાઝામાં અત્યાર સુધીમાં 22 હજારથી વધુના મોત થયા
ઉલ્લેખનીય છે કે ગાઝામાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરના યુદ્ધ શરુ થયું હતું જે બંધ થવાનું નામ નથી રહ્યું. આ યુદ્ધમાં ગાઝામાં અત્યાર સુધીમાં 22,722 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 58,166 લોકો ઘાયલ થયા છે. છેલ્લા 24 કલાકમાં ગાઝામાં ઈઝરાયેલના હુમલામાં 122 લોકોના મોત થયા છે. પશ્ચિમ કાંઠે ઇઝરાયલી દળોએ કરેલા ફાયરિંગમાં એક 17 વર્ષીય યુવકનું મોત થયું છે અને ચાર લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ગાઝામાં અનેક લોકો ઘર છોડવા મજબૂર બન્યા છે.