ઈઝરાયલ-હમાસના યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ બાયડેન ઈઝરાયલ પહોંચ્યા, નેતન્યાહૂએ કર્યું સ્વાગત
એરપોર્ટ પર જ ઈઝરાયલના મોટાભાગના અધિકારીઓ સાથે કરી મુલાકાત
હવે નેતન્યાહૂ સાથે કરશે બેઠક અને યુદ્ધની સ્થિતિને નિવારવાનો કરશે પ્રયાસ
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન તેલ અવીવ પહોંચી ગયા છે. આ દરમિયાન એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે પીએમ નેતન્યાહૂ ખુદ હાજર રહ્યા હતા. જ્યારે બાયડેને ઈઝરાયલના અનેક અધિકારીઓ સાથે એરપોર્ટ પર જ મુલાકાત કરી હતી.
કોની કોની સાથે કરી મુલાકાત?
ઈઝરાયલ પહોંચેલા બાયડેને ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ સહિત રાષ્ટ્રપતિ ઈસાક હર્ઝોગ અને બેન ગુરિયન સાથે મુલાકાત કરી હતી. આ તમામ લોકો તેમને આવકારવા એરપોર્ટ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લાં 12 દિવસોથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે.
બાયડેને શું કહ્યું?
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરીને બાયડેને કહ્યું કે અમે ઈઝરાયલની સાથે છીએ. હું અહીં આવીને અમારું સમર્થન વ્યક્ત કરવા માગતો હતો. તેમણે કહ્યું કે હમાસે ઈઝરાયલીઓની હત્યા કરી. બાયડેને કહ્યું અમે સંપૂર્ણપણે ઈઝરાયલની પડખે છીએ. દરમિયાન નેતન્યાહૂએ અમેરિકી રાષ્ટ્રપતિ સમક્ષ જ કહ્યું કે અમે હમાસનો અંત લાવીને જ ઝંપીશું. જોકે તેમણે કહ્યું કે હમાસ પેલેસ્ટાઈનનું પ્રતિનિધિત્વ નથી કરતું. તેમણે કહ્યું કે અમેરિકાએ જે કહ્યું હતું પૂરું કર્યું. આ અમેરિકા માટે પણ મુશ્કેલી ઘડી છે.