Israel-Hamas war | ઈઝરાયલનો અંધાધૂંધ બોમ્બમારો યથાવત્, ગાઝામાં મૃત્યુઆંક 21500ને વટાવી ગયો
56 હજારથી વધુ ઘાયલો સારવાર માટે વલખાં મારવા મજબૂર
ઈઝરાયલી સૈન્યએ માત્ર શુક્રવારે 187 લોકોના જીવ લીધા જેમાં અનેક બાળકો
Israel vs Hamas war | ગાઝામાં હવે મધ્યક્ષેત્રમાં ભીષણ લડાઈ ચાલી રહી છે. અહીં અલ બુરેજ, નુસીરત અને મેઘાજીમાં ઈઝરાયલી સૈન્ય અને હમાસના લડાકૂઓ વચ્ચે ભીષણ યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. ગાઝાના ઉત્તર અને દક્ષિણના વિસ્તાર બાદ ઈઝરાયલી સૈન્ય હવે મધ્ય ક્ષેત્રને નિયંત્રણમાં લેવા વ્યાકૂળ બની છે. તેણે કાર્યવાહી શરૂ કરતાં હવાઈ હુમલા વધારી દીધા છે. ગાઝામાં ઈઝરાયલના અંધાધૂંધ બોમ્બમારા સામે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેન ખુદ સવાલો ઊઠાવી ચૂક્યા છે છતાં તે રોકાવાનું નામ લઈ રહ્યું નથી.
શુક્રવારે જ 187 લોકોના મોત
મેઘાજીના શરણાર્થી કેમ્પ રાફાહમાં શરણાર્થીઓના વસવાટ બાદ ગુરુવારે રાતે ખાન યુનિસમાં અનેક મકાનોને નિશાન બનાવાયા હતા જેમાં ઘણાં પરિવારો સૂઇ રહ્યા હતા. જેના લીધે અનેક બાળકો અને મહિલા-પુરુષો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઈઝરાયલના ગોળીબાર અને બોમ્બમારામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. તે બધાને મિલાવીને શુક્રવારે કુલ 187 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ સાથે ગાઝામાં હવે મૃત્યુઆંક 21507ને વટાવી ગયો છે. જોકે ઘાયલોની સંખ્યા 56000ને વટાવી ગઈ છે.
સીરિયામાં એરપોર્ટ અને સૈન્ય ઠેકાણાને નિશાન બનાવાયા
ઈઝરાયલના લડાકૂ વિમાનોએ જ સીરિયાના દમાસ્કસ એરપોર્ટ તથા અન્ય સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી હુમલા કર્યા હતા. આ હુમલામાં બે સૈનિકો ઘાયલ થયાની માહિતી મળી રહી છે. બીજી બાજુ ગાઝામાં હમાસની ટનલોની શોધખોળ દરમીયાન ઈઝરાયલી સૈન્યને સાડા છ કરોડ ડિજિટલ ફાઈલો અને પાંચ લાખ કાગળના દસ્તાવેજો મળ્યા હતા. તેમાં હમાસની ટનલો, આર્થિક સંસાધનો, યોજનાઓ અને સંગઠન સંબંધિત તમામ પ્રકારની જાણકારીઓ સામે આવી છે.