સીરિયામાં સત્તાપલટ વચ્ચે ઈઝરાયલની મોટી ચાલ, ગોલાન હાઈટ્સમાં બફર ઝોન પર કબજો
પ્રતિકાત્મક તસવીર |
Syria Civil War And Israel : ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ આજે રવિવારે કહ્યું કે, સીરિયાઈ અશાંતિ બાદ ઈઝરાયલની સેનાએ ગોલાન હાઈટ્સમાં બફર ઝોન પર કબજો કરી લીધો છે. ઈઝરાયલી સુરક્ષા દળ (IDF)એ સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ કરીને કહ્યું કે, ગોલાન હાઇટ્સમાં સીરિયન સરહદે બફર ઝોનની અંદર નવા સ્થાનો પર સૈન્ય તૈનાત કરવામાં આવ્યું છે. 1974માં સૈનિકો પાછા ખેંચવાના કરાર પર હસ્તાક્ષર થયા બાદ આ પ્રકારે પહેલી વખતે તૈનાત કરાયા છે. સીરિયામાં તાજેતરની ઘટનાઓનું મૂલ્યાંકન કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. ગોલાન હાઇટ્સના રહેવાસીઓ અને ઇઝરાયલના નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે આ કરવામાં આવ્યું. પોસ્ટમાં કહ્યું છે કે, IDF સીરિયામાં થઈ રહેલી ઘટનાઓમાં કોઈપણ રીતે હસ્તક્ષેપ કરશે નહીં.
ઈઝરાયલી હુમલામાં પાંચ લોકોના મોત
મળતી માહિતી મુજબ, લેબેનોમાં સ્વાસ્થ્ય મંત્રાલયનું કહ્યું કે, શનિવારે બીટ લાઈફ ગામમાં ઈઝરાયલી હુમલામાં પાંચ લોકોના મોત નીપજ્યાં, જ્યારે ડેર સેરિયન પર ડ્રોન હુમલામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જેને લઈને ઈઝરાયલી સેનાએ અત્યારસુધીમાં કોઈ પ્રકારે ટિપ્પણી કરી નથી. યુદ્ધવિરામ છતાં તણાવ યથાવત છે. આ બધા વચ્ચે ઈઝરાયલ અને હિઝબુલ્લાહ એકબીજા પર તેના ઉલ્લંઘનનો આરોપ લગાવી રહ્યા છે.
ઈઝરાયલી સેનાએ ઉત્તરી ગાઝાના હોસ્પિટલ કર્યો ગોળીબાર
મીડિયા અહેવાલ પ્રમાણે, ફલસ્તીની સ્વાસ્થ્ય અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે, ઈઝરાયલી સેનાએ ઉત્તરી ગાઝાના બેત લાહિયામાં કમલ અદવાન હોસ્પિટલ પર ગોળીબાર કર્યો. જેના કારણે વીજલાઈન તેમજ ઓક્સિજન પંપને નુકસાન થયું હતું, જેના કારણે જરૂરી સર્જરીમાં અડચણ ઊભી થઈ હતી. જ્યારે હોસ્પિટલના નિદેશક હુસામ અબૂ સફિયાએ કહ્યું કે, હુમલામાં અનેક ચિકિત્સા કર્મચારીઓ અને દર્દીઓ ઈજાગ્રસ્ત થયા હતા. શનિવારની રાત્રે કમાલ અદવાન હોસ્પિટલની પાસે ઈઝરાયલના હવાઈ હુમલામાં એક ડોક્ટર પરિવારનું મોત થયું હતું. જેને લઈને અત્યારસુધીમાં ઈઝરાયલી સેના તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
બશર અલ-અસદ દેશ છોડીને ભાગી ગયા
સીરિયામાં સત્તા પરિવર્તનને કારણે, રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડીને ભાગી ગયા. જ્યારે વિદ્રોહી દળો રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. સીરિયામાં બળવા દરમિયાન દમાસ્કસ અને અન્ય શહેરોની સડકો પર દેખાવકારોની ભીડ જોવા મળી હતી. આ દરમિયાન સીરિયાના ચોથા સૌથી મોટા શહેર હામામાં પૂર્વ રાષ્ટ્રપતિ હાફિઝ અલ-અસદની પ્રતિમા તોડી પાડવામાં આવી હતી. પ્રતિમાના વિનાશ દરમિયાન ઉજવણી માટે ગોળીબાર કરવામાં આવ્યો હતો અને 'અલ્લાહુ અકબર'ના નારા લગાવવામાં આવ્યા હતા. આનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં જોવા મળ્યું હતું કે, કેવી રીતે એક વાહન મૂર્તિના કપાયેલા માથાને રસ્તા પર ખેંચી રહ્યું હતું અને લોકો તેને લાત મારવા માટે તેનો પીછો કરી રહ્યા હતા.