ઈઝરાયલે 6 પત્રકારોને આતંકી જાહેર કર્યા, હમાસ સંગઠનને મદદ કરવાનો લગાવ્યો ગંભીર આરોપ
Israel Hamas War: હાલ મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમા પર છે. હમાસ અને ઈઝરાયલ વચ્ચે શરૂ થયેલું યુદ્ધ હવે મધ્ય પૂર્વ ક્ષેત્રના ઘણા દેશો સુધી પહોંચી ગયું છે. ઈઝરાયલ ચારેયથી મોરચે ઘેરાયેલું છે. હાલ ઈઝરાયલ પર હમાસ, હિઝબુલ્લાહ, હુથી સંગઠન અને ઈરાન હુમલાઓ કરી રહ્યું છે. આ ઉપરાંત ઇઝરાયલ ગાઝા અને લેબેનોનમાં તેના હુમલા ચાલુ રાખે છે.
હવે ઈઝરાયલે છ આરબ પત્રકારોને આતંકવાદી જાહેર કર્યા છે. ઇઝરાયલ એવો દાવો કરે છે કે દસ્તાવેજો અને અન્ય ગુપ્તચર પુરાવાઓ દર્શાવે છે કે તે તમામ પેલેસ્ટિનિયન છે. તેમાંથી ચાર હમાસ સાથે સંકળાયેલા છે જ્યારે બે પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદ સાથે સંકળાયેલા છે.
ઈઝરાયલે 6 પત્રકારોને આતંકી જાહેર કર્યા
એક દિવસ પહેલા, ઇઝરાયલી સેનાએ ગાઝા વિસ્તારમાં યુદ્ધ કવર કરી રહેલા અલ જઝીરાના છ પત્રકારો પર પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથો માટે કામ કરવાનો આરોપ મૂક્યો હતો. ઈઝરાયલની સેનાનો આરોપ છે કે તેમને ભૂતકાળમાં કે વર્તમાનમાં આ કામ માટે ચૂકવણી કરવામાં આવી છે. ઈઝરાયલનો દાવો છે કે હમાસ સાથે જોડાયેલા દસ્તાવેજોની તપાસમાં પત્રકારો વિશે સત્ય બહાર આવ્યું છે.
આતંકવાદી સંગઠન હમાસ મદદ કરી રહ્યા હોવાનો દાવો
અલ જઝીરાએ ઈઝરાયલના આ દાવાઓને ફગાવી દેતા કહ્યું હતું કે ગાઝામાં થયેલા નરસંહારને છુપાવવા માટે ઈઝરાયલ પત્રકારોને ભગાડવાનું ષડયંત્ર રચી રહ્યું છે.
IDF પુરાવા તરીકે આતંકવાદી તાલીમ અભ્યાસક્રમોની યાદી, ફોન ડિરેક્ટરીઓ અને આતંકવાદીઓના પગાર દસ્તાવેજો રજૂ કરીને દાવો કરી રહ્યું છે કે આ છ પત્રકાર હમાસ અને ઈસ્લામિક જેહાદ સાથે સંકળાયેલા છે. તેઓ આતંકવાદી સંગઠન હમાસ પાસેથી પગાર લઈને તેમને મદદ કરી રહ્યા હતા.
અનસ અલ-શરીફ, હોસમ શબાત, ઈસ્માઈલ અબુ ઉમર અને તલાલ અરોકી પર હમાસ સાથે સંબંધ હોવાનો આરોપ છે. ઈઝરાયલે અનસ જમાલને નુસરત બટાલિયન સાથે સંકળાયેલો ગણાવ્યો છે. તેણે એવો પણ દાવો કર્યો છે કે અનસ જમાલ રોકેટ ટુકડીનો ચીફ હતો અને તે ઈઝરાયલી સેના પર હુમલામાં પણ સામેલ રહ્યો છે.
ગાઝામાં થયેલા નરસંહારને છુપાવવા માંગે છે ઇઝરાયલ
કતારના મીડિયા હાઉસે ઈઝરાયલના આ ગંભીર આરોપોને ખોટા ગણાવ્યા છે અને પોતાના પત્રકારોને નિર્દોષ જાહેર કર્યા છે. તેણે દાવો કર્યો હતો કે ઈઝરાયલ ગાઝામાં થયેલા આતંકને દુનિયાથી છુપાવવા માંગે છે. એટલા માટે ઇઝરાયલ પત્રકારોને ડરાવીને ગાઝા વિસ્તારમાંથી ભગાડવા માંગે છે.