Microsoft Outage : માઇક્રોસોફ્ટની ઑફિસ અને ક્લાઉડ સર્વિસમાં ફરી સર્જાઈ ખામી, લાખો યુઝર્સ હેરાન

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
Microsoft Outage And Server Down


Microsoft Outage : માઇક્રોસોફ્ટની ઑફિસ અને ક્લાઉડ સર્વિસમાં ફરી ખામી સર્જાઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ખામીના કારણે લાખો યુઝર્સ પરેશાન થયાની ફરિયાદો શરુ થઈ ગઈ છે. આ પહેલા 19 જુલાઈના રોજ માઇક્રોસોફ્ટના સર્વરમાં ખામી સર્જાઈ હતી. ત્યારબાદ માઇક્રોસોફ્ટ વિન્ડોઝની સર્વિસ ઠપ થઈ ગયાના કલાકો પછી દુનિયાભરમાં સ્થિતિ હવે થાળે પડી રહી છે. જોકે આજે ફરી તેની ઑફિસ અને ક્લાઉડ સર્વિસમાં ખામી સર્જાતાં હવે માઇક્રોસોફ્ટની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે.

માઇક્રોસોફ્ટે કર્યું ટ્વિટ

લાખો યુઝર્સને પડી રહેલી સમસ્યાને લઈને માઇક્રોસોફ્ટ દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે કે, 'અત્યારે Microsoft 365ની વિવિધ સેવાઓમાં જે સમસ્યા આવી રહી છે તેનું નિરાકરણ લાવવા માટે અમે કામ કરી રહ્યા છીએ.'

19મીએ માઇક્રોસોફ્ટના સર્વરમાં સર્જાઈ હતી ટૅકનીકલ ખામી

ઉલ્લેખનીય છે કે, 19 જુલાઈના રોજ માઇક્રોસોફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાતાં દુનિયાભરમાં હડકંપ મચી ગયો હતો. આ સમસ્યાને કારણે અનેક દેશોમાં બૅન્ક, ફોન, સ્ટોક માર્કેટ જેવી મોટા ભાગની સેવાઓ ખોરવાઈ ગઈ હતી. દુનિયાના અનેક દેશોમાં વિમાન સેવા પણ ખોરવાઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખામીના કારણે વિશ્વભરની આઇટી સિસ્ટમ અને કૉમ્પ્યુટરો બંધ થઈ ગયા હતા. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન અને ભારત સહિત 40થી વધુ દેશો પરેશાન થયા હતા.

2017માં પણ બની હતી આવી ઘટના

આ પહેલાં 2017માં યુકેમાં બ્રિટિશ એરવેઝની કામગીરી ખોરવાઈ હતી. વીકેન્ડમાં જ્યારે સૌથી વધુ પ્રવાસીઓ હવાઈ મુસાફરી કરતાં હોય છે ત્યારે જ વિમાની સેવા ઠપ થઈ ગઈ હતી. કુલ મળીને 672 ફ્લાઇટ કેન્સલ કરવી પડી હતી જેને પરિણામે હજારો મુસાફરો વિવિધ એરપોર્ટ પર ફસાઈ ગયા હતા. આઉટેજ સર્જાવાના કારણમાં એવું કહેવાયું હતું કે એક એન્જિનિયરે ડેટા સેન્ટરનો પાવર સપ્લાય ડિસ્કનેક્ટ કરેલો ત્યારે પાવર સપ્લાયમાં ભયંકર ઉથલો આવવાથી આઉટેજ સર્જાયો હતો. 


Google NewsGoogle News