આખી દુનિયા થંભી ગઈ પણ આ 2 ધુરંધર દેશોને માઈક્રોસોફ્ટની ખામીથી જરાય ફેર ન પડ્યો! જાણો કારણ
Microsoft Global Outage: શુક્રવારે માઈક્રોસોફ્ટમાં મોટી ખામીથી દુનિયાભરમાં હડકંપ મચી ગયો હતો. આ સમસ્યાને કારણે અનેક દેશોમાં બેંક, ફોન, સ્ટોક માર્કેટ જેવી મોટા ભાગની સેવાઓ ખોરવાઈ ગઈ હતી. દુનિયાના અનેક દેશોમાં વિમાન સેવા પણ ખોરવાઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
માઈક્રોસોફ્ટના સર્વરે વિશ્વભરની આઈટી સિસ્ટમ અને કોમ્પ્યુટર બંધ થઇ ગયા હતા. આ સર્વર ઠપ થતા અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન અને ભારત સહિત 40થી વધુ દેશોમાં અરાજકતા સર્જાઈ હતી.
વિશ્વભરમાં 2 હજારથી વધુ ફ્લાઇટ્સ રદ
માઈક્રોસોફ્ટ આઉટેજને કારણે અનેક દેશોની એરલાઈન્સ સેવા ખોરવાઈ ગઈ હતી. જેમાં સ્પેનિશ હવાઈ સેવાઓને પણ અસર થઈ હતી. વિશ્વભરમાં 2 હજારથી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી હતી, જેમાંથી સૌથી વધુ 500 ફ્લાઈટ્સ અમેરિકામાં અને 50થી વધુ ફ્લાઈટ્સ ભારતમાં કેન્સલ થઈ હતી. તો ઓસ્ટ્રેલિયાની ન્યૂઝ ચેનલ એબીસીના પ્રસારણને પણ અસર થઈ હતી. આ ઉપરાંત બ્રિટનની અન્ય ચેનલોના પ્રસારણ પણ બંધ થયા હતા.
વિવિધ દેશોમાં રેલવે સેવાઓ, ચેનલો અને એટીએમ બંધ થયા હતા
ટેક્નિકલ ખામીના કારણે બ્રિટિશ રેલવેએ તેની તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. જર્મની અને બ્રિટન જેવા દેશોમાં પણ ઘણી ટીવી ચેનલો અને એટીએમ બંધ થયા હતા. આ ઉપરાંત સર્વર ઠપ થતા પેરિસ ઓલિમ્પિકની આઇટી કામગીરી પણ અટકાવી દેવામાં આવી હતી. જર્મન હોસ્પિટલોમાં બિન-ઇમરજન્સી ઓપરેશન્સ રદ કરવામાં આવ્યા હતા. પોલેન્ડમાં વિશ્વના સૌથી મોટા કન્ટેનર ટર્મિનલની સેવાઓ ખોરવાઈ ગઈ હતી.
લંડનમાં સ્ટોક એક્સચેન્જની સેવાઓ ઠપ થઈ હતી
યુરોપના ઘણા દેશોમાં ટિકિટિંગ પ્લેટફોર્મની સેવાઓ બંધ થઈ હતી. તો ન્યુઝીલેન્ડની સંસદનું કમ્પ્યુટર નેટવર્ક ક્રેશ થયું હતું. ઓસ્ટ્રેલિયામાં અનેક સુપરમાર્કેટના કોમ્પ્યુટર બંધ થઈ ગયા હતા. જયારે લંડનમાં સ્ટોક એક્સચેન્જની સેવાઓ ઠપ થઈ ગઈ હતી અને ભારતના હૈદરાબાદ અને બેંગલુરુ શહેરોમાં ઘણી મોટી કંપનીઓનું કામ પણ ઠપ થઈ ગયું.
રશિયા અને ચીન આ સંકટમાંથી કેવી રીતે બચ્યા?
માઈક્રોસોફ્ટમાં મોટી ખામીથી દુનિયાભરમાં હડકંપ મચી ગયો હતો પરંતુ રશિયા અને ચીન આ બે દેશ એવા હતા જ્યાં આ સંકટની કોઈ જ અસર જોવા મળી ન્હોતી. રશિયા અને ચીન વિશ્વના બે એવા દેશ છે, જેમણે વર્ષ 2002માં જ સમજી લીધું હતું કે જો તેઓ ભવિષ્યમાં ટેક્નોલોજી માટે અમેરિકન કંપનીઓ પર નિર્ભર રહેશે તો તેનાથી તેમને નુકસાન થશે. આથી સિસ્ટમ તો તેમની હશે, પરંતુ તેઓ ટેક્નોલોજી માટે અમેરિકા અને યુરોપ પર નિર્ભર રહેશે અને આ ખતરાને ધ્યાનમાં રાખીને રશિયા અને ચીને પોતપોતાની ટેક્નોલોજી વિકસાવી હતી.
આથી જ્યારે કાલે માઈક્રોસોફ્ટ કંપનીના સર્વર ઠપ થવાથી વિશ્વના અનેક દેશોની અર્થવ્યવસ્થા પર અસર પડી હતી અને વિશ્વ હચમચી ગયું હતું, ત્યારે ચીન અને રશિયામાં તેની કોઈ જ અસર જોવા ન્હોતી મળી.