માઈક્રોસોફ્ટ આઉટેજ: શું કેન્સલ થયેલી ફ્લાઈટનું વળતર ચુકવાશે, જાણો શું લેવાયો નિર્ણય
Image Source - Twitter |
Microsoft Outage : માઈક્રોસોફ્ટની સર્વિસી શુક્રવારે (19 જુલાઈ) બંધ થયા બાદ વિશ્વભરની ગતિ પર જાણે અચાનક બ્રેક વાગી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન વિશ્વભરની એરલાઈન્સ સેવા અટકી જતા અસંખ્ય ફ્લાઈટો રદ કરવામાં આવી હતી, જેના કારણે અનેક મુસાફરો પરેશાન થયા હતા. જોકે હવે ફ્લાઈટો રદ થવા મામલે એવા અહેવાલો સામે આવ્યા છે કે, એરલાઈન્સ કંપનીઓએ આ વૈશ્વિક સંકટના કારણે રદ કરાયેલી ફ્લાઈટો માટે મુસાફરોને વળતર નહીં આપવું પડે.
ઓથોરિટીએ એરલાઈન્સોને લખ્યો પત્ર
બ્રિટનની સિવિલ એવિએશન ઓથોરિટીએ કહ્યું છે કે, ટ્રાવેલ ઓપરેટરો એવી દલીલ કરી શકે છે કે, વિક્ષેપ (જેના કારણે મુસાફરો એરપોર્ટના ફ્લોર પર સૂઈ ગયા હતા) તેમના નિયંત્રણની બહારના અસાધારણ સંજોગોને કારણે થયું હતું. આ મુદ્દે ઓથોરિટીએ એરલાઈન્સોને પત્ર પણ લખ્યો છે.
ખામી મામલે ઓપરેટરો જવાબદાર નથી : ઓથોરિટી
પત્રમાં ઓથોરિટીએ કહ્યું છે કે, ‘ટેકનીકલ ખામી મામલે ઓપરેટરો જવાબદાર નથી. એનો અર્થ એ છે કે, યૂરોપીય સંઘના નિયમો હેઠળ ફસાયેલા મુસાફરો અપાતું 211થી 506 પાઉન્ડનું વળતર નહીં મળે. જોકે બીજીતરફ તેમાં એમ પણ જણાવાયું છે કે, મુસાફરો હોટલ, ભોજન અને પ્રવાસના ખર્ચનો દાવો કરી શકે છે અને ફ્લાઈટ માટે ભરેલી રકમ પરત મેળવી શકે છે.
19મીએ માઈક્રોસોફ્ટના સર્વમાં સર્જાઈ હતી ટેકનીકલ ખામી
ઉલ્લેખનીય છે કે, 19 જુલાઈના રોજ માઈક્રોસોફ્ટમાં ટેકનીકલ ખામી સર્જાતા દુનિયાભરમાં હડકંપ મચી ગયો હતો. આ સમસ્યાને કારણે અનેક દેશોમાં બેંક, ફોન, સ્ટોક માર્કેટ જેવી મોટા ભાગની સેવાઓ ખોરવાઈ ગઈ હતી. દુનિયાના અનેક દેશોમાં વિમાન સેવા પણ ખોરવાઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખામીના કારણે વિશ્વભરની આઈટી સિસ્ટમ અને કોમ્પ્યુટરો બંધ થઇ ગયા હતા. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન અને ભારત સહિત 40થી વધુ દેશો પરેશાન થયા હતા.
વિશ્વભરમાં 7000થી વધુ ફ્લાઇટ્સ રદ
માઈક્રોસોફ્ટ આઉટેજને કારણે અનેક દેશોની એરલાઈન્સ સેવા ખોરવાઈ ગઈ હતી. જેમાં સ્પેનિશ હવાઈ સેવાઓને પણ અસર થઈ હતી. વિશ્વભરમાં 7000થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી હતી. સૌથી વધુ અમેરિકામાં 500 ફ્લાઈટ્સ અને બ્રિટનમાં 408 ફ્લાઈટો રદ કરાઈ હતી. જ્યારે ભારતમાં 50થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ થઈ હતી. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાની ન્યૂઝ ચેનલ એબીસીના પ્રસારણને પણ અસર થઈ હતી. બ્રિટનની અન્ય ચેનલોના પ્રસારણ પણ બંધ થયા હતા.
ખોટું અપડેટ કરવાના કારણે સર્જાયું આઈટી સંકટ
માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામી સર્જાતા વિશ્વભરમાં ઉથલ-પાથલ સર્જાઈ હતી, જેના કારણે 8.5 મિલિયન કોમ્પ્યુટરને અસર થઈ હતી. મળતા અહેવાલો મુજબ ખોટું અપડેટ કવાના કારણે આ સમસ્યા સર્જાઈ હતી. ક્રાઉડસ્ટ્રાઈકે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, આ કોઈ સાયબર એટેક ન હતો, પરંતુ વિન્ડોઝનું એક કન્ટેન્ટ અપડેટ કરતી વખતે તેમાં ખામી સર્જાતા આ સમસ્યા સર્જાઈ છે.
2017માં પણ બની હતી આવી ઘટના
આ પહેલા 2017માં યુકેમાં બ્રિટિશ એરવેઝની કામગીરી ખોરવાઈ હતી. વીકેન્ડમાં જ્યારે સૌથી વધુ પ્રવાસીઓ હવાઈ મુસાફરી કરતાં હોય છે ત્યારે જ વિમાની સેવા ઠપ થઈ ગઈ હતી. કુલ મળીને 672 ફ્લાઇટ કેન્સલ કરવી પડી હતી જેને પરિણામે હજારો મુસાફરો વિવિધ એરપોર્ટ્સ પર ફસાઈ ગયા હતા. આઉટેજ સર્જાવાના કારણમાં એવું કહેવાયું હતું કે એક એન્જિનિયરે ડેટા સેન્ટરનો પાવર સપ્લાય ડિસ્કનેક્ટ કરેલો ત્યારે પાવર સપ્લાયમાં ભયંકર ઉથલો આવવાથી આઉટેજ સર્જાયો હતો.
આ પણ વાંચો
• ખેડૂત સંગઠનોની મોટી જાહેરાત, ત્રણ નવા કાયદા વિરુદ્ધ કરશે દિલ્હી કૂચ, 15 ઓગસ્ટે કાઢશે ટ્રેક્ટર રેલી
• મહારાષ્ટ્રની રાજનીતિના મોટા સમાચાર, શરદ પવાર અને શિંદે વચ્ચે મુલાકાત, જાણો શું થઇ ચર્ચા
• નીતિશ કુમારને સૌથી મોટો ઝટકો, મોદી સરકારનો બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા ઈનકાર
• શું યોગીના નિર્ણયના વિરોધમાં ભાજપનું સમર્થન પાછું ખેંચી શકે છે આ દિગ્ગજ નેતા? અટકળો તેજ
• ભારતીય યુદ્ધ જહાજમાં લાગી આગ, એક તરફ નમી ગયું, એક સૈનિક લાપતા
• ચૂંટણી પહેલા જ ટ્રમ્પે નવો વિવાદ ઉભો કર્યો, જૂનો મુદ્દો ઉખાડી ભારત-ચીન પર સાધ્યું નિશાન
• ગાઝાની શરણાર્થી શિબિરોમાં એક સપ્તાહમાં ઈઝરાયલના 63 વાર બોમ્બમારો, 91 મોત અને હજારોને ઈજા