પાર્ટીના સભ્યો માટે અમેરિકન પ્રમુખ તરીકે બાઈડન પહેલી પસંદ નથી, તો કોના પર ઉતારી પસંદગી?
image : Socialmedia
વોશિંગ્ટન,તા.28 ફેબ્રુઆરી 2024,બુધવાર
અમેરિકામાં આ વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિપદની ચૂંટણી પહેલા રિપબ્લિકન પાર્ટીના નેતા ડોનાલ્ડ ટ્રમ્પની વધી રહેલી લોકપ્રિયતા તેમજ જો બાઈડનની ઘટી રહેલી ચાહનાના કારણે ડેમોક્રેટિક પાર્ટીના સમર્થકોને ચિંતા થઈ રહી છે.
ડેમોક્રેટિક પાર્ટી દ્વારા જો બાઈડનના વિકલ્પો પર પણ વિચારણા થઈ રહી છે અને તાજેતરમાં થયેલા એક સર્વેમાં ડેમોક્રેટિક પાર્ટીના મતદારોમાં બાઈડનના વિકલ્પ તરીકે સૌથી વધારે મત મિશેલ ઓબામાને મળ્યા છે. મિશેલ ઓબામા અમેરિકાના બે વખત પ્રમુખ રહી ચુકેલા બરાક ઓબામાના પત્ની છે.
આ સર્વેમાં 20 ટકા લોકોએ મિશેલ ઓબામાની તરફેણ કરી હતી. આ સર્વેના તારણો બાદ બાઈડનનુ સ્થાન મિશેલ ઓબામા લેશે કે કેમ તેવી ચર્ચા શરુ થઈ છે. સર્વેમાં ડેમોક્રેટિક પાર્ટીના 48 ટકા મતદારોએ કહ્યુ હતુ કે, નવેમ્બરની ચૂંટણી પહેલા પાર્ટીએ વધુ એક ઉમેદવાર પસંદ કરવા માટે વિચારણા કરવી જોઈએ. જ્યારે 38 ટકાએ આ મુદ્દા પર અસંમતિ વ્યક્ત કરી હતી. જ્યારે 33 ટકા મતદારોનુ માનવુ હતુ કે, ઉમેદવાર બદલવામાં આવે તેવી શક્યતા ઓછી છે.
જોકે બાઈડનના વિકલ્પ તરીકેના ઉમેદવારોમાં મિશેલ ઓબામા પર 20 ટકા મતદારોએ પસંદગી ઉતારી હતી. અન્ય દાવેદારોમાં હાલના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન, કેલિફોર્નિયાના ગર્વનર ગેવિન ન્યૂજોમ તેમજ મિશિગનના ગર્વનર ગ્રેટચેન વ્હિટમરનો સમાવેશ થતો હતો.
આ સર્વેમાં કમલા હેરિસને 15 ટકા તથા હિલેરી ક્લિન્ટનને 12 ટકા લોકોએ બાઈડનના વિકલ્પ ગણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 2016માં હિલેરી ક્લિન્ટન અને બાઈડન વચ્ચે રાષ્ટ્રપતિપદ માટે મુકાબલો થયો હતો અને તેમાં ટ્રમ્પની જીત થઈ હતી.