ભારત-પાકિસ્તાન-નેપાળના પ્રવાસીઓ ભરેલા ટ્રક પર મેક્સિકન સૈનિકોનો આડેધડ ગોળીબાર, 6ના મોત
Mexican Army Attack: મેક્સિકોમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં, સૈનિકોએ સ્થળાંતર કરનારા પ્રવાસીઓને લઈ જતી ટ્રક પર ગોળીબાર કર્યો હતો, જેમાં છ લોકોનાં મોત થયા છે, જ્યારે અન્ય કેટલાકને ઇજા પહોંચી છે. મીડિયા એજન્સીના અહેવાલ અનુસાર, બુધવારે (2 ઓક્ટોબર) ગ્વાટેમાલાની સરહદ નજીક મેક્સિકન સૈનિકો દ્વારા પ્રવાસીઓના ટ્રક પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ટ્રકમાં ઇજિપ્ત, નેપાળ, ક્યુબા, ભારત અને પાકિસ્તાનના સ્થળાંતર કરનારા પ્રવાસીઓ હાજર હતા.
દાણચોરીનો સામાન્ય માર્ગ
મેક્સિકોના સંરક્ષણ વિભાગે મીડિયાને જણાવ્યું કે, આ માર્ગ ખૂબ જ જોખમી અને વિવાદિત માર્ગ છે. સામાન્ય રૂપે દાણચોરો આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે માટે સૈનિકો આ માર્ગ પર વધુ સક્રિય રહે છે. ટ્રકમાં કુલ 33 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેમાં ગોળી વાગવાથી છ લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય 10 ઇજાગ્રસ્ત થયા હતા. મીડિયા અહેવાલ મુજબ, સ્થાનિક વકીલોએ પીડિતોના મૃત્યુની પુષ્ટિ કરી સરકારની નિંદા કરી હતી.
આ પણ વાંચોઃ 50 જિંદગીઓ લઈને ડૂબી હોડી, 40 લોકોને બચાવાયા: કોંગોમાં મોટી દુર્ઘટના
17 પ્રવાસીઓ સુરક્ષિત
સંરક્ષણ વિભાગે અત્યાર સુધી જણાવ્યું નથી કે સ્થળાંતર કરનારાઓનું મૃત્યુ સેનાના ગોળીબારના કારણે થયું હતું કે પછી ટ્રકમાંથી કોઈ શસ્ત્રો મળી આવ્યા હતા. ટ્રકમાં અન્ય 17 પ્રવાસીઓ હતા, જેઓ હાલ સુરક્ષિત છે. આ પ્રદેશ સ્થળાંતર કરનારાઓ માટે ખૂબ જ પ્રચલિત માર્ગ હોવાનું કહેવાય છે, સ્થળાતર કરનારા પ્રવાસીઓ મોટાભાગે કાર્ગો ટ્રકોમાં સંતાઇને મેક્સિકોમાં પ્રવેશ કરે છે. સંરક્ષણ વિભાગે વધુમાં જણાવ્યું હતું કે ગોળીબાર કરનારા બે સૈનિકો સામે તપાસ ચલાવવામાં આવી રહી છે અને ચુકાદો આવે ત્યાં સુધી તેમને ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.