માર્ક ઝુકરબર્ગનો અમેરિકન સંસદમાં ઉધડો લેવાયો, જાણો શા માટે માંગવી પડી માફી
image : Twitter
વોશિંગ્ટન,તા.01 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર
અમેરિકાની સંસદ કેપિટલ હિલમાં સોશિયલ મીડિયા કંપનીઓના માલિકોની સુનાવણી ચાલી રહી છે. સોશિયલ મીડિયાના કારણે બાળકોને નુકસાન થઈ રહ્યુ હોવાના આરોપસર આ સુનાવણી થઈ રહી છે અને અમેરિકન સાંસદો આ દિગ્ગજ કંપનીઓના માલિકોની આકરી ઝાટકણી પણ કાઢી રહ્યા છે.
આવી જ એક સુનાવણી દરમિયાન ફેસબૂસ અને ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા સાઈટસ ચલાવતી કંપની મેટાના સ્થાપક અને સીઈઓ માર્ક ઝુકરબર્ગને સંસદમાં માફી માંગવાની ફરજ પડી હતી.
ઝુકરબર્ગને સાંસદોના અણીયાળા સવાલોના જવાબ આપવામાં ફાંફા પડી ગયા હતા. એ પછી તેમણે પીડિત પરિવારોની માફી માંગી હતી. આ પરિવારોનો આરોપ હતો કે, બાળકોને નુકસાન પહોંચાડનાર કન્ટેન્ટને રોકવા માટે મેટા દ્વારા કોઈ કાર્યવાહી થઈ નહોતી.
ઝુકરબર્ગને કહેવામાં આવ્યુ હતુ કે, ઈન્સ્ટાગ્રામ પર 13 થી 15 વર્ષની વયની 37 ટકા યુવતીઓને એક સપ્તાહમાં આપત્તિજનક કન્ટેન્ટનો સામનો કરવો પડ્યો છે. આ માટે તમે કોઈ કાર્યવાહી કરી છે અને કોઈને નોકરી પરથી કાઢી મુકયા છે ? ત્યારે માર્ક ઝુકરબર્ગે કહ્યુ હતુ કે, આનો જવાબ હું નથી આપવાનો. મને નથી લાગતુ કે આ અંગે અહીંયા વાત કરવી જોઈએ.
વકીલ જોશ હોલે સવાલ પૂછતા કહ્યુ હતુ કે, મેટાના બોસ હોવાના નાતે તમને ખબર છે કે તમારી પાછળ કોણ બેઠુ છે? આ દેશના એવા લોકો છે જેમના બાળકોને સોશિયલ મીડિયાથી નુકસાન થયુ છે અથવા તો તેમણએ જીવ ગુમાવ્યા છે. . તો તમને લાગતુ નથી કે આ મુદ્દા પર તમારી કંપનીએ શું કાર્યવાહી કરી કે કોને નોકરી પરથી છૂટા કર્યા તેની જાણકારી તમે અહીંયા આપો? તમે પીડિતોને કોઈ વળતર પણ આપ્યુ છે ખરુ?
ઝુકરબર્ગે જવાબ આપતા કહ્યુ હતુ કે, મને નથી લાગતુ કે વળતર આપવુ જોઈએ.. ત્યારે જોશ હોલે ફરી તેમને ટકોર કરી હતી કે ખરેખર તમને નથી લાગતુ કે આ પરિવારોને વળતર આપવુ જોઈએ? ઝુકરબર્ગે આ સવાલનો જવાબ આપવાન ટાળીને કહ્યુ હતુ કે, અમારુ કામ એ પ્રકારના ટૂલ્સ બનાવવાનુ છે કે જેનાથી લોકો સુરક્ષિત રહે. અમે અમારુ કામ ગંભીરતાથી કરી રહ્યા છે. અમે જે ટૂલ્સ વિકસાવ્યા છે તે સોશિયલ મીડિયા સાઈટસ પરથી આપત્તિ જનક સામગ્રી શોધે અને તેને ત્યાંથી હટાવે.
ત્યારે જોશ હોલે તેમને કહ્યુ હતુ કે, નથી તમે કોઈ એક્શન લીધા.. નથી કોઈ કર્મચારીને છુટા કર્યા અને નથી પીડિત પરિવારનો વળત આપ્યુ... હવે તમે કહો કે અહીંયા પીડિતોના પરિવાર બેઠા છે તો તમે તેમની માફી માંગી છે?
આ સાંભળીને થોડી ક્ષણો માટે તો જાણે ઝુકરબર્ગની જીભને લકવો મારી ગયો હતો. એ પછી તે પોતાની પાછળ ફર્યા હતા અને સીટ પરથી ઉભા થઈને પીડિત પરિવારોની માફી માંગી હતી.