VIDEO: સાઉદી અરબમાં અચાનક વરસાદ તૂટી પડ્યો, રસ્તા બેટમાં ફેરવાયા, ક્લાઇમેટ ચેન્જની અસર
Saudi Arab Heavy Rain: સાઉદી અરબ સતત ગ્લોબલ વોર્મિંગનો ભોગ બની રહ્યું છે. નવેમ્બરમાં અચાનક હિમવર્ષાનો સામનો કર્યા બાદ ગઈકાલે મુશળધાર વરસાદ પડ્યો છે. જેના કારણે મક્કા, જેદાહ, અલ-બહા, અસિર સહિત વિવિધ શહેરો પૂરનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓ અને સત્તાધીશો સતત આબોહવા પરિવર્તનનો સામનો કરી રહ્યા છે. જનજીવન પ્રભાવિત થયું છે. જો કે, કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું હોવાના અહેવાલો મળ્યા નથી.
આ પણ વાંચોઃ 'આવી આગ કદી જોઈ નથી..', લોસ એન્જલસના જંગલોમાં ભીષણ દાવાનળ, 70000ને બચાવાયા
નવેમ્બરમાં ભારે હિમવર્ષા
રણ અને સૂકા પ્રદેશ તરીકે ઓળખાતા સઉદી અરબમાં છેલ્લા છ-સાત મહિનાથી હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. ઓછો અને નહિવત વરસાદ પડતાં વિસ્તારોમાં આભ ફાટી નીકળ્યું છે. અગાઉ નવેમ્બરમાં રણ વિસ્તારો પર બરફની ચાદર પથરાઈ હતી. ભારે હિમવર્ષા અને વાવાઝોડાના લીધે જનજીવન ખોરવાયું હતું. સૂકા પ્રદેશના કારણે અહીં ભારે વરસાદના નિકાલની કોઈ જોગવાઈ ન હોવાથી પૂરની સ્થિતિ સર્જાઈ રહી છે. સાઉદી અરબના હવામાન વિભાગે રેડ સી નજીકના વિસ્તારોમાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. તેમજ શાળાઓમાં બંધનું એલાન આપ્યું છે. 10 જાન્યુઆરી સુધી ભારે વરસાદ રહેવાની આગાહી છે.
ગ્લોબલ વોર્મિંગની રેતાળ પ્રદેશો પર અસર
ચાર મહિના પહેલાં સહારાનું રણ પૂરના કારણે સરોવર બન્યું હતું. ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સાઉદી જ નહીં ભારતમાં પણ ગ્લોબલ વોર્મિંગની અસરો જોવા મળી રહી છે. ભારતમાં રણ પ્રદેશ ગણાતા રાજસ્થાનમાં પણ ઑગસ્ટ, 2024માં ભારે વરસાદ જોવા મળ્યો છે. પર્યાવરણ પર થઈ રહેલી આ માઠી અસરોને ઉકેલવી હવે જરૂરી બની છે, નહીં તો આગામી સમયમાં આબોહવા પરિવર્તન સાથે જનજીવનને સૌથી વધુ નુકસાન થવાની ભીતિ છે.