શેખ હસીના હજુ કેટલા દિવસ ભારતમાં રહેશે, પછી ક્યાં જશે? વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ
Bangladesh crisis: બાંગ્લાદેશમાં અનામત હટાવવાની માંગ સાથે શરુ આંદોલન હિંસક બની જતાં હિંસા રોકાવાનું નામ નથી લઇ રહી. આ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના અંગે મોટું અપડેટ આપ્યું છે. શેખ હસીના ભારતમાં જ રોકાશે કે અન્ય કોઇ દેશ જશે આ અંગે જણાવતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, શેખ હસીનાની આગળની યોજના શું છે, એ વિશે અમે કોઇ જાણકારી આપી સકતા નથી. આ તેમનો અંગત વિષય છે, તેમણે નક્કી કરવાનું છે કે તેઓ ક્યાં જશે અને ક્યાં નહીં, એ પછી જ ભારત સરકાર કોઇ નિર્ણય લેશે.
વિદેશ મંત્રાલયે વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, વિદેશ મંત્રી એસ જયશંકર અગાઉ સંસદમાં જણાવી ચૂક્યા છે કે એક શોર્ટ નોટિસ પર શેખ હસીનાને ભારત આવવા માટે મંજૂરી આપવામાં આવી છે. હમણાં એમની આગામી યોજના વિશે કોઇ સચોટ માહિતી નથી. દરેક ક્ષણે સ્થિતિ બદલાઇ રહી છે. જ્યારે બધુ સ્પષ્ટ થઇ જશે ત્યારે અમે સંપૂર્ણ જાણકારી આપીશું. બાંગ્લાદેશની સ્થિતિ પળે પળે બદલાઇ રહી છે. અમે ત્યાં શાંતિ સ્થપાય તેમજ સ્થિતિ સામાન્ય થાય તેવી આશા કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં 9 હજાર વિદ્યાર્થીઓ સહિત 19 હજાર જેટલા ભારતીયો હાજર હતા. મોટાભાગના વિદ્યાર્થીઓ પરત આવી ગયા છે. જો કે, હજુ પણ ઘણાં ભારતીયો ત્યાં હાજર છે. કેટલાક ભારતીયોએ પરત આવવા માટે મદદ પણ માગી છે. દૂતાવાસ તેમના સંપર્કમાં છે અને મદદ માટે દરેક પળે તૈયાર છે.
ભારતીયોની સુરક્ષા અને લઘુમતીઓ અંગે શું કહ્યું?
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, બાંગ્લાદેશમાં ભારતીય અધિકારીઓ અને ભારતીય નાગરીકોની સુરક્ષા અંગે બાંગ્લાદેશ સરકાર સાથે ચર્ચા ચાલુ છે. ભારતીય નાગરીકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બાંગ્લાદેશના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છીએ. લઘુમતીઓના મુદ્દે પણ અમે ખુબ ચિંતિત છીએ. બાંગ્લાદેશમાં હિંસાને લીધે લઘુમતીઓને ઘણું નુકસાન થયું છે. દરેક સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરીકોની રક્ષા કરે, અમને આશા છે કે બાંગ્લાદેશમાં કાયદાકીય વ્યવસ્થા ટુંક સમયમાં પુનઃ સ્થાપિત થશે.
હસીના બાંગ્લાદેશ પરત ફરશેઃ પુત્ર વાજેદ
શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, દેશમાં લોકશાહી અને કાયદાકીય વ્યવસ્થા પુનઃ સ્થાપિત થતાં શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે. વધુમાં તેમણે કહ્યું કે, 'મે કહ્યું હતું કે અમારો પરિવાર રાજકારણમાં વાપસી કરશે નહીં પરંતુ અમારા નેતાઓ અને કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવી રહ્યાં છે તો અમે ચૂપ બેસીશું નહીં.' દરમિયાન તેમણે પાકિસ્તાનની આઇએસઆઇ પર બાંગ્લાદેશમાં અશાંતિ ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો.
આ પણ વાંચોઃ બાંગ્લાદેશની રાજકીય અસ્થિરતા ભારત માટે બન્યું સંકટ, આ 5 પોઈન્ટથી સમજો સંપૂર્ણ મામલો
વાજેદે વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો
સજીબ વાજીદે વડાપ્રધાન મોદી અને ભારતનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, બાંગ્લાદેશમાં પરિસ્થિતિ બેકાબુ થઇ ગઇ હતી, એવા સમયે મારી માતાને સુરક્ષા આપવા માટે ભારત સરકારે મંજૂરી આપી હતી, આ બદલ હું ભારત સરકાર અને વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કરૂં છું. ઉપરાંત વાજીદે ભારત સરકાર સમક્ષ માગ કરી હતી કે, ભારત સરકારે બાંગ્લાદેશમાં લોકશાહી પુનઃ સ્થાપિત કરવા આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ આપવું જોઇએ.
મોહમ્મદ યુનુસના નેતૃત્ત્વમાં બનશે સરકાર
બાંગ્લાદેશમાં હિંસાત્મક સ્થિતિ અને રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે (8 ઓગસ્ટ) રાત્રે 8:30 વાગ્યે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાને આ અંગે જાણકારી આપી છે. નવી સરકારમાં 15 સભ્યો હશે. નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનું નેતૃત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.