'બને એટલી જલ્દી તાત્કાલિક દેશ છોડી દો...', ભારત સરકારની સીરિયામાં નાગરિકો માટે એડવાઈઝરી
MEA India Travel Advisory For Syria: સીરિયામાં બળવાખોરો દ્વારા વધતા હુમલા અને નાગરિકોના મૃત્યુને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી સીરિયાની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે.
હેલ્પલાઈન નંબર જાહેર કરાયો
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટમાં લખ્યું કે, 'સીરિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી સીરિયાની મુસાફરી ટાળવાની આવે છે.'
વિદેશ મંત્રાલયની એડવાઈઝરીમાં લખ્યું કે, 'હાલમાં સીરિયામાં વસતા ભારતીયોને વિનંતી કરવામાં આવે છે. અપડેટ માટે ભારતીય દૂતાવાસના ઈમરજન્સી હેલ્પલાઈન નંબર +963 993385973 પર કોલ કરે અને hoc.damascus@mea.gov.in દ્વારા સંપર્ક કરી શકો છો.'
સીરિયાની સ્થિતિ આટલી ખરાબ કેમ થઈ ગઈ?
છેલ્લા એક અઠવાડિયામાં હયાત તહરિર અલ શામ નામના બળવાખોર સંગઠને સીરિયામાં મોરચો ખોલ્યો છે. તે રાષ્ટ્રપતિ બશર અલ અસદને સત્તા પરથી હટાવીને પોતાનું નિયંત્રણ સ્થાપિત કરવા માંગે છે. આ શ્રેણીમાં તે સીરિયાના શહેરો પર સતત હુમલા કરીને કબજો કરી રહ્યો છે. બળવાખોરોએ 30મી નવેમ્બર 2024ના રોજ સીરિયાના બીજા સૌથી મોટા શહેર અલેપ્પો પર કબજો કરી લીધો હતો. આ પછી તેઓ દક્ષિણમાં હામા પ્રાંત તરફ ગયા.
બળવાખોરોએ ઉત્તરી અને મધ્ય હમાના 4 નગરો પર પણ કબજો કરી લીધો છે. આ બળવાખોરો તેમના મિશનને પૂર્ણ કરવા માટે લોકોની હત્યા કરી રહ્યા છે. તેમના પ્રારંભિક હુમલામાં જ, બળવાખોરોએ જંગી નરસંહાર કર્યો અને એક જ હુમલામાં 300 લોકો માર્યા ગયા.