MDH-Everest ની મુશ્કેલીઓ વધી, સિંગાપોર અને હોંગકોંગ બાદ નેપાળે મસાલા પર લગાવ્યો પ્રતિબંધ
Image:Freepik
MDH-Everest: ભારતીય મસાલાઓને લઈને ગયા મહિને શરૂ થયેલો વિવાદ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સિંગાપોર અને હોંગકોંગ બાદ હવે નેપાળમાં પણ ભારતીય મસાલા બ્રાન્ડ એવરેસ્ટ અને MDHના વેચાણ, આયાત અને ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
નેપાળે આ નિર્ણય આ બંને કંપનીઓના મસાલામાં કેમિકલ ઇથિલિન ઓક્સાઈડ હોવાની શંકા વચ્ચે લીધો છે. નેપાળના ફૂડ ટેક્નોલોજી અને ક્વોલિટી કંટ્રોલ વિભાગે બંને બ્રાન્ડના મસાલામાં આ કેમિકલનું પરીક્ષણ શરૂ કર્યું છે. આ મસાલામાં ભેળસેળના આરોપો સામે આવ્યા બાદ નેપાળે આ નિર્ણય લીધો છે.
નેપાળે આ વાત કહી
નેપાળના ફૂડ ટેક્નોલોજી વિભાગના પ્રવક્તા મોહન કૃષ્ણ મહારાજને કહ્યું કે, MDH અને એવરેસ્ટની આયાત પર હાલ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે તેના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ મસાલાઓમાં ઇથિલિન ઓક્સાઈડ નામની જંતુનાશક મળી આવવાના સમાચાર આવ્યા બાદ સરકારે આ પગલું ભર્યું છે. હાલ તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે.
આ દેશોએ પણ તપાસ શરૂ કરી
ભારતની પ્રખ્યાત મસાલા બ્રાન્ડ્સ એમડીએચ અને એવરેસ્ટ ભારત, બ્રિટન, ન્યુઝીલેન્ડ, અમેરિકા અને મિડલ ઇસ્ટ સહિત વિશ્વના ઘણા દેશોમાં વેચાય છે. બુધવારે ન્યુઝીલેન્ડના ફૂડ સેફ્ટી રેગ્યુલેટરે ભારતીય મસાલા બ્રાન્ડના વિવિધ ઉત્પાદનોની તપાસ શરૂ કરવાની માહિતી આપી હતી. આ સાથે અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના ફૂડ સેફ્ટી રેગ્યુલેટરે પણ આ બંને બ્રાન્ડના મસાલાની તપાસ શરૂ કરી છે. બ્રિટનની ફૂડ સેફ્ટી એજન્સીએ પણ મોટી કાર્યવાહી કરીને ભારતમાંથી આવતા મસાલાની તપાસ શરૂ કરી છે.
FSSAI કડક બન્યું
બાહ્ય દેશોની સાથે સાથે આ બંને કંપનીઓ સ્થાનિક સ્તરે પણ મુશ્કેલીનો સામનો કરી રહી છે. ડોમેસ્ટિક ફૂડ સેફ્ટી રેગ્યુલેટર FSSAI એ કડક પગલાં લીધા છે અને દેશભરમાંથી આ બે મસાલાના 1500 થી વધુ સેમ્પલ લીધા છે. સરકારે કહ્યું છે કે, જો આ સેમ્પલ ટેસ્ટમાં નિષ્ફળ જાય છે તો આ કંપનીઓના ઉત્પાદનોનું લાઇસન્સ રદ થઈ શકે છે.