Get The App

ચેમ્પિયન્સ ટ્રોફીના વિવાદ વચ્ચે ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મેચ, જાણો ક્યાં અને કેટલા વાગ્યે રમાશે?

Updated: Nov 30th, 2024


Google NewsGoogle News
ચેમ્પિયન્સ ટ્રોફીના વિવાદ વચ્ચે ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મેચ, જાણો ક્યાં અને કેટલા વાગ્યે રમાશે? 1 - image


Image Source: Twitter

IND vs PAK U-19 Asia Cup 2024: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાનને મળી હતી. જોકે આ ટુર્નામેન્ટ ક્યાં યોજાશે તે અંગે સસ્પેન્સ યથાવત્ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે તે પોતાની ટીમને પાકિસ્તાન નહીં મોકલે. હવે ચેમ્પિયન્સ ટ્રોફીના ભવિષ્ય પર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ટૂંક સમયમાં કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. આ જ સંદર્ભમાં 29 નવેમ્બરના રોજ ICCની બેઠક યોજાઈ હતી. 

આજે ભારત-પાકિસ્તાનની ટક્કર

ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને BCCI અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) વચ્ચે ચોક્કસપણે તણાવ છે. પરંતુ ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે ફરી ટક્કર થવા જઈ રહી છે. હકીકતમાં આજે અંડર-19 એશિયા કપમાં ભારતીય ટીમનો પાકિસ્તાન સાથે મુકાબલો થઈ રહ્યો છે. ભારતીય સમય અનુસાર આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સવારે 10:30 વાગ્યાથી શરુ થઈ ગઈ છે.

આ ટુર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં ભારતને પાકિસ્તાન, જાપાન અને યજમાન UAEની સાથે ગ્રુપ Bમાં રાખવામાં આવી છે. જ્યારે ગત ચેમ્પિયન બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને નેપાળ ગ્રુપ Aમાં છે. દરેક ગ્રુપમાંથી ટોપ-2 ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. સેમિફાઇનલ મેચ 6 ડિસેમ્બરના રોજ રમાશે. ત્યારબાદ ફાઇનલ 8મી ડિસેમ્બરે યોજાશે. આ ટુર્નામેન્ટની મેચો દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ અને શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાઈ રહી છે.

13 વર્ષના વૈભવ સૂર્યવંશી પર નજર

મોહમ્મદ અમાનના નેતૃત્વમાં ભારતીય ટીમ નવમી વખત અંડર-19 એશિયા કપનો ખિતાબ જીતવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે સૌથી પહેલા તેણે પાકિસ્તાન સામેની મેચમાં શાનદાર પ્રદર્શન કરવું જરૂરી રહેશે. પાકિસ્તાન સામેની મેચમાં તમામની નજર 13 વર્ષના વૈભવ સૂર્યવંશી પર રહેશે, જેણે IPL 2025ના મેગા ઑક્શનમાં ઇતિહાસ રચ્યો હતો.

આ પણ વાંચો: મેચ ફિક્સિંગના આરોપમાં 3 ક્રિકેટરની ધરપકડ, જેમાં એક ખેલાડીએ ભારત સામે છેલ્લી વન-ડે રમી હતી

તમને જણાવી દઈએ કે સોની સ્પોર્ટ્સ નેટવર્ક ભારત અને પાકિસ્તાન વચ્ચે અંડર-19 એશિયા કપની મેચ ટીવી પર પ્રસારિત કરશે. બીજી તરફ મોબાઇલ અને ડેસ્કટોપ યુઝર્સ Sony Liv દ્વારા આ મેચનો આનંદ માણી શકશે.

અંડર-19 એશિયા કપ માટેની ભારતીય ટીમ 

આયુષ મ્હાત્રે, વૈભવ સૂર્યવંશી, સી આન્દ્રે સિદ્ધાર્થ, મોહમ્મદ અમાન (કેપ્ટન), કિરણ ચોરમલે (વાઈસ-કેપ્ટન), પ્રણવ પંત, હરવંશ સિંહ પંગાલિયા (વિકેટકીપર), અનુરાગ કાવડે (વિકેટકીપર), હાર્દિક રાજ, મોહમ્મદ એનાન, કેપી કાર્તિકેય, સમર્થ નાગરાજ, યુદ્ધજીત ગુહા, ચેતન શર્મા, નિખિલ કુમાર.

રિઝર્વ ખેલાડીઓ

સાહિલ પારખ, નમન પુષ્પક, અનમોલજીત સિંહ, પ્રણવ રાઘવેન્દ્ર, ડી દીપેશ.

અંડર-19 એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમ

સાદ બેગ (કેપ્ટન/વિકેટકીપર), મોહમ્મદ અહેમદ, હારૂન અરશદ, તૈયબ આરીફ, મોહમ્મદ હુઝેફા, નવીદ અહેમદ ખાન, હસન ખાન, શાહઝેબ ખાન, ઉસ્માન ખાન, ફહમ-ઉલ-હક, અલી રઝા, મોહમ્મદ રિયાઝુલ્લાહ, અબ્દુલ સુભાન, ફરહાન યુસુફ, ઉમર ઝૈબ.

ભારતીય અંડર-19 ટીમનો કાર્યક્રમ

30 નવેમ્બર: ભારત vs પાકિસ્તાન, દુબઈ

2 ડિસેમ્બર: ભારત vs જાપાન, શારજાહ 

4 ડિસેમ્બર: ભારત vs UAE, શારજાહ


Google NewsGoogle News