ફરી ભડકે બળ્યું બાંગ્લાદેશ! શેખ હસીનાના સેંકડો સમર્થકોની ધરપકડ, માર્ગો પર ખડકી દેવાયું સૈન્ય
Bangladesh News | બાંગ્લાદેશમાં ફરી એકવાર સ્થિતિ કાબૂ બહાર થઇ ગઈ છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશથી ભાગ્યાના ત્રણ મહિના બાદ તેમની પાર્ટી અવામી લીગે આજે ઢાકામાં વર્તમાન વચગાળાની સરકાર સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરી હતી. જેને ધ્યાનમાં રાખીને વચગાળાની યુનુસ સરકારે સૈન્યને માર્ગો પર તહેનાત કરી દીધું.
પોલીસે કરી કાર્યવાહી
આ દરમિયાન બાંગ્લાદેશની પોલીસે ઢાકામાં અવામી લીગના કાર્યકરો-સમર્થકો સામે કડક કાર્યવાહી કરી હતી. દેખાવો પહેલા જ સેંકડો કાર્યકરોની ધરપકડ કરી લેવામાં આવી હતી. નેતાઓને ખોટી રીતે ફસાવવા, વિદ્યાર્થીઓના સંગઠનો પર પ્રતિબંધ અને એ.એલ કાર્યકરોની સતામણી કરવાના વિરોધમાં અવામી લીગ આ દેખાવો કરવાની છે.
સૈન્યએ 191 ટુકડીઓ તહેનાત કરી
અવામી લીગના દેખાવોને રોકવા માટે આ વિસ્તારોમાં બાંગ્લાદેશ આર્મી, પોલીસ અને શાળા, કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એકજૂટ થઇ ગયા છે. BNP અને જમાતે જાહેરાત કરી હતી કે અમે અવામી લીગને દેખાવ નહીં કરવા દઈએ. ઢાકા પોલીસે આ દેખાવોની પરવાનગી પણ નથી આપી. BGBની 191 ટુકડીઓ દેશભરમાં તહેનાત કરવામાં આવી છે.
સરકારે આપી ચેતવણી
આ દરમિયાન સરકારના વિવિધ વિભાગોએ ચેતવણી આપી હતી કે અવામી લીગને આ દેખાવોનું આયોજન કરવામાં મંજૂરી ન આપે. વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર પ્રેસ સચિવ શફીકુલ આલમે ફેસબુક પર જણાવ્યું કે, આવામી લીગ હાલમાં ફાસીવાદી પાર્ટી છે. આ ફાસીવાદી પક્ષને બાંગ્લાદેશમાં દેખાવો કરવા દેવાનો સવાલ જ નથી.