લેબનોનનાં ટાયર શહેર પર ઇઝરાયેલનો પ્રચંડ હુમલો 28નાં મોત : હજ્જારો લોકો શહેર છોડી ચાલ્યા ગયા
- 2023ના ઓક્ટો. 23થી બુધવાર 23 ઓક્ટો. 24 સુધીમાં 2,574નાં લેબનોનમાં મોત થયાં : હીઝબુલ્લાહને ખત્મ કરવા ઇઝરાયેલ મક્કમ
બૈરૂત : છેલ્લા ૨૪ કલાકથી ઇઝરાયલે લેબનોનનાં ટાયર શહેર ઉપર કરેલા હુમલામાં ૨૮નાં મોત થયાં છે. ઓક્ટોબર ૨૦૨૩ની ૨૩મી તારીખથી ઓક્ટો. ૨૩, ૨૦૨૪નાં એક વર્ષમાં લેબનોનમાં કુલ ૨,૫૪૭નાં મોત થયાં છે. ટાયરમાં ઠેર ઠેર આગ લાગી છે. અનેક મકાનો ખંડેર સમાન બની રહ્યાં છે.
આ માહિતી આપતાં લેબનીઝ ગવર્નમેન્ટે જણાવ્યું હતું કે આ સતત મિસાઇલ મારાને લીધે આતંકી જૂથ હીઝબુલ્લાહનો નવ નિર્વાચિત નેતા પણ માર્યો ગયો હોવાની આશંકા સેવાઈ રહી હતી. તે આખરે સાચી ઠરી છે. જો કે ટાયર ઉપર હુમલા શરૂ કરતાં પૂર્વે ઇઝરાયલે ટાયર ખાલી કરવા લોકોને જણાવી દીધું હતું.
આ પૂર્વે હીઝબુલ્લાહે ફરી ઇઝરાયલ ઉપર રોકેટ હુમલા શરૂ કર્યા હતા. આ રોકેટસ ઇન્ટર સેપ્ટ કરતાં પૂર્વે તેલ અવીવમાં સાયરન્સ ગર્જી ઉઠી હતી. ઘણાં રોકેટ્સ ઇન્ટરસેપ્ટ કરાયાં હોવા છતાં તેલ અવિવની જે હોટલમાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેન તેમની મુલાકાત વખતે ઉતર્યા હતા. તે હોટેલ પર પણ હીઝબુલ્લાહના રોકેટ મારો થતાં તે હોટેલમાં આગ લાગી હતી. બ્લિન્કેન શાંતિ મંત્રણા માટે તેલ અવીવ પહોંચ્યા હતા, પરંતુ હીઝબુલ્લાહના આ છેલ્લા હુમલાએ શાંતિની સંભાવના પર પાણી ફેરવ્યું છે.
બીજી તરફ લેબનોનનાં ઐતિહાસિક શહેર ટાયર ઉપર થયેલા હુમલા પરથી લાગે છે કે આ યુદ્ધમાં આ તબક્કે તો શાંતિ સ્થપાવાની નથી. ગાઝામાં ગત સપ્તાહે ઇઝરાયલે કરેલા પ્રચંડ હુમલાઓને લીધે હમાસના નેતાનું મૃત્યુ થયું હતું. આજે થયેલા હુમલામાં ૨૦નાં મૃત્યુ થયાં હતાં.
ઇઝરાયલ અને હીઝબુલ્લાહ યુદ્ધને લીધે જીડીપીના સંદર્ભે જોતાં લેબનોનની ૯ ટકા જેટલી રાષ્ટ્રીય મિલ્કત સાફ થઇ ગઈ છે. તેમ કહેતાં યુએનના રીપોર્ટ બુધવારે જણાવ્યું હતું કે ૨૦૦૬નાં યુદ્ધ કરતાં આ યુદ્ધમાં વધુ આર્થિક નુકશાન થયું છે.