Get The App

ઇરાનના પોર્ટ પર પ્રચંડ વિસ્ફોટ : પાંચનાં મોત, 700 ઘાયલ

Updated: Apr 27th, 2025

GS TEAM


Google News
Google News
ઇરાનના પોર્ટ પર પ્રચંડ વિસ્ફોટ : પાંચનાં મોત, 700 ઘાયલ 1 - image


- પરમાણુ વિસ્ફોટ હોય એટલી અસરથી ધરતી ધ્રુજી ઉઠી, રહેણાંકી વિસ્તારોમાં દોડધામ

- પરમાણુ મુદ્દે અમેરિકા સાથે વાટાઘાટો વચ્ચે ઇરાનના સૌથી વ્યસ્ત રાઝાઇ પોર્ટ પર વિસ્ફોટથી અનેક સવાલો ઉઠયા

- પોર્ટ પર પેટ્રોકેમિકલ મોટું સ્ટોરેજ, ઇરાનની મિસાઇલો માટેનું કેમિકલ પણ અહીંથી જ લવાતું હતું, ભારે નુકસાનની પણ શક્યતા

- તંગદિલી વચ્ચે ઓમનમાં ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અને અમેરિકાના રાજદૂત સ્ટીવે બેઠક શરૂ કરી

તેહરાન : અમેરિકાની સાથે વિવાદો વચ્ચે ઇરાન ભિષણ વિસ્ફોટને કારણે ધણધણી ઉઠયું હતું. આ વિસ્ફોટ ઇરાનના શાહીદ રાઝાઇ પોર્ટ પર થયો છે. જે એટલો તિવ્ર હતો કે દૂર સુધી તેની અસર જોવા મળી હતી. આ વિસ્ફોટમાં પાંચ જેટલા લોકો માર્યા ગયા છે જ્યારે ૭૦૦થી વધુ ઘવાયા છે. એક તરફ ઇરાન અને અમેરિકાની વચ્ચે ઓમનમાં વાટાઘાટો માટે બેઠક ચાલી રહી હતી ત્યારે બીજી તરફ ઇરાનમાં આ વિસ્ફોટ થયો હતો. જેને પગલે હાલ ઇરાનમાં તંગદીલી જેવી સ્થિતિ છે.  

જે પોર્ટ પર આ વિસ્ફોટ થયો છે ત્યાં મિસાઇલ ઇંધણ માટે કેમિકલ આવતું હોય છે. આ વિસ્ફોટ કેમ થયો અને તેની પાછળના કારણો શું હતા કે કોઇએ હુમલો કર્યો વગેરે કોઇ જ સ્પષ્ટતા ઇરાન સરકાર દ્વારા આપવામાં નથી આવી. જે પોર્ટ પર આ વિસ્ફોટ થયો છે તે ઇરાનનું મુખ્ય પોર્ટ માનવામાં આવે છે અને અનેક દેશોથી ત્યાં જહાજોની અવર જવર થતી હોય છે. ઇરાનના મિસાઇલમાં ઉપયોગમાં લેવાતા ફ્યૂલ કેમિકલને પણ આ પોર્ટથી જ આયાત કરવામાં આવે છે. 

ઇરાને હાલ એક નિવેદન જાહેર કરીને માત્ર વિસ્ફોટ અને મૃતકો તેમજ ઘાયલોની સંખ્યાની જ માહિતી આપી છે. ઇરાન પોતાની પરમાણુ ક્ષમતાને બમણી ગતિથી વધારી રહ્યું છે. જેને પગલે અમેરિકા ઇરાન પર ચારેય તરફથી દબાણ કરી રહ્યું છે. હાલ બન્ને દેશો વચ્ચે વાટાઘાટો માટે સંમતિ બની છે. જેને પગલે શનિવારે ઓમનમાં બન્ને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી જ્યારે અમેરિકાના રાજદૂત  સ્ટીવ વિટકોફ સામેલ થયા હતા.

 જોકે બેમાંથી કોઇએ પણ આ બેઠકમાં શું રંધાયુ તેની કોઇ જ માહિતી જાહેર નહોતી કરી. ઇરાનના વિદેશમંત્રી શુક્રવારે જ ઓમન પહોંચી ગયા હતા અને ઓમનના વિદેશમંત્રી બદ્ર-અલ-બુસૈદીને મળ્યા હતા. જ્યારે અમેરિકાના રાજદૂત વિટકોફ શુક્રવારે રશિયાના પ્રમુખ પુતિનને મળ્યા હતા અને શનિવારે ઓમન પહોંચી ગયા હતા. આ બેઠકમાં મુખ્યત્વે પરમાણુ સંધિને લઇને ચર્ચા થશે. 

આ બેઠક વચ્ચે ઇરાનના પોર્ટ પર થયેલા મોટા વિસ્ફોટનો વીડિયો સામે આવ્યો છે. આ વિસ્ફોટ એટલો ઘાતક હતો કે હવામાં અનેક સમય સુધી વિસ્ફોટનો ધુમાડો જોવા મળ્યો હતો. બંદર અબ્બાસ તરીકે પ્રખ્યાત આ વિસ્તારના શાહીદ રાઝાઇ પોર્ટ પર થયેલા આ વિસ્ફોટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

 આ વિસ્ફોટને કારણે પાંચ લોકો માર્યા ગયા છે જ્યારે ૭૦૦થી વધુ ઘવાયા છે. વિસ્ફોટ એટલો તિવ્ર હતો કે તેની અસર આસપાસના રહેણાંકવાળા વિસ્તારમાં જોવા મળી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ભૂકંપ આવ્યો હોય તેવી રીતે ધરતી ધુ્રજવા લાગી હતી. આ પોર્ટ પર પેટ્રોકેમિકલને સંગ્રહ કરીને રાખવામાં આવે છે. હાલ ઇરાને આ વિસ્ફોટની તપાસ શરૂ કરી છે.

Tags :