યુએસ અને યુકેના યમન સ્થિત હુથી મથકો પર ફરી પ્રચંડ હુમલા રાતા સમુદ્ર અને અરબી સમુદ્રમાં જલમાર્ગ સલામત રાખવા બંને પ્રતિબદ્ધ
- અમેરિકી અને બ્રિટિશ એર ક્રાફ્ટ કેરિયર્સ પરથી ઉડાયેલા વિમાનોએ હુથીના આઠ વિવિધ મથકો સ્થિત 18 વિવિધ છાવણીઓ પર વેરેલી ભારે તબાહી
વોશિંગ્ટન, લંડન : હમાસ આતંકીઓ દ્વારા ઈઝરાયલ પર કરાયેલા અમાનુષ હુમલા પછી ઈઝરાયલે હમાસ આતંકીઓ ઉપર પ્રચંડ હુમલા ચાલુ કર્યા છે. ઈઝરાયલને અમેરિકા તથા બ્રિટન સહિત પશ્ચિમના દેશોનું પ્રચંડ પીઠબળ છે. આથી પશ્ચિમ યુરોપ અને અમેરિકાનાં વ્યાપારી જહાજો ઉપર હુથી આતંકીઓએ હુમલા કરી ક્રૂ અને કેપ્ટનોની હત્યા કરી રહ્યાં છે અને જહાજ છોડવા ફરજ પાડે છે. અરબી સમુદ્રનાં પૂર્વ અને દક્ષિણ ભાગમાં ભારતીય નૌસેના એ વિસ્તારમાં રહેલા જહાજોને બચાવી રહી છે. હવે હુથી આતંકીઓના જહાજો ભારતીય નૌસેનાનાં જહાજોને આવતાં જોઈ પોબારા ગણી જાય છે. પરંતુ રાતા સમુદ્ર અને ગલ્ફ ઓફ એડન પર તેઓ આતંક વરસાવી રહ્યા છે અને વ્યાપારી જહાજોના કેપ્ટનો, વાઇસ કેપ્ટનો અને અધિકારીઓ સહિત ખલાસીઓની હત્યા કરી રહ્યાં છે, તેથી અમેરિકા અને બ્રિટન તેઓ ઉપર ખરેખરાં ગિન્નાયાં છે. આથી બંનેએ એકી સાથે કાર્યવાહી કરી હુથીઓને પ્રચંડ શિક્ષા કરવાનો નિર્ણય લીધો. પરિણામે આજે તેઓએ હાથ ધરેલી આજની ચોથી સંયુક્ત કાર્યવાહીમાં અમેરિકાના વિમાન વાહક જહાજ, યુ.એસ.એસ ડવાઈટ ડી. આઈઝન હૂબહ ઉપરથી યુ.એસ. F/A--૧૮ ' પ્રકારનાં ફાયટર જેટસ તથા બ્રિટનનાં વિમાન વાહક જહાજ ઉપરથી ઉડેલા 'ટાયફૂન' યુદ્ધ વિમાનોએ હુથીઓનાં ૮ મથકો પર રહેલી જુદી જુદી ૧૮ છાવણીઓ ઉપર પ્રચંડ હુમલા કર્યા છે.
હુથીઓએ બ્રિટિશ માલિકીનાં મોટર-વેસલ આઈલેન્ડર અને મોટર-વેસલ રૂબીમાર ઉપર હુમલા કર્યા હતા. તેથી ક્રૂને જહાજો છોડી દેવાની ફરજ પડી હતી. આ પછી અમેરિકાએ બ્રિટનની સાથે રહી પ્રચંડ હવાઈ હુમલા ફરી શરૂ કરી દીધા છે. વાસ્તવમાં ૧૨મી જાન્યુઆરીથી શરૂ થયેલા આ હુમલાઓ પૈકી આ ચોથો પ્રચંડ હુમલો છે. અમેરિકાના પ્રમુખ જો બાયડેને ફરી એકવાર હુથીને ચેતવણી આપતાં કહ્યું હતું કે અમેરિકા વ્યાપારી જહાજો ઉપર કરાતા હુમલાઓ ચલાવી લેશે નહીં. આમ છતાં હજી હુથીઓ સમજવા તૈયાર નથી, તેઓ તો આતંકી હુમલા કરવા માટે સતત તત્પર છે.