બલુચીસ્તાનમાં 7 પંજાબીઓની કત્લ પાકિસ્તાનના ત્રણ પ્રાંતોમાં અલગતાવાદની પ્રસરેલી આગ
- પાક.માં પ્રાદેશિક સંઘર્ષ ચરમ સીમાએ પહોંચ્યો છે : ગત માસે બલુચીસ્તાનમાં 11ની હત્યા કરાઈ તે પૈકી 9ને બસમાંથી ઉતારી માર્યા
ગ્વાડર : પાકિસ્તાનમાં પ્રાદેશિક સંઘર્ષ ચરમ સીમાએ પહોંચ્યો છે. ગયા મહિને બલુચીસ્તાનમાં પંજાબ પ્રાંતમાં રહેનારા ૧૧ લોકોની હત્યા કરવામાં આવી હતી. તે પૈકી ૯ને તો બસમાંથી ઉતારી મારી નાંખવામાં આવ્યા હતા. તેમની હત્યા એટલા માટે કરવામાં આવી હતી કે તેઓ પંજાબી હતા. આવી જ એક ઘટના બલુચીસ્તાનનાં ગ્વાડરમાં બની હતી. ત્યાં ગુરૂવારે સવારે સાત લોકોને ગોળી મારી ઠાર કરાયા. આ સાતે મજૂરો હતા. તેઓ પોતાના રૂમમાં સૂતા હતા ત્યાં આ આતંકીઓએ પહોંચી તેમની હત્યા કરી નાખી હતી.
ડોન ન્યૂઝના રીપોર્ટ મુજબ આ ઘટના ગ્વાડરના સુરબંદરમાં બની હતી. જો કે હજી સુધી કોઈ સંગટને એ હુમલાની જવાબદારી લીધી નથી. પરંતુ પ્રાદેશિકતાના આધારે જ તે હત્યા કરાઈ હશે તેમ નિશ્ચિત રીતે મનાય છે.
બલુચીસ્તાનના મુખ્ય મંત્રી સરફરાઝ બુગતીએ તે ઘટનાઓને આતંકવાદી ઘટનાઓ કહી હતી. અને જણાવ્યું હતું કે, આવાં કૃત્યો કરનારને માફ નહીં જ કરાય તેમ જ તેમને મદદ કરનારને પણ છોડવામાં નહીં આવે.
આ ઘટનાઓ અંગે માનવામાં આવે છે કે બલૂચ અલગતાવાદી સંગઠનોએ જ આ કૃત્યો કર્યાં હશે. આ પૂર્વે પણ ગ્વાડર સહિત બલુચીસ્તાનના કેટલાયે વિસ્તારોમાં પંજાબીઓ અને ચીનાઓની હત્યાઓ કરવામાં આવી હતી. આ હત્યાઓની જવાબદારી બલુચીસ્તાન લિબરેશન આર્મી લઇ રહ્યું છે તે બલુચીસ્તાનની સ્વાયત્તાની માગણી કરી રહ્યું છે. તેમજ ચીનના પ્રોજેક્ટસનો પણ વિરોધ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે બલુચીસ્તાન ઉપરાંત સિંધ અને ખૈબરપખ્તુનવા પ્રાંતમાં અલગતાવાદી આંદોલન ચાલે છે. બલુચીસ્તાન અને ખૈબરપખ્તુનવા પ્રાંતમાં સરકાર જેવું જ કશું નથી ત્યાં તો કબીલાઓના સરદારો જ ચલાવે તે સરકાર છે. લોકો તેઓને મહેસૂલ પણ નિયમિત રીતે આપે છે.