અમેરિકામાં માસ શૂટિંગઃ જ્યોર્જિયા રાજ્યના ગર્વનરે તો શિક્ષકોને સ્કૂલોમાં બંદુકો સાથે મોકલવાની ભલામણ કરી

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
અમેરિકામાં માસ શૂટિંગઃ જ્યોર્જિયા રાજ્યના ગર્વનરે તો શિક્ષકોને સ્કૂલોમાં બંદુકો સાથે મોકલવાની ભલામણ કરી 1 - image

image : Social media

વોશિંગ્ટન,તા.26 ઓક્ટોબર 2023,ગુરૂવાર

અમેરિકાના લોકો માટે ગનકલ્ચર એક ભયાનક દુસ્વપ્ન સમાન સાબિત થઈ રહ્યુ છે. 

અમેરિકાના મૈને રાજ્યના લેવિસ્ટન શહેરમાં બનેલી માસ શૂટિંગની વધુ એક ઘટનામાં 22 લોકોના મોત થયા છે. અમેરિકામાં જાહેર સ્થળોએ ફાયરિંગની ઘટનાઓ વધી રહી છે અને ગન કલ્ચર પર અંકુશ લગાવવામાં અમેરિકાની સરકાર નિષ્ફળ પૂરવાર થઈ છે. 

અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના લેફટનન્ટ ગર્વનરે તો હવે સ્કૂલોમાં શિક્ષકોને બંદુક સાથે રાખવાની વકીલાત કરી છે અને આ માટે શિક્ષકોને બંદુક ચલાવવાની બાકાયદા ટ્રેનિંગ આપવાની પણ વાત કરી છે. જેથી કોઈ હુમલાખોર સ્કૂલમાં અંધાધૂધ ફાયરિંગ કરે તો શિક્ષકો તેનો જવાબ આપી શકે. 

જો આ પ્રસ્તાવ પર અમલ કરવામાં આવશે તો સરકાર પર તેનુ ખાસુ ભારણ પણ આવશે. એલજીનુ કહેવુ છે કે, સ્કૂલોની સુરક્ષા પાછળ ખર્ચ કરવો જરુરી છે. શિક્ષકો અને કર્મચારીઓને બંદુક ચલાવવાનુ શીખવાડવા માટે ટ્રેનિંગ આપવામાં આવશે. આ માટે દર વર્ષે દરેક સ્કૂલ પાછળ 10000 ડોલરનો ખર્ચ થઈ શકે છે. 

સાથે સાથે તેમણે સ્કૂલોમાં સુરક્ષા ગાર્ડ મુકવા માટે પણ કહ્યુ છે. 

જ્યોર્જિયા રાજ્યમાં પણ બંદુકનો ઉપયોગ કરીને હત્યાકાંડ સર્જાઈ ચુકયા છે. ગન કલ્ચરના કારણે જ એલજી સ્કૂલોને સુરક્ષિત કરવા માટે વાત કરી રહ્યા છે. પૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સ્કૂલોમાં સુરક્ષા અધિકારીઓને ગન સાથે મુકવાના પક્ષમાં છે. 

તેમનુ માનવુ છે કે, મોટાભાગે હુમલાખોરો સ્કૂલને જ નિશાન બનાવતા હોય છે. કારણકે ત્યાં કોઈ સિક્યુરિટી ગાર્ડ ગન સાથે તૈનાત નથી હોતા. 

જ્યોર્જિયાના એલજીના પ્રસ્તાવ પર જોકે ઘણા લોકો વિરોધ પણ કરી રહ્યા છે. જ્યોર્જિયા એસોસિએશન ઓફ એજ્યુકેટર્સ સંગઠનના અધ્યક્ષ લિસા મોર્ગનના કહેવા અનુસાર સ્કૂલોમાં ભણાવતા શિક્ષકો ગન સાથે સજ્જ હોય તેનો અમારુ સંગઠન વિરોધ કરે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકાર બીજો વિકલ્પ વિચાર કરે. 


Google NewsGoogle News