અમેરિકામાં અંધાધૂંધ ગોળીબાર, વૉટરપાર્કમાં મચાવ્યો આતંક, 10 લોકો ઈજાગ્રસ્ત, હુમલાખોરનું મોત
Mass Shooting America: અમેરિકા અવારનવાર ગોળીબારની ઘટનાઓ બની રહી છે જેમાં અનેક લોકોના ભોગ લેવાઈ રહ્યાં છે ત્યારે આ વખતે વોટર પાર્કમાં ગોળીબારની ઘટના બનતાં ફફડાટ ફેલાયો છે. માહિતી અનુસાર અમેરિકાના મિશિગન રાજ્યના સૌથી મોટા શહેર ડેટ્રોઇટ નજીક વોટર પાર્કમાં અંધાધૂંધ ગોળીબારમાં બે બાળકો સહિત આઠ લોકો ઘાયલ થયા હતા.
ક્યાં બની આ ઘટના?
ફાયરિંગની આ ઘટના રોચેસ્ટર હિલ્સના ચિલ્ડ્રન વોટર પાર્કમાં બની હતી. ઓકલેન્ડ કાઉન્ટીના શેરિફ માઈકલ બાઉચાર્ડે જણાવ્યું હતું કે ગોળીબાર બાદ હુમલાખોર નજીકના ઘરમાં છુપાઈ ગયો હતો. પોલીસે ઘરને ઘેરી લીધું અને અંદર પ્રવેશતા જ શંકાસ્પદ વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યો. ફાયરિંગમાં ઘાયલ બાળકો અને અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસે શું કહ્યું?
ઓકલેન્ડ કાઉન્ટી પોલીસના જણાવ્યા અનુસાર શંકાસ્પદ હુમલાખોર શનિવારે સાંજે 5 વાગ્યાની આસપાસ રોચેસ્ટર હિલ્સમાં ઓબર્ન સ્પ્લેશ પેડ પર પહોંચ્યો હતો અને તેણે તેની ગાડીમાંથી બહાર નીકળ્યા બાદ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. શેરિફ માઈકલ બાઉચાર્ડે જણાવ્યું હતું કે હુમલાખોરે 9 એમએમના સેમી-ઓટોમેટિક ગ્લોકથી લગભગ 28 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઘટનાસ્થળેથી એક બંદૂક અને ત્રણ ખાલી મેગેઝીન મળી આવ્યા છે. એવું માનવામાં આવે છે કે આ બંદૂકથી જ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.