Get The App

ફરજિયાત હિજાબના વિરોધી, પશ્ચિમી દેશો સાથે મિત્રતાના તરફદાર... શું હવે ઈરાનનું રાજકારણ બદલી નાંખશે મસૂદ પેઝેશ્કિયાન?

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
masoud pezeshkian


Iran President Masoud Pezeshkian:  ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલીકોપ્ટર દુર્ઘટનામાં મોત થતાં અહીં ફરી ચૂંટણી કરવામાં આવી હતી. જેમાં ઈરાનના રાષ્ટ્રપતિની આ ચૂંટણી પરિણામોએ મોટા ફેરફાર સર્જ્યા છે. કટ્ટરપંથી સઈદ જલીલીને હરાવીને સુધારાવાદી નેતા મસૂદ પેઝેશ્કિયાન દેશના 9મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ઉદારવાદી નેતા મસૂદ પેઝેશ્કિયાનને હિજાબ વિરોધી માનવામાં આવે છે. પેઝેશ્કિયાન પશ્ચિમ સાથે વધુ સારા સંબંધો, પરમાણુ કરારમાં પાછા ફરવા અને હિજાબ કાયદામાં સુધારા કરવાની હિમાયત કરે છે.

ઈરાનમાં 28 જૂને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઈતિહાસમાં પહેલીવાર આટલું ઓછુ મતદાન થયું છે. ઈરાનના ઉદારવાદી નેતા મસૂદ પેઝેશ્કિયાને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતીને કટ્ટરપંથી નેતા સઈદ જલીલીને 30 લાખ વોટથી હરાવી દીધા. મસૂદને 1.64 કરોડ વોટ મળ્યા હતા. જ્યારે જલીલીને 1.36 કરોડ વોટ. ઉલ્લેખનીય છે કે, ઈરાનમાં ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં ઈબ્રાહીમ રઈસી ફરીવાર દેશના રાષ્ટ્રપતિ બન્યાં હતા. હવે  પેઝેશ્કિયાને વર્ષોથી આર્થિક પીડા અને લોહિયાળ દમનથી નારાજ થયેલી જનતાને એ વિશ્વાસ અપાવવો પડશે કે તેમણે આપેલા વચન પ્રમાણે ફેરફાર લાવી શકે છે.

મહસા અમીની પર આપ્યું હતું આ નિવેદન 

વર્ષ 2022 માં મહસા અમીનીનું અવસાન થયું, ત્યારે ઈરાનના સાંસદ મસૂદ પેઝેશ્કિયાને લખ્યું કે "ઈસ્લામિક દેશમાં કોઈ છોકરીને તેના હિજાબ માટે ધરપકડ કરવી અને પછી તેના પરિવારને તેનો મૃતદેહ સોપવો એ સ્વીકાર્ય નથી." એ પછી જ્યારે દેશભરમાં તેને લઈને વિરોધ ફાટી નીકળ્યો અને સરકારે તેને કચડી નાખવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે ધમકીભર્યા અંદાજમાં કહ્યું કે, જેઓ "સુપ્રીમ લીડરનું અપમાન કરી રહ્યા છે... તેઓ ભવિષ્યમાં સમાજમાં ગુસ્સો અને નફરત સિવાય બીજું કાંઈ ન આપી શકે." 

સુધારાવાદી નેતા તરીકે રહી છે ઓળખ

69 વર્ષીય ઈરાનના નેતા મસૂદ પેઝેશ્કિયાન ઈરાનની શિયા ધર્મતંત્રમાં સુધારાવાદી રાજનેતા હોવાનું માનવામાં આવે છે, અને હંમેશા પરિવર્તન માટે દબાણ કરતાં રહ્યા છે, પરંતુ સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેની દ્વારા સ્થાપિત સિસ્ટમ સાથે સીધી ટક્કર નથી લેતા. તેઓ પોતાની જાતને રુહાની અને ભૂતપૂર્વ પ્રમુખ મોહમ્મદ ખતામી જેવા સુધારાવાદીઓ લોકો અને 2009ના ગ્રીન મૂવમેન્ટ વિરોધનું નેતૃત્વ કરનારને સાથે જોડવાની કોશિશ કરી ચુક્યા છે. 

એવું કહેવાય છે કે, ભૂતપૂર્વ વિદેશ પ્રધાન મોહમ્મદ જાવદ ઝરીફ તેમના મુખ્ય સમર્થક રહ્યા છે. જેમણે વૈશ્વિક શક્તિઓ સાથે 2015ના ઈરાન પરમાણુ કરાર માટે સંમતિ બતાવી હતી, પરિણામે પરમાણુ કાર્યક્રમમાં ભારે કાપ મુકવામાં આવ્યો હતો. મસૂદ પેઝેશ્કિયાન સ્વર્ગસ્થ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીની જગ્યા લેવાના આ અભિયાન દરમિયાન પોતાની જાતને અને અન્ય ઉદારવાદી તેમજ સુધારાવાદી હસ્તિઓ સરખાવે છે.

યુદ્ધમાં સેવા આપી ચુકેલા મસૂદ પેઝેશ્કિયાન હાર્ટ સર્જન છે 

મસૂદ પેઝેશ્કિયાનનો જન્મ 29 સપ્ટેમ્બર, 1954ના રોજ ઉત્તરપશ્ચિમ ઈરાનના મહાબાદમાં એક અઝેરી પિતા અને કુર્દિશ માતાને ત્યાં થયો હતો. તે અઝેરી ભાષા બોલે છે, અને ઘણા લાંબા સમયથી ઈરાનના લઘુમતી જૂથો બાબતો પર ધ્યાન આપી રહ્યા છે. તેઓ ઈરાન-ઈરાક યુદ્ધ દરમિયાન યુદ્ધના મેદાનમાં પણ તબીબી સેવા આપી ચુક્યા છે. 

વ્યવસાયે તેઓ હાર્ટ સર્જન છે, જેમણે તબરીઝ યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સના વડા તરીકે પણ કામ કર્યું છે. વર્ષ 1994માં એક કાર અકસ્માતમાં   તેમના પત્ની ફતેમેહ મજીદી અને એક પુત્રીનું મૃત્યુ થયું હતું. આ પછી તેમણે બીજા લગ્ન નથી કર્યા અને બાકીના બે પુત્રો અને એક પુત્રીને એકલા હાથે પાલન- પોષણ કર્યું હતું. 

ત્રણ વખત રાષ્ટ્રપતિ પદ માટે દાવો કર્યો છે

રાજકારણમાં પ્રવેશ્યા પછી તેઓ સુધારાવાદી રાષ્ટ્રપતિ મોહમ્મદ ખતામીના શાસન દરમિયાન દેશના નાયબ આરોગ્ય મંત્રી રહ્યા હતા. વર્ષ 2009માં જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારે દેશમાં હિંસા ફાટી નીકળી હતી અને તેમા લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ દરમિયાન પેઝેશ્કિયાન પ્રદર્શનકારીઓની સાથે થઈ રહેલા વર્તનની આકરી ટીકા કરી હતી, જેના કારણે તે કટ્ટરપંથી નેતાઓની ટીકાનો શિકાર પણ બન્યા હતા. 

વર્ષ 2011માં પેઝેશ્કિયાન રાષ્ટ્રપતિ માટે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ પછી તેમણે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. એ પછી વર્ષ 2021માં પેઝેશ્કિયાને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પણ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ ગાર્ડિયન કાઉન્સિલ દ્વારા તેમની ઉમેદવારીને નકારી કાઢવામાં આવી હતી.


Google NewsGoogle News