સાઉથ કોરીયામાં માર્શલ લો છ કલાકમાં પરત ખેંચવો પડયો
- પ્રમુખ યૂન બરખાસ્ત થાય તો પીએમને સત્તા મળશે
- અચાનક માર્શલ લો લાવવા બદલ સાઉથ કોરીયાના પ્રમુખ યૂન સામે શુક્રવારે મહાભિયોગ લાવવામાં આવશે
- શાસક પક્ષે પણ યૂને લાદેલા માર્શલ લોને ગેરવાજબી અવાંછિત અને બંધારણના ભંગ સમાન ગણાવ્યો
નવી દિલ્હી : દક્ષિણ કોરિયાના પ્રમુખ યૂન સુફ એમૉલે દેશમાં માર્શલ-લૉ (લશ્કરી કાયદો) જાહેર કર્યા પછી માત્ર ૬ કલાકમાં જ તે પાછો ખેંચી લીધો હતો.વાસ્તવમાં પ્રમુખ યૂને સાંસદો ઉપર એવો આક્ષેપ મુક્યો હતો કે વિપક્ષો ઉપર કોરિયાને ઈશારે નાચી રહ્યો છે. તેથી માર્શલ લૉ લાગુ કરવા પડે તેમ છે.પરંતુ આ સામે સંસદમાં ઉગ્ર વિરોધ થતા અને પ્રમુખ જો માર્શલ લૉ પાછો ન ખેંચે તો તેઓની ઉપર મહાભિયોગ લાવવા ૩૦૦ સભ્યોની સંસદમાં ૧૯૦ સાંસદોએ તેની તરફેણમાં મતદાન કર્યું હતું. જ્યારે ૧૧૦ સાંસદોએ વિરૂદ્ધમાં મતદાન કર્યું હતું.
આથી પરિસ્થિતિની ગંભીરતા સમજી પ્રમુખ યૂન સુફ એઑલે છેવટે કેબિનેટની મિટીંગમાં માર્શલ લૉ પાછો ખેંચવા નિર્ણય લીધો હતો.
પ્રમુખ યૂન સુફ એઑલે મંગળવારે મોડી રાત્રે દેશમાં માર્શલ લૉ લાગુ કરવાની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું કે વિપક્ષી દળો દેશ વિરોધી ગતિવિધિમાં લીધી છે અને ઉત્તર કોરિયાના ઈશારે કામ કરે છે. તેથી માર્શલ લૉ લાગુ પાડવામાં આવે છે. આ એલાન તેઓએ ટીવી ઉપર કર્યું હતું. પરંતુ તે પછી દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા.
નેશનલ એસેમ્બલીના સ્પીકર વૂન વૉન શિકે જાહેર કર્યું કે આજ રાતથી દેશમાં લશ્કરી કાનુન લાગુ પડાશે. પરંતુ તે પછી ઉદાર મતવાદી ડેમોક્રેટિક પાર્ટીના નેતા લી જેમ્યાંગે તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તે કાનૂન પાછો ન ખેંચાય ત્યાં સુધી અમે ''ગૃહ''માં બેઠા રહેશું. છેવટે પ્રમુખ યૂનને તે હુકમ પાછો ખેંચવો પડયો તે પણ છ કલાકમાં જ.
માર્શલ લોને આંચકાજનક રીતે લાદવાના પગલે સાઉથ કોરીયાના વિપક્ષેોએ ભેગા થઈને પ્રેસિડેન્ટ યૂન સામે મહાભયોગની દરખાસ્ત સુપ્રદ કરી છે. આ માર્શલ લોની જાહેરાતના પગલે સશસ્ત્ર લશ્કરી ટુકડીઓએ આખી સંસદની ઘેરી લીધી હતી અને રીતસરની ઉત્તર કોરીયા જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું.
યૂન સામે મહાભિયોગની દરખાસ્ત સફળ બનાવવા માટે સંસદમાં બે તૃતિયાંશ સભ્યોની બહુમતી અને બંધારણીય કોર્ટના નવ સભ્યમાંથી કમસેકમ છ સભ્યની સમંતિ જરુરી છે. જ્યારે સંસદમાં ૩૦૦માંથી ૨૦૦ સભ્યોની મંજૂરી જરુરી છે.મુખ્ય વિપક્ષ લિબરલ ઓપોઝિશન ડેમોક્રેટિક પાર્ટી અને પાંચ નાના પક્ષોના જોડાણે ભેગા થવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આમ વિપક્ષી જોડાણના બધુ મળીને ૧૯૨ સભ્યો થાય છે. તેઓ શુક્રવારે મતદાન કરી શકે છે.
શાસક પક્ષના નિવેદનમાં જણાવાયું હતું કે પ્રમુખે માર્શલ લોની જાહેરાત બંધારણનો સ્પષ્ટપણે ભંગ હતો. આ પ્રકારનો માર્શલ લો લાવવાની કોઈ જરૂર ન હતી. તેમનું માર્શલ લોનું જાહેરનામુ ગેરકાયદેસરનું હતું અને બંધારણનો ભંગ હતું. આને રીતસરનું બળવાખોર જેવું કૃત્ય કહી શકાય અને મહાભિયોગ માટે પૂરતો આધાર પૂરો પાડે છે.
પીપીપીના નેતા અને સીઓના મેયર ઓહ-શી હૂને પણ તેની ટીકા કરી હતી. સાઉથ કોરીયાના બંધારણ મુજબ પ્રમુખ ફક્ત યુદ્ધ જેવી સ્થિતિ, યુદ્ધના સમય અને અન્ય નેશનલ ઇમરજન્સીના સમયમાં જ કટોકટી લાદી શકાય છે.
સીઓલની દુશ્કુંગ વીમેન યુનિવર્સિટીના પ્રાધ્યાપક ચો જિનમેને મહાભિયોગની દરખાસ્તને સમર્થન આપતા જણાવ્યું હતું કે વિપક્ષ પાસે જરુરી ૨૦૦ના બદલે ૧૯૨નું સમર્થન છે અને બાકીનું ખૂટતું સમર્થન શાસક પક્ષના સાંસદો આપશે તેમ તેઓ માને છે. પ્રમુખ યૂન સામે લાવેલો મહાભિયોગ સફળ થાય તો તેમણે તરત રાજીનામુ આપવું પડે અને સત્તામાં નંબર-ટુ પીએમ હાન ડક સુ પ્રમુખ બનશે. આ ઉપરાંત ત્રણ જજોની નિવૃત્તિના પગલે બંધારણીય કોર્ટમાં પણ ફક્ત છ જ ન્યાયાધીશ છે. આનો સીધો અર્થ એ થાય કે બધા છ ન્યાયાધીશોએ મહાભિયોગને સમર્થન આપવું પડશે તો જ તે પસાર થશે.