ઈરાનમાં પૂર્વ જનરલ સુલેમાનીની વરસી પર કબ્રસ્તાનમાં બે ભયંકર બ્લાસ્ટ, 73 લોકોના મોત
Iran Blast : ઈરાનમાં પૂર્વ જનરલ કાસિમ સુલેમાનીની કબર નજીક બે વિસ્ફોટ થયા. જે વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 73 થઈ ગયો છે, જ્યારે 170 લોકો ઈજાગ્રસ્ત હોવાના સમાચાર મળી રહ્યા છે. હજુ પણ મૃત્યુઆંક વધવાની સંભાવના છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ બ્લાસ્ટ ઈરાનના પૂર્વ જનરલ કાસિમ સુલેમાનીની ચોથી વરસી પર તેમની કબરની નજીક યોજાયેલા એક કાર્યક્રમને નિશાન બનાવીને કરાયો હતો.
રિપોર્ટ અનુસાર, ઈરાનના કરમાન શહેરમાં ઈરાની સેનાના પૂર્વ જનરલ સુલેમાનીની કબર નજીક પહેલો બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ બીજો બ્લાસ્ટ થયો, જેમાં 73 લોકોના મોત થયા.
ઈરાને ગણાવ્યો આતંકવાદી હુમલો
ઈરિબના રિપોર્ટમાં કરમનના નાયબ ગવર્નરનો હવાલો આપતા કહેવામાં આવ્યું છે કે, આ એક આતંકવાદી હુમલો હતો. ઓનલાઈન પ્રસારિત એક વીડિયોમાં રોડ પર અનેક મૃતદેહો જોવા મળી રહ્યા છે.
કેવી રીતે થયું હતું પૂર્વ જનરલનું મોત?
પૂર્વ જનરલ સુલેમાનીનું 3 જાન્યુઆરી 2020ના બગદાદ એરપોર્ટ પર અમેરિકન ડ્રોન હુમલામાં મોત થઈ ગયું હતું. ઈરાનમાં સુલેમાની એક કદ્દાવર વ્યક્તિ હતા. તેમણે ઈરાનથી સુપ્રીમ નેતા અયાતુલ્લા ખુમૈની બાદ બીજા સૌથી શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવતા હતા. 2020માં ટ્રમ્પે સુલેમાનીના મોતને સૌથી મોટી જીત ગણાવતા તેમણે દુનિયાનો આતંકવાદી નંબર એક કહ્યો હતો.