લંડનમાં એક વ્યક્તિનો તલવાર સાથે આતંક: અનેક લોકો ઘાયલ થયા
મંગળવારે બ્રિટનની રાજધાની લંડનના હેનોલ્ટ વિસ્તાર પાસે એક વ્યક્તિએ લોકો પર તલવાર વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આ ઘટનાને આતંકવાદ સંબંધિત હિંસા ગણાવી નથી.
રિપોર્ટ અનુસાર, મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું કે, શંકાસ્પદ વ્યક્તિએ તલવારથી અનેક લોકો અને બે અધિકારીઓ પર હુમલો કર્યો. આરોપી (36 વર્ષીય) વ્યક્તિની ઘટના સ્થળે ધરપકડ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વિડિયો ફૂટેજ અને તસવીરોમાં એક વ્યક્તિ ઘરની નજીકની શેરીઓમાં તલવાર લઈને ફરતો જોઈ શકાય છે. આ ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
બ્રિટનના આંતરિક બાબતોના વિભાગના મંત્રી જેમ્સ ક્લેવરલીએ ટ્વિટર પર કહ્યું કે: 'મને આજે સવારે હેનોલ્ટ સ્ટેશન પર થયેલી ઘટના વિશે જાણ થઇ આ ઘટનાની નિયમિત પણે અપડેટ લઇ રહ્યો છું. મારી સંવેદનાઓ ઘાયલ થયેલા લોકો સાથે છે.
લંડનના મેયરે અફવાઓથી દૂર રહેવા જણાવ્યું
લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વધારાના પેટ્રોલિંગ તૈનાત કરવામાં આવશે અને લોકોને અફવાઓથી દૂર રહેવા વિનંતી કરવામાં આવી હતી.
મેયરે કહ્યું કે, આ વિસ્તારમાં વધારાની પેટ્રોલિંગ ટીમો તૈનાત કરવામાં આવશે. અમારા પોલીસ અધિકારીઓ અને ઇમરજન્સી સેવાઓ શહેરમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે. અન્ય લોકોના જીવ બચાવવા માટે મેયરે પોલીસનો આભાર માન્યો છે.