આફ્રિકાના આ દેશમાં સોનાની ખાણમાં સુરંગ ધસી પડી, 70 શ્રમિકોના મોત
image : Twitter
બોમાકો(માલી),તા.25 જાન્યુઆરી 2024,ગુરૂવાર
દુનિયાના સૌથી ગરીબ દેશો પૈકીના એક આફ્રિકાના માલીમાં સોનાની ખાણમાં સુરંગ ધસી પડવાથી 70 કરતા વધારે લોકોના મોત થયા છે.
ગત સપ્તાહે સર્જાયેલી આ દુર્ઘટનાની જાણકારી હવે સામે આવી છે અને સરકારે પણ તેને સમર્થન આપ્યુ છે. હજી પણ આ ગોઝારા બનાવમાં સેંકડો લોકો લાપતા છે અને તેમની શોધખોળ ચાલી રહી છે. જેના કારણે મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
માલીમાં સોનાની ખાણોમાં આ પ્રકારના અકસ્માતો છાશવારે થતા રહ્યા છે અને તેના કારણે માઈનિંગ ઈન્ડસ્ટ્રીમાં માલીને સૌથી જોખમી દેશો પૈકી એક ગણવામાં આવે છે.
આ અકસ્માત જ્યાં સર્જાયો છે તે ખાણ દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં આવેલા કંગાબા શહેર પાસે આવેલી છે. સબંધિત અધિકારી ઉમર સિદીબેએ કહ્યુ હતુ કે, અચાનક જ ધરતી હલતી હોય તેવુ લાગવા માંડ્યુ હતુ અને મોટો અવાજ થયો હતો. એ પછી અમને ખબર પડી હતી કે, ખાણમાં ખોદવામાં આવેલી એક સુરંગ ધસી પડી છે. અત્યાર સુધીમાં 70 શ્રમિકોના તેમાં મોત થયા છે. સ્થળ પર રાહત કાર્ય ચાલી રહ્યુ છે.
બીજી તરફ માલી સરકારે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને સાથે સાથે સોનાની ખાણમાં કામ કરવા માટેની ગાઈડ લાઈનનુ પાલન કરવા માટે આદેશ આપ્યો છે.
કંગાબા શહેર પાસે સોનાની લગભગ 200 જેટલી ખાણો આવેલી છે. જ્યાં સોનુ મેળવવા માટે હજારો લોકો રોજ ખોદકામ કરતા હોય છે. આ પૈકીની એક ખાણમાં ઉપરોક્ત દુર્ઘટના સર્જાઈ હતી.