ચીને મોકાનો ફાયદો ઉઠાવ્યો, માલદીવને ગણાવ્યું જૂનું મિત્ર, મુઈજ્જૂએ પણ ખેલ્યો દાવ
China-Maldives Relations : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ માલદીવના મંત્રીઓની આપત્તિજનક ટિપ્પણીઓને લઈને ભારતની સાથે શરૂ થયેલા વિવાદ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જૂ ચીનના પ્રવાસે છે. નવા નિમાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જૂની આ યાત્રા દરમિયાન માલદીવે ચીન સાથે પોતાના સંબંધોને ગાઢ બનાવ્યા. માલદીવના રાષ્ટ્રપતિએ ભારતને સંપ્રભુતા માટે ખતરો ગણાવ્યો છે. ચીનની યાત્રા પર ગયેલા મુઇજ્જૂએ બુધવારે પોતાના ચીન સમકક્ષ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. ત્યારબાદ બંને દેશોના પર્યટન સહયોગ સહિત 20 મહત્વના કરારો પર હસ્તાક્ષર કર્યા અને પોતાના દ્વિપક્ષીય સંબંધોને મોટા પ્રમાણમાં રણનીતિક ભાગીદારી સુધી વધારવાની જાહેરાત કરી.
ચીને માલદીવને જૂનું મિત્ર ગણાવ્યું
ભારત-માલદીવના વિવાદને ચીને અવસર તરીકે લીધું અને માલદીવને જૂનું ગણાવીને ફાયદો ઉઠાવ્યો. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગ્રેટ હોલ ઓફ ધ પીપલમાં પોતાના સંબોધન દરમિયાન મોહમ્મદ મુઇજ્જૂને એક 'જૂના મિત્ર' કહ્યા, કારણ કે ચીને વ્યાપક વ્યૂહાત્મક સહકારી ભાગીદારી પર સહમતિ આપીને હિન્દ મહાસાગર દ્વીપ સમૂહમાં આગામી રોકાણો માટે મંચ તૈયાર કર્યું હતું.
ચીની સરકારી મીડિયાના રિપોર્ટ અનુસાર, શી જિનપિંગે મુઇજ્જૂને કહ્યું કે, 'ચીન અને માલદીવની પાસે અતીતના સંબંધોને આગળ વધારવા અને ભવિષ્યમાં આગળ વધવાનો ઐતિહાસિક અવસર છે.' શી જિનપિંગે આ વાત પર ભાર આપ્યું કે ચીન રાષ્ટ્રીય પરિસ્થિતિઓને અનુકૂળ વિકાસ રાહ શોધવામાં માલદીવનું સમર્થન કરે છે. તેમણે કહ્યું કે, 'ચીન રાષ્ટ્રીય સંપ્રભૂતા, સ્વતંત્રતા, ક્ષેત્રીય અખંડતા અને રાષ્ટ્રીય ગરિમાની રક્ષા કરવામાં માલદીવનું દ્રઢતાપૂર્વક સમર્થન કરે છે.'
ચીનના મગજમાં શું ચાલી રહ્યું છે?
માલદીવ સાથે સંબંધોને વધારીને ચીન એ વિસ્તારમાં વધુ રોકાણ માટે મંચ તૈયાર કરી રહ્યું છે, જ્યાં ભારત પહેલાથી જ એક પાડોશી એટલે શ્રીલંકાને ચીન તરફ આકર્ષિત થતા જોઈ રહ્યું છે. જણાવી દઈએ કે, મુઇજ્જૂએ માલદીવથી ભારતીય સૈનિકોને હટાવવાના અભિયાનના દમ પર જીત મેળવી છે અને નવેમ્બરમાં પદભાર સંભાળ્યો છે. ત્યારબાદથી જ તેઓ ભારતીય સૈનિકોની માલદીવમાં ઉપસ્થિતિને માલદીવ અને તેની લોકશાહી માટે ખતરો ગણાવી રહ્યા છે. મુઇજ્જૂની સરકાર પર ચીનનું મોટું દેવું હોવા છતા ચીની રોકાણ કારો માટે અવસરની વાત કરી રહી છે અને ભારતીય સૈનિકોને હટાવવાની વાત કરી રહી છે.
બંને દેશો વચ્ચે શું-શું કરાર થયા?
બંને રાષ્ટ્રપતિઓ વચ્ચે દ્વિપક્ષી સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવાની પણ જાહેરાત થઈ. માલદીવના રાષ્ટ્રપતિના કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં કહ્યું કે, 'માલદીવ અને ચીનની સરકારો વચ્ચે 20 મહત્વના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા અને આ સમયે બંને રાષ્ટ્રપતિ હાજર હતા.' આ કરારોમાં પર્યટન સહયોગ, આપત્તિના જોખમમાં ઘટાડો, દરિયાઇ અર્થતંત્ર, ડિજિટલ અર્થતંત્રમાં રોકાણને મજબૂત બનાવવું અને 'બેલ્ટ એન્ડ રોડ' પહેલનો સમાવેશ થાય છે. ચીને પણ માલદીવને ગ્રાન્ટ સહાય આપવા સંમતિ આપી છે પરંતુ રકમનો ખુલાસો નથી કરાયો.